બીટરનેસ ઈઝ અ પેરાલિટીક, લવ ઈઝ અ મચ મોર વિશિયસ મોટીવેટર (Life-Line Series)
એક એકતરફી પ્રેમ કરનાર છોકરાએ એક છોકરીનો પ્રેમ મેળવવા ખૂબ જ ધમપછાડા કર્યા. પણ તેણે પ્રેમ અને યોગ્ય રસ્તાઓ સિવાય બધા જ હથકંડા તે છોકરીને ઈમ્પ્રેસ કરવા માટે અજમાવી લીધા. અંતે તેણે તે છોકરી પર એસિડથી અટેક કર્યો. પોલીસે કારણ પૂછ્યું તો કહે કે તેણે પ્રેમના લીધે આવું કર્યું. શું એ પ્રેમ હશે? મને નથી લાગતું.
ભગવાને આપણા સૌની વચ્ચે પ્રેમ નામનું એક એવું તત્વ મૂકી દીધું છે કે જેને આપણે સમજવાનો પ્રયત્ન કરતા જ રહીએ છીએ અને દરેક પ્રયાસે કંઈક નવું જ પામીએ છીએ. પ્રેમની વ્યાખ્યા અને પરિણામોની ચર્ચા અખૂટ છે. માનવજાતે કદાચ સૌથી વધુ ઝંખના પણ પ્રેમની જ કરી છે અને સૌથી વધુ નફરત પણ પ્રેમને જ. સૌથી વધુ સુખ પણ પ્રેમ પાસેથી જ મેળવ્યું છે અને સૌથી વધુ દુઃખ પણ.
પ્રેમ શું છે, તેના કેટલા સ્વરૂપ છે, ઈશ્વરે શા માટે આપણા માનસતંતુમાં પ્રેમની સરંચના કરી છે, એની નહીં પણ મારે વાત કરવી છે, શેરલોક હોમ્સના આ ક્વોટની-Bitterness is a paralytic. Love is a much more vicious motivator. શેરલોક હોમ્સ ટીવી સિરીઝમાં બેનેડિક્ટ કંબરબેચનું પાત્ર આ સંવાદ બોલે છે. મજાની વાત એ છે કે અહીં આ વાક્ય લવર્સના પ્રેમના રેશમી અહેસાસ કે માતૃપ્રેમ કે ભાઈચારાના લાગણીની સારપ માટે નથી કહેવાયું પણ નકારાત્મક રીતે કહેવાયું છે.
આ કવોટનો સાવ સાદો મતલબ થાય કે કડવાશ કરતા પ્રેમ વધુ ખતરનાક પ્રેરક છે. બસ આ ખતરનાક શબ્દ જ વાક્યમાં પ્રેમ શબ્દની ઉપસ્થિતિને પણ નકારાત્મક અને વ્યવહારવાદી બનાવી દે છે. અહીં કહેવાયું છે કે ક્રોધ વિનાશકારી પ્રવૃત્તિ નોતરે છે પણ એને પણ લકવો મારી શકે છે, એટલે એના કરતા પણ વધુ પ્રેરણાદાયી છે પ્રેમ.
જરા વિચારો કે શેરલોક હોમ્સે બદલો લેવા કે કશુંક ધ્વંસ કરવા માટે ક્રોધના બદલે પ્રેમને શા માટે મોટું અને દુષ્ટ પ્રેરકબળ ગણાવ્યું હશે! કેમ કે ક્રોધનું મૂળ પણ તો પ્રેમ જ હોવાનું ને. પેલા એસિડ અટેક કરનાર છોકરાના મન પર સવાર થયેલો ક્રોધ કદાચ હળવો પડી જાત પણ પ્રેમ ન પામી શકવાના કારણે તેણે આવું ખોટું પગલું ભર્યું હશે. એનો મતલબ એ થયો કે પ્રેમની હાજરી તો ઠીક પણ તેની ગેરહાજરી પણ ક્યારેક ખૂંખાર સાબિત થઈ શકે છે.
‘સેક્રીડ ગેમ્સ’ વેબ શોમાં એક બાળક તેની માતાનું ખૂન કરે છે. કારણ? એ બાળક પથારી પર કોઈ પરપુરુષ સાથે તેની માતાને સૂતેલી જોઈ જાય છે. એ જોઈને ઉભરાયેલા ક્રોધનું પરિણામ એટલે હત્યા. અગેઈન, મૂળમાં પ્રેમ. મા પ્રત્યેનો પ્રેમ તેને આ ખોટું કૃત્ય આચરવા પ્રેરી ગયો.
સાર એ કે પ્રેમ જેવું એક હાડોહાડ ઉત્તમ તત્વ ખોટા દ્રષ્ટિકોણના સહારે વ્યક્તિને જઘન્ય કાર્ય તરફ દોરી જાય છે. ક્રોધને અટકાવી કે દબાવી શકાય પણ પ્રેમને દબાવવો અઘરો છે. એના પરિણામોને પણ. બંને ઉદાહરણોમાં બનેલી ઘટના આદર્શ નથી પણ હાલના સમાજની વાસ્તવિકતા તો છે જ.
જો કે એ જ રીતે સંબંધ કે કોઈ કામની મજબૂતી બળજબરી કે કડવાશથી નહીં પણ પ્રેમથી જ ટકે. કામ પાર પાડવા માટે બળ પ્રયોગ કરતા પ્રેમ પ્રયોગની અસરકારકતા હંમેશ વધારે હોવાની.
બે ભાઈઓ હતા. મોટા ભાઈને ઘર, જમીન, પૈસા વગેરેની ખૂબ લાલચ હતી. નાના ભાઈની ઘણી ચીજ તેણે અનૈતિકતાથી પડાવી લીધી. નાના ભાઈને ગુસ્સો આવ્યો અને તેણે પણ ઝગડો કર્યો અને મોટા ભાઈ જેમ જ વર્તન કર્યું પણ મામલો સુધર્યો નહીં. પિતાએ નાના ભાઈને મોટા ભાઈ સાથે પ્રેમથી ઉકેલ લાવવાનું કહ્યું. મોટા ભાઈનું નાના ભાઈના પ્રેમથી હ્ર્દય પરિવર્તન થયું અને બંનેએ સરખી વહેંચણી કરી લીધી.
કોઈ પણ કિસ્સામાં પ્રેમ જ મુખ્ય પ્રેરકબળ હોય છે.
ક્વોટમેનીયા:
પ્રેમમાં સૌંદર્ય અને જોખમ બંને છે. ઈટ્સ અ કાતિલ કોમ્બીનેશન!




Comments
Post a Comment