સ્ત્રીપ્રધાન સમાજ હોવો જોઈએ?
ના. સ્ત્રીપ્રધાન સમાજ ન હોવો જોઈએ. એટલા માટે કેમ કે પુરુષપ્રધાન સમાજની પણ આપણે કશી જરૂર નથી. ક્યારેય નહોતી. પરંતુ સદીઓથી એવી તો આદત લાગેલી છે આપણને કે આ ચીજ હવે સાવ જ સહજ લાગે છે. અને એ જ કારણ છે કે આવી રૂઢિગત પરંપરા સંસ્કૃતિના નામે એટલી હદે ઘર કરી ગયેલી છે કે ઘણી સ્ત્રીઓ પણ પુરુષપ્રધાન સિવાયના સમાજની કલ્પના નથી કરી શકતી હોતી.
તો પછી સમાજ કેવો હોવો જોઈએ? જેમ આપણે ફેમિનીઝમની બાબતમાં ટિપ્પણી કરતા હોઈએ છીએ કે સ્ત્રીઓનું લક્ષ્ય પુરુષો કરતા આગળ વધવું નહીં પણ તેના સમોવડી બનવું હોવું જોઈએ તેવી જ રીતે જો આટલા કાળખંડ પછી માનવજાતને સમજાયું છે કે પુરુષપ્રધાન સમાજ યોગ્ય બાબત નથી તો પછી એના સ્થાને સ્ત્રીપ્રધાન સમાજની વાત આગળ ધરવી એ પણ એવો જ મૂર્ખામીભર્યો વિચાર ગણાય. તો આપણી પાસે વિકલ્પ શું છે? મનુષ્યપ્રધાન સમાજ.
મનુષ્યપ્રધાન સમાજ જેવા વિષય પર હજી ઝાઝું ખેડાયું નથી એટલે એમાં હજી કોઈ મતમતાંતરની ચર્ચા સામે આવી શકી નથી પણ એક વાત એ જરૂર ઉમેરી શકાય કે આપણે સમાજ શબ્દ વાપરીએ ત્યારે સહજભાવે માનવજાતની જ વાત કરતા હોઈએ છીએ અને એટલે જ પ્રાધાન્ય આપવાની બાબતમાં બીજા કશા જીવને ગણકારતા નથી. સજીવસૃષ્ટિની એ જ નગણ્ય બાબતો આપણને પર્યાવરણના આટલા મોટા ખતરા સુધી ખેંચી લાવી છે. ટુંકમાં, પૃથ્વીને જ સમાજના ચોગઠામાં મૂકીએ તો પ્રાથમિકતાને આસાનીથી વિસ્તારી શકાય. ખેર અત્યારે તો આપણે સ્ત્રીપ્રધાન સમાજની જરૂરત પર જ દ્રષ્ટિ માંડીએ.
અહીં કોઈને એવું લાગી શકે કે સ્ત્રીપ્રધાન સમાજની શક્યતાઓને અવગણવામાં આવી છે. પરંતુ એવું નથી. જરૂરત અને શક્યતા આ બંને અલગ બાબતો છે. જરૂરત હોય તેવી દરેક ચીજની શક્યતાઓ રહેલી જ છે પરંતુ શક્યતા હોય તેની જરૂરત પડે જ તે સમજ ભૂલભરેલી છે. જરૂરત સિવાયની કૃતિ અને ક્રાંતિ દરેક પેઢી જોતી જ આવી છે તો વખત જતાં જો આપણે સ્ત્રીપ્રધાન સમાજના સાક્ષી બનીએ તો એ સંપૂર્ણપણે નાવીન્યસભર નહીં જ હોય. ઉત્ક્રાંતિના ભાગ રૂપે ઘણીય ઘટનાઓ બનતી હોય છે તો એમાં શક્યતા વજનદાર પાસું હોય એવું બને અને એટલે જ તેના સત્યને પણ એ જ હકથી પડકારી શકાય. એટલે જ પુરુષપ્રધાન સમાજના લાંબા દાવ સામે પણ ચોક્કસ પ્રશ્નો કરી જ શકાય. એવા સમયે સ્ત્રી સશક્તિકરણ માટે સ્ત્રીપ્રધાન સમાજની માંગ કે કલ્પનાની અવેજીમાં બહેતર વિકલ્પો પર નજર ઠેરવવી જોઈએ.
કોઈ ઘર-પરિવાર વિશાળ સમાજનો જ હિસ્સો છે. સ્ત્રીઓ માટે આદર્શ સમાજની વાત માંડવી હોય તો સમાજને ઘડીભર એક પરિવારની પ્રતિકૃતિ સમજી લઈએ તો દ્રષ્ટાંતરૂપે ખ્યાલ મેળવવો સહેલો થઈ પડશે. લગ્ન પછી સ્ત્રી પુરુષના ઘરે આવતી હોય છે. પરંતુ હવે જેમ લગ્નવિધિ પણ સ્ત્રીના ઘરના બદલે બંને પક્ષને અનુકૂળ પડે તેવી કોઈ જગ્યાએ રખાતી હોય છે તેમ કંઈક અંશે પતિ-પત્નીનું રહેઠાણ પણ કોઈ નવું જ ઘર બનતું હોય છે જેમાં હવે પહેલા જેવું સ્પષ્ટ રહ્યું નથી કે કોણ કોને ત્યાં ગયું છે. જો કે આ ગોઠવણ મુખ્યપ્રવાહમાં હજી પ્રમાણમાં ખૂબ જ ઓછી છે એ પણ સ્વીકારવું જ રહ્યું. અને પારિવારિક વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ એ કેટલું યોગ્ય છે એ વિચાર કરવો જ રહ્યો પણ એ પછી ક્યારેક. અત્યારે તો આ સ્થિતિ સ્ત્રી માટે કઈ રીતે ઉપયોગમાં આવે અને સ્ત્રી પ્રધાન સમાજથી દૂર રહીને પણ કઈ રીતે આદર્શ જીવનનો પાયો નાખે એ જોવું રસપ્રદ છે. જ્યાં પાયામાં જ આ પ્રકારનો પ્રબંધ હોય ત્યાં મોટા ભાગે સ્ત્રી વ્યવસાયિક કામ કરતી હોય શકે અને એટલે જ ઘરને લગતા વ્યવહારુ કામોમાં પુરુષ સામાન્ય સ્થિતિ કરતા ચોક્કસ આગળ પડતો રહેવાનો. કશે જવાની, કશું કરવાની, કશું ખરીદવાની સ્વતંત્રતા સ્વાભાવિકપણે જ સરખે ભાગે વહંચાયેલી હોય શકે. કોઈ એક પાત્ર પાસે અંતિમ નિર્ણયની સત્તા નહીં હોય એટલે કોઈ એકનું પ્રાધાન્ય ખતમ થઈ શકે અને જો એવું થાય તો બંનેનો સંબંધ વધુ ઉત્પાદક રીતે આગળ ધપી શકે. અને આડકતરી રીતે જ આ ચાવીરૂપ સ્થિતિ લગ્નવ્યવસ્થા પણ મજબૂત બનાવી શકે.
આપણા દ્રષ્ટાંતના સંબંધમાં બંને પાત્રો એકબીજાની પસંદનું ધ્યાન રાખે છે અને એટલે જ કોઈ એકના પ્રાધાન્યની જરૂરત જ ઊભી થતી નથી. વિના જરૂરત શક્યતા ગમે તેટલી હોય પણ એ આદર્શ સ્થિતિ બની શકે જ નહીં. તો એક પરિવારની આદર્શ સ્થિતિ સમાજને પણ લાગુ પડી શકે જેમાં સ્ત્રી પ્રાધાન્યની વાત પણ નિરર્થક જ ભાસે. તેથી જ સ્ત્રી સશક્તિકરણ જો મનુષ્યપ્રધાન સમાજની ઉચ્ચ શૈલીઓ વચ્ચે પાંગરે તો એ ચોક્કસ સત્વભર્યું પગલું કહેવાય.
(મારો આ લેખ પાથેય મેગેઝીનમાં પ્રકાશિત થયેલો છે.)
(મારો આ લેખ પાથેય મેગેઝીનમાં પ્રકાશિત થયેલો છે.)



Comments
Post a Comment