सर्वस्य चाहं हृदि सन्निविष्टो (Life-Line Article)

सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च।

वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम्।।

શ્રીમદ્દ ભગવદ્દગીતાનો આ મારો સૌથી ગમતો શ્લોક છે. ઈશ્વર સ્વંય આવીને જયારે કહેતો હોય કે ‘હું તારી અંદર છું, તું મને યાદ રાખીને આગળ વધ’, ત્યારે ફી લઈને જીવતા શીખવતા મોટિવેશનલ સેમિનારની આપણને જરૂર પડે ખરી? કોઈ પણ સમય કે સંજોગ હોય, ગીતા પાસે જાઓ તો એ પથદર્શક બનીને આપણને પોતાના આશ્રયમાં સમાવી લેવા તૈયાર હોય જ છે. ગીતા પથ બતાવે છે કે નહીં, તેના કરતા સાંપ્રત સમાજનો મોટો પ્રશ્ન એ છે હું ગીતાના પથને કેટલો લાયક છું એ.

ગીતા વિશે બોલવાનું થાય ત્યારે આપણી જીભમાં કેટલી જીદ છે ને આપણા રોમમાં કેટલું જોમ છે એ સામેવાળાને મહેસુસ ન થાય તો આપણો ગીતા પ્રત્યેનો આદર કાચો. આ વિશ્વાસ જ ગીતાની દેન છે. ગીતા જ્ઞાનીનું ગાન છે, કર્મયોગીનું માર્ગદર્શન છે અને ભક્તનું આશ્વાસન છે. શ્રીકૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલી ગીતા તો પહેલેથી મહાન છે જ. તેને આપણા પ્રમાણપત્રની જરૂર નથી. કે નથી તેને મહાન બનાવી શકવા આપણે સક્ષમ પણ. બસ એ મહાનતામાં આપણે ડૂબકી લગાવવાની છે! 

કવિં પુરાણમનુશાસિતાર - પરમાત્માને નિશ્વળ મનથી સમરે એ તેને પામે જ છે. બસ રાહની ચાહ કરતા આપણે તેની નજીક જવાનું છે. પણ શું આપણે એવું કરીએ છીએ? વિદેશી વોરન હેસ્ટીંગ્સ ગીતા માથે લઈને નાચ્યા છે. જયારે આપણે ગીતાને ઘરમાં સંઘરીને આખું ઘર માથે લઈને નાચીએ છીએ. પથ દર્શાવતી મા જોડે હોય, સમક્ષ હોય ત્યારે તેનો દીકરો આટલો બેશરમ અને નિમ્ન કક્ષાનો કઈ રીતે હોઈ શકે? આ દુનિયાની આજની હાલત જોઈને એ માનું હૈયું બળતું નહીં હોય?

આપણે આ માનવજન્મ વેડફી તો નથી રહ્યા ને એ સવાલ પળેપળ થવો જોઈએ. જો ન થાય તો એ ગીતાએ આપેલા જીવનમૂલ્યોનું અપમાન છે. ગીતા જીવનમૂલ્યોનો ભંડાર છે. જ્યોતિષામપિ તજ્જ્યોતિસ્તમસ - જ્યોતિઓનો પણ જ્યોતિ સૌના હ્ર્દયમાં રહેલો છે. મારા સ્વરૂપને પામી ચૂકેલા સૃષ્ટિના આરંભે ફરીથી જન્મતા નથી કે પ્રલયકાળેય વ્યાકુળ થતા નથી. ગીતામાં સમાજ ઉદ્ધારના ઉપાયો છે જ જો શોધતા આવડે તો. દસ ગ્રામ ખાંડ ઓછી આવે તો દુકાને પાછું ઝગડવા જવું કે નહીં એનો જવાબ પણ ગીતા આપશે. બસ સવાલ છે સવાલ પૂછતાં આવડે છે કે નહીં તેનો, મા ગીતાના ખોળામાં બેસતા આવડે છે કે નહીં તેનો. વર્ષે દહાડે ખાલી અવતરણ ચિહ્નમાં મૂકીને ગીતાના શ્લોક પેશ કરી દઈશું તો ગીતા ચૂપ થઈ જશે. તેની વાણી વાગોળવા કાન અને જીભના તંતુને 24*7 નિરંતર જાગતા રાખવા પડશે, તો જ સાંપ્રત સમાજ જાગ્રત સમાજ બનશે. 

ગીતા આજે પણ એટલી જ રિલેવન્ટ છે એ કેટલી અદભુત વાત કહેવાય નહીં? ના. કુરુક્ષેત્રના મેદાનમાં યોગેશ્વરનું ચર્તુભુજ રૂપ એ યુગ પરિવર્તનની નિશાની હતી. એ પછી પણ જો વારંવાર ગીતાએ જ આપણો હાથ ઝાલવો પડે તો એ આપણી નાલેશી ને નિષ્ફ્ળતા ગણાય. સર્વધર્માનપરિત્યજ્ય મામેકં શરણમ વ્રજ - બધા કર્મો ધર્મો છોડીને મારી શરણે આવી જા કહેતી ગીતા તો છે જ અડીખમ હલેસા લઈ આપણી જીવનનૈયા પાર કરાવવા, પણ કળિયુગના છીછરા પાણીમાં આપણા હાથમાં હલેસા સારા ન લાગે એ આપણેય સમજવાનું કે નહીં? જીવનમાં રહેલા મૂલ્યને સમજવું પડે. વારંવાર નાસીપાસ થઈને ગીતા પાસે દોડી જવાય નહીં. અમુક લોકો જીવન જીવી જતા હોય છે, અમુક લોકો જીવતા હોય છે, જયારે અમુક તો ફક્ત ‘હોય’ જ છે! જેમનું મૂલ્ય ફકત વજનકાંટા પર ઊભા રહી એક આંકડો મેળવવા પૂરતું જ હોય.

ના, વાંધો કેરી ભૂલીને ચેરીના રવાડે ચડેલી માનવજાતથી છે જ નહીં, પણ ગુગલ આવતા ગુગળના ધૂપ સમી હૂંફાળી સંસ્કૃતિ, આદર્શો અને ઈશ્વરે આપેલા જીવન અર્થને ભૂલી જઈએ તે કેમ ચાલે! ગીતામાં તાકાત છે સાર્વભૌમત્વ, જ્ઞાન-કર્મ-ભક્તિની સમજ, રાષ્ટ્રપ્રેમ અને અસ્મિતાથી આખા સમાજમાં સુવાસ ભરવાની. ગીતાનો પથ એટલે કંઈ ઓટીપી કોડ નહીં, સામેવાળાને ભાવથી મળવાના કોડ, ઈન્સ્ટાગ્રામ ડાર્ક મોડ નહીં, સાચું સરનામું સમજાવતો રસ્તાનો મોડ, ‘ચાલ પેલાના ટાંટિયા તોડ’ નહીં, મુશ્કેલીમાંથી બહાર કાઢે એવો જવાબ જડબાતોડ!

ગીતાના એક શ્લોક કે લેખને વાંચીને ‘આ બધું તો ઠીક’ કહીને જ જો આપણે પાછા હાથ ખંખેરી નાખવાના હોઈએ તો શ્રીકૃષ્ણને પણ થશે કે સદીઓ પહેલા તેમણે અર્જુન સામે માત્ર ગળું જ ખરાબ કરેલું. મમ્વરત્માનુવર્તન્તે મનુષ્યા: પાર્થ સર્વશ: - માધવ કહે છે હું મારા કર્મોમાં સાવધ ન રહું તો લોકો મારું ખોટું અનુસરણ કરે. જો પથદર્શક પોતે પથ બાબતે આટલો સભાન હોય તો આપણે ખાલી દર્શક કે વાચક બનીને કેમ રહી શકીએ? ગીતાનો વાચક હાથ દઈ બેસી રહી જ ન શકે, ગીતા સૂતેલાને બેઠો કરે, બેસેલાને ઊભો કરે, ઊભેલાને ચાલતો કરે અને ચાલનારને દોડતો કરે છે . ઈશ્વરે રચેલી પગદંડી પર ચાલો આપણા ડગલા થોડા વધુ મજબૂત માંડીએ અને ગીતાને વંદન કરીએ!


ક્વોટમેનિયા:

શ્રીમદ્દ ભગવદ્દગીતા એટલે આખડીને ઊભા થવાની જીજીવિષા અને કપાસના કઠોર ઝીંડવામાં કુણા રૂ માટેની શ્રદ્ધા!

Comments