ડેસ્પરેશન ઈઝ નથીંગ બટ અનકન્ડીશનલ લવ ઈન ઈટ્સ પ્યુરેસ્ટ ફોર્મ (Life-Line Series)

એક હોસ્પિટલથી બીજી ને બીજીથી ત્રીજી એમ ભાગતા રહેવું ને પાછું આપણા દર્દીનું એ બેસાધપણે જોવું અતિ ભયાવહ છે, ડરામણું છે, દ્રાવક છે છતાં ખૂબસૂરત છે. મરતા વ્યક્તિને બચાવવા થતા મરણિયા પ્રયાસો એ વ્યક્તિ નિહાળી શકે છે એ વાત સુંદર છે. કરુણતાની પણ એક ખૂબસૂરતી છે. એમાં એકદમ શુદ્ધ રીતે હ્ર્દય વલોવાતું હોય અને જેના માટે એ થતું હોય એને એ મોહક જ લાગે.

ખરાબ પરિસ્થિતિમાં પણ કંઈક સારું તો હોય જ છે એ સત્ય છે, પણ મારે અહીં એ વાત રિપીટ નથી કરવી. મારે તો કહેવું છે કે ‘Desperation is nothing but unconditional love in its purest form.’ જાણીતા સ્ટેન્ડ-અપ કોમિક અને એક્ટર વીર દાસનું આ વાક્ય છે. કોરોના મહામારીમાં રિલીફ ફન્ડ એકઠું કરવા માટેના તેમના એક ઓનલાઈન શોઝમાં એમણે આ વાત કહી જે મને ક્વોટેબલ લાગી. 



પહેલી નજરે પ્રેમીઓ માટેનું લાગતું આ વાક્ય અત્યારની પરિસ્થિતિના સંદર્ભમાં જોતા હચમચાવી નાખે છે. ઈન્જેક્શન, દવાઓ, ઓક્સીજન, એમ્બ્યુલન્સ, વેન્ટીલેટર વગેરે માટે થતી જહેમત એક ડેસ્પરેશન જ તો છે. પ્રિયજનને કુદરતી અને કૃત્રિમ વ્યવસ્થાની પીડામાંથી લાચાર બનીને બચાવવાનું ડેસ્પરેશન. એમ કરતા એમાં એવો પણ વખત આવી જાય કે બીમાર અને દર્દનાક જીવન કે આસાન અને વેદના રહિત મોત વચ્ચે નિર્ણય મદદનીશે લેવો પડે. જીવ બચવાની શક્યતાના અભાવે વધુ મહેનત ને ખર્ચ કરવો કે નહીં તેવો વ્યવહારુ અને અસંવેદનશીલ પ્રશ્ન જયારે સામે ધરવામાં આવે ત્યારે પણ થતી કોશિશો એટલે ડેસ્પરેશનમાં ઝળકાતો બિનશરતી પ્રેમ!

આપણી વ્યક્તિ બચે કે નહીં તે નિયતિ હોવાની પણ એમને ટકાવી રાખવાની આપણા દ્વારા થતી મથામણ એમની નજરમાં વસે એ પળની વહેંચણી મહામૂલી છે. જીવન રહ્યું તો એ પળ સંબંધને અનોખો બનાવે છે ને ન રહે તો પણ મોતને અનોખું બનાવી દે છે. ને એટલે જ એ ડેસ્પરેશન, એ કલ્પાંત, એ ઉજાગરા, એ કાકલૂદી, એ પ્રાર્થના, એ પહોંચ બહારનો પ્રયાસ, એ બેચેની, એ અણધારી કલ્પના, એ નિસાસા, એ નિરાશા ને એ જીજીવિષા એ બધું જ જાણે પ્રેમનું સૌથી પવિત્ર સ્વરૂપ છે.


ક્વોટમેનીયા: 

સ્ટ્રેચર સાથે દોડતું સ્વજન સરવણી પહેલા જ સંતોષ આપી દેતું હોય છે!

Comments