હું ભારતનો ને ભારત મારું: સમરસ ભારતનો પાયો

‘પથ્થરમારો પહેલા એમણે શરુ કરેલો’, ‘ઘરમાં ઘૂસીને તેઓએ કાર ફોડી અને બધો જ સામાન વીખી નાખ્યો’, ‘પોલીસે જ શરૂઆત કરેલી’, ‘ટોળામાં અસામાજિક તત્વો હોય તો ટોળાએ જ ખ્યાલ રાખવો જોઈએ’, ‘સરકારે જ હિંસા કરાવી કેમ કે આંદોલન કાબૂમાં કરવાનો એ જ રસ્તો બચ્યો હતો’, ‘જો તેઓ સાચા હોય તો શાંતિપૂર્ણ વિરોધ કરાય ને’ વગેરે વાક્યો આપણે સૌએ બહુ જ નજીકના ભૂતકાળમાં સાંભળ્યા. અહીં બે પ્રકારના વાક્યો છે. એક જે-તે કાયદાકીય નિયમની તરફેણમાં અને એક વિરોધમાં. પણ મારે અહીં વાત એ નથી કરવી કે CAA કે NRC યોગ્ય છે કે નહીં. મારે તો અહીં એ દર્શાવવું છે કે આ બંને વાક્યમાં સમાનતા શું છે. 

સમાનતા વળી કઈ રીતે? બંને પ્રકારના વાક્યોમાં સામે પક્ષે કોઈક છે જેના માટે આ કહેવાયું છે કે કરાયું છે. સામે પક્ષે આંદોલનકારીઓ, પોલીસ, જાહેર સંપત્તિ, સરકાર, નાગરિકો, રાષ્ટ્ર એમ બધું જ છે. અને સમાનતા એ છે કે એ સામા પક્ષનું અહીં હિત ઈચ્છવામાં નથી આવ્યું. જાહેર સંપત્તિ પોતાની નહીં ને સરકારની લાગવા માંડે ત્યારે કોઈ એ સળગાવવા હાથ ઉગામે. ત્યારે એ સંપત્તિ કે સરકાર બંને પોતીકા નથી લાગતા હોતા. 


વિવિધતામાં એકતાના સૂત્ર પર જીવવાની કોશિશ કરતા દેશમાં ચોક્કસપણે સૌ ખુશ હોય જ એવું સંભવ નથી પણ એના કારણે પેલી એકતાવાળી ભાવના અદ્રશ્ય થતી જણાય અને રાષ્ટ્રને જાણતા-અજાણતા પરાયુ બનાવી દે ત્યારે ફક્ત ‘હું ભારત’નો એ બાય ડીફોલ્ટ રહી જાય અને ‘ભારત મારું’ની ભાવના ભાંગી પડતી દેખાય. સમર્થ ભારત ત્યારે જ બનવાનું જયારે આટલું વૈવિધ્ય સમરસ થશે. પણ એ સમરસ કરવાની પ્રક્રિયામાં જ આપણને વાંકુ પડી જતું હોય છે. ના, એક જ ભાષા, પહેરવેશ કે વિચારની વાત છે જ નહીં પણ દરેક સંસ્કૃતિ પ્રત્યે આદર ને પ્રેમ ઉભો થાય તો એ પાયો બની જ શકે ને.

આ થયા પછી ‘બીજા દેશને ગંદો કરે છે ને હું તો સાવ સારો’થી લઈને ‘આપણે પણ સહભાગી ને મળીને સુધારીશું’ સુધી પહોંચીશું. લિફ્ટના લાલ ફર્શ પર અને બિલકુલ ડસ્ટબીન પાસે જ પડેલી પ્લાસ્ટિકની થેલીઓ પર પણ ત્યારે જ ગુસ્સો આવશે. મારા ભારતમાં હિંસા, ગંદકી ને ભ્રષ્ટાચાર છે તેની સમજણ પાક્કી થતી જ નથી કેમ કે ભારત મારું એ પાક્કું થવામાં જ સમય જતો રહેતો હોય છે. હેલ્મેટ તો મારા ભારત માટે પણ નથી, મારા માટે છે. પણ પહેલા એ સમજીએ ત્યારે પેલો જે નિયમ છે એ પોતીકો લાગવા સુધી પહોંચીએ ને આપણે. ‘હાશ મેં તો ખરીદી જ નહોતી’ અને ‘ગાડીની જરૂર નથી, લાવો ફક્ત આર.સી. બુકથી જ પી.યુ.સી કાઢી આપું’ આવું કહેનારા બંનેનો વાંક છે જ છતાં મજા એ છે કે બંને ઓફિસમાં ટેબલની અલગ-અલગ બાજુએ છે છતાં બંને ભારતીય છે. 

જે રાષ્ટ્રમાં કોઈ નેતા સંસદમાં ખુલ્લેઆમ એમ બોલતો હોય કે હું તકવાદી છું ને જે પક્ષ જીતશે એવું લાગે તેની સાથે ભળી જાવ છું અને કોઈ ચૂંટણી જીતીને મીડિયા ઈન્ટરવ્યૂમાં આગળના પ્લાન વિશેના પ્રશ્નની બાબતમાં ક્હેતો હોય કે મારા લોકો હવે મને સમજાવશે કે ટેન્ડર્સમાં કટકી કઈ રીતે કહેવી, એ રાષ્ટ્રમાં ‘ભારત મારું’ એ ભાવના આ બંને નેતાઓમાં હોય એવું પણ બની શકે. પરંતુ ત્યાં પાછી એવી પણ આશંકા રહે કે ક્યાંક તેઓ એમ તો નહીં સમજતા હોય ને કે ભારત મારું જ. પક્ષ સરકાર બનાવ્યા પછી ખુદને પક્ષ જ માનતો રહે તો તે સેવક ન જ બની શકે. ‘કોનો થશે રાજ્યાભિષેક?’ જેવી ન્યૂઝ પ્રાઈમ શોની હેડલાઈન નાગરિકને ન ખટકે તો વિલીનીકરણની સરદારની મહેનત એળે ગઈ ન ગણાય? 


પણ એક જ કલાકમાં 100 વ્યક્તિ એક જ ટ્વીટ કરે એવી સમરસતાની પણ આપણને જરૂર નથી. એનાથી ટ્વીટરમાં ટ્રેન્ડિંગ થઈ જવાય પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તો નહીં જ. અને બધું જ પોતીકું સમજીને તેના હિતમાં સમરસ થવા માટે કોઈ આંતરરાષ્ટ્રીય ચાલકબળની જરૂર પડે એ પણ ‘મેરા ભારત મહાન’ લખેલા ટ્રક પાછળ કારણ વિના હોર્ન માર્યા કરતા આપણે સૌ ભારતવાસીઓ માટે કરુણા જ ખરી ને.

તો, હું ભારતનો ને ભારત મારું એ બંને અનુભૂતિઓનું રસાયણ સમરસ ભારતનો પાયો ચોક્કસ બની જ શકે અને જોઈતા સામર્થ્યની મજબૂતી પ્રદાન કરે, જરૂર છે માત્ર એ અનુભૂતિઓને ફક્ત પાકિસ્તાન કે હિંદુ-મુસ્લિમ મુદ્દે જ ઉભા થતા રૂંવે-રૂંવે જન્માવવાની.


(મારો આ લેખ પાથેય મેગેઝીનમાં પ્રકાશિત થયેલો છે.)

Comments