ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ (Life-line series)

એક જાણીતી વાર્તા છે કંઈક આવી રીતની. એક માણસ એક નદીના પ્રવાહમાં ડૂબી રહ્યો હતો. તેની નજીક એક મોટું લાકડું આવ્યું પણ તેણે બચવા માટે તેનો સહારો ન લીધો. તે ભગવાનનો બહુ મોટો ભક્ત હતો, તેણે વિચાર્યું કે ઈશ્વર આવીને તેને બચાવશે. એ પછી એક નાની હોડી લઈને થોડાક લોકો સામે કાંઠે જવા માટે ત્યાંથી પસાર થયા પણ પેલા માણસે તેમની પણ મદદ ન લીધી. તેણે ફરી વિચાર્યું કે ભગવાન બચાવે તો જ સાચું. જોતજોતામાં એ ડૂબી ગયો અને મરી ગયો. મર્યા પછી તેણે ભગવાનને ફરિયાદ કરી કે ‘ઈશ્વર, હું તમારો આવડો મોટો ભક્ત ને તમે મને બચાવવા પણ ન આવ્યા?’ ઈશ્વરે માથું કૂટ્યું ને જવાબ આપ્યો, ‘તને બચાવવા મેં પેલું લાકડું મોકલ્યું, એ પછી માણસો સહિત આખી હોડી મોકલી પણ તું એમાં બેઠો જ નહીં. તું શું સાક્ષાત મારી વાટ જોઈને બેઠો હતો?’

જે વ્યક્તિ આ માણસ જેવી મુર્ખામી કરે ને ભગવાન માટે ય પ્રારબ્ધ પર ભરોસો કરીને બેસી રહે તેનું કશું જ ન ઉપજે. ‘માંજી: ધ માઉન્ટન મેન’ ફિલ્મનો દશરથ માંજીનો પેલો સંવાદ- ‘તુમ ભગવાન કે ભરોસે મત બૈઠો, ક્યા પતા ભગવાન તુમ્હારે ભરોસે બૈઠા હો’ યાદ છે ને? હા, ‘વિધિનું વિધાન’, ‘નસીબમાં હોય એ જ મળે’ એ બધું સાચું પણ એમ કંઈ બેસી ન રહી શકાય તમારી સાથે બનતી ઘટનાઓ સામે તાક્યા કરીને કે બિચારા બનીને. ‘ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ’, આ વાક્ય છે વિન્સ્ટન ચર્ચિલનું. નસીબ લખાયેલું જ હોય, પણ બની શકે કે એમાં એમ લખાયું હોય કે માણસ પોતે પોતાના સારા માટે પ્રયત્નશીલ બનશે તો જ સફળ થશે! 

નસીબ પણ લડવૈયાને, સંઘર્ષરત માણસને જ સાથ આપતું હોય છે. ક્યારેક ખૂબ પ્રયાસ પછી ય નિષ્ફ્ળતા મળે ને તમે થાકી કે હારી જાઓ એ ચાલે, કેમ કે તમે કશુંક કર્યું હોય છે પોતાના જીવનસુધાર માટે. એક નાના એનર્જી નેપ પછી ય પાછા ઊભા થઈને તમે તલવારની ધાર કાઢીને ટટ્ટાર પગે ઊભા રહેશો એ દેખાતું હોય છે પેલા પ્રયાસમાં. પણ જે એક બહુ જ મોટા એનર્જી નેપ પર પહેલેથી જ છે ને તકદીરમાં લખ્યું હશે ત્યારે મળશે કહીને પ્રયત્ન જ ન કરે, પલાઠી જ ન છોડે તે આરામથી થાકીને પણ આરામ જ કરે. તેનું નસીબ તેના પગમાં જોશ પૂરવા કર્મશીલ બને તો પણ તેને એમ લાગે કે એ તો જોરથી પવન ફૂંકાયો હશે એટલે પગ હલે બાકી મારામાં જોશ ક્યાંથી આવે. 

હતાશા સ્વાભાવિક છે. પણ એ ગમવા માંડે કે તેનો કાયમી સ્વીકાર કરી લેવો હાનિકારક છે. ‘મારું કશું જ નહીં થાય’, ‘હું તો બરબાદ થઈ ગયો’, ‘આ દુનિયા હવે મને નહીં સરખી રીતે જીવવા દે’ આ વાક્યો જો આપણા જીવનમાં લાંબો સમય પેસારો કરી દે તો સમજવું કે દુનિયા અને જીવન સામે આપણે શરણાગત થઈ ગયા છીએ, બહાદુરી ખૂટી પડી છે અને આ વિચારો ખોટા છે. પડી ગયેલો ઊભો થવા મથશે તો તેની અંદર રહેલું ચૈતન્ય જગત જોશે, પણ જો એને ઊંઘ આવી જાય તો શરીર પર ઉધઈ ચડી જશે. આપણે વાલ્મિકીની તપસ્યાના વહેમમાં સુઈ તો રહીએ પણ જો મનમાં દ્રઢતા ન હોય તો હાર મળે, જીતનો હાર નહીં.

સજ્જડ લાદીની વચ્ચે તિરાડો હોય, પાણીને ખબર છે. નસીબમાં પોલાણ હોય, શું આપણને ખબર છે?


ક્વોટમેનિયા:

નસીબ માનવા કે ન માનવાની નહીં, પણ બહાદુરીથી માણવાની ચીજ છે!

Comments

Popular Posts