ધ ટ્રુથ ઈઝ અ બૂલી વી ઓલ પ્રીટેન્ડ ટુ લાઈક (Life-Line Series)

'ધ ટ્રુથ ઈઝ અ બૂલી વી ઓલ પ્રીટેન્ડ ટુ લાઈક' (The Truth Is A Bully We All Pretend To Like). ગ્રેગરી ડેવિડ રોબર્ટસે તેમના વિખ્યાત પુસ્તક 'શાંતારામ'માં આ વાક્ય લખ્યું છે. હા, પુસ્તકનું નામ અને લેખકનું નામ સાચું જ છે. કોઈ વિદેશી નામ ધરાવતા લેખકનું ભારતીય શિર્ષકવાળું પુસ્તક નવાઈ ઉપજાવે જ, પણ આ પાછળનું કારણ પણ એ કે આ પુસ્તક તેમના જ જીવનના એ સમયગાળા પર આધારિત છે જેમાં તેઓ મુંબઈમાં રહેલા. ખેર પુસ્તકને લગતી આખી વાત ખુબ જ રસપ્રદ છે પણ અહીં તેમણે લખેલા આ સચોટ અને સૈદ્ધાંતિક અવતરણને વાગોળવું છે.


આ વાક્યનું સીધું-સીધું રૂપાંતરણ કરીએ તો મતલબ નીકળે કે, ‘સત્ય એ એક બદમાશ, લફંગુ અને દાદાગીરી ધરાવતું તત્વ છે કે જેને આપણે પસંદ કરતા હોવાનો ફક્ત ઢોંગ કરીએ છીએ’. સત્ય માનવીની સામે અનેક સ્વરૂપોમાં પીરસાતું હોય. સત્યથી શ્રેષ્ઠ કશું જ નથી, સત્ય ક્યારેક કડવું પણ લાગે, દરેક વ્યક્તિ માટે એક જ વાતનું સત્ય અલગ-અલગ હોવાનું વગેરે બધી જ બાબતો આપણે છાશવારે સાંભળીએ કે વાંચીએ છીએ. પણ આ ક્વોટ કંઈક નવીન જ વાત કરી રહ્યું છે.

આ વાક્યને ડીકોડ કરતી વેળાએ સૌ પ્રથમ બૂલી શબ્દને સમજવો રહ્યો ને તેને અહીં સત્ય સાથે શું લેણું-દેણું છે એ જાણવું રહ્યું. શાળા-કોલેજમાં વર્ગનો કોઈ વિદ્યાર્થી બહુ જ ભરાડી હોય કે કોઈ બાબતે ન ગમે તેવી મજાક-મસ્તી કરે કે શારીરિક શક્તિનો દુરુપયોગ કરીને જો બીજા વિદ્યાર્થીને પરેશાન કરે તો તે બદમાશી ને દાદાગીરી એટલે બૂલી વ્યવહાર. પરંતુ તેનો સામનો કરવાવાળી વ્યક્તિ આદર્શ પ્રતિક્રિયા આપી શકે નહીં. તેના મનમાં એકથી વધારે એક્શન પોઈન્ટસ ઘુમરાયા કરતા હોય. તેને જે ઉપાયો જડે એમાંથી અમુક ટકા તો તે ખુદના મનમાં જ દબાવીને ભાંગીને ભુક્કો કરી નાખતો હોય. સામે જે અજડ તત્વ છે તેનાથી કઈ રીતે બચી શકાય એ માટે કેટલાય વિચિત્ર તિકડમ મનમાં ઉભરો લઈ જતા હોય છે. જેમ કે, ક્યારેક તે મને આવીને ચીડવે કે ટપલી મારે એટલે હું સ્લો મોશનમાં ઉભો થાવ, હાથની આંગળીઓ ભેગી કરીને એક મજબૂત મુઠ્ઠી બનાવું ને તેના ગાલ પર ચસચસાવીને મુક્કો મારુ ને તેના અડધા દાંત લોહીથી લથબથ બહાર નીકળી જાય ને બચેલા દાંતમાં તેની જીભ કરડાઈ જાય. પરંતુ બને એવું કે આ હીરોગીરી વાળું દ્રશ્ય મહિનાઓ સુધી ફક્ત કોમિકમાં બતાવે તેમ વિચારોના કલાઉડ  ડાઈલોગ બોક્સમાં જ ભજવાતું પડયું રહે. તેનાથી ઉલટું, પેલો વ્યક્તિ કેવી અને કેટલી રીતે ખોટો કે ખરાબ છે તેની એક મસ્ત મોટી સ્પીચ કલાસરૂમમાં ફિલ્મી સ્ટાઈલમાં સંભળાવી દઉં કે તેનું તરત જ હૃદય પરિવર્તન થઈ જાય વગેરે જેવા એક્શન પોઈન્ટસ આખો દિવસ મગજમાં ચકરાવો લે. એવો પણ વિચાર આવે કે પેલાની કે ખુદની સ્કૂલ જ બદલી જાય તો કેવું સારું. આમાંનું કશું જ ન થાય કે ન કરી શકાય ને આપણે પ્રિટેન્શીયસ બનીને જાણે કે પેલો બૂલી તો મિત્ર છે એમ સૌ સામે દેખાવ કર્યે રાખીએ. ને ત્યાં સુધી જે ને જેટલું પેલો બૂલી કરે તે બધું જ આપણી સાથે રિયલ લાઈફમાં સત્ય કરતુ હોય છે ને આપણે તેની સામે કોઈ જ વાંધો ન હોવાનો ને ગમતા હોવાનો ઢોંગ ચાલુ રાખીએ.

નાટકમાં કે ફિલ્મમાં કહેવા પૂરતું સારું લાગે ને એક દ્રષ્ટિએ સાચું પણ ખરું કે કોઈ ઘટનાની વ્યક્તિ પ્રમાણે એકથી વધુ બાજુ હોઈ શકે ને એ બધી જ સત્ય પણ હોઈ શકે. પણ આખરે તો એ બધી જ બાજુ સત્ય નથી હોતી પણ તેમના અંશ એકઠા થઈને વધુ એક બાજુ તૈયાર થતી હોય ને તે એટલે સત્યની બાજુ. એટલે જ આપણે સત્યથી ડરીએ અને હિંમત ન હોય તો તેનું સોલ્યુશન તો ઠીક, આપણે સ્વીકાર પણ નથી કરી શકતા હોતા. ને જ્યાં સ્વીકાર ન હોય ત્યાં અસ્વીકાર ન હોવાનો ઢોંગ વગર છૂટકે રચવો પડે!


એક સ્કૂલમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને બહુ જ પરેશાન કરતો. આગળ-ઉપર વાત કરી તેમ જયારે પણ પેલો પરેશાન કરે ત્યારે આ વિદ્યાર્થી ફક્ત હસીને રીએક્ટ કરે ને રાહ જુએ કે પેલાનું પરેશાન કરવાનું ક્યારે પૂરું થાય. પેલા બૂલીને તો કોઈ વિરોધ વગર ધાક જમાવવા મળતું હોય એટલે કેમ ન ગમે. ઉપરથી સાથેના ખુશામતખોરો અને બાકીના ડરેલા વિદ્યાર્થીઓ તરફથી અટેંશન મળે એ બોનસ. એક વખત સ્કૂલ પછી સૌ ગ્રાઉન્ડમાં રમતા હતા ત્યારે પેલો બૂલી મશ્કરીમાંથી કોઈ વાતે પેલા વિદ્યાર્થીને મારવા લાગ્યો. સૌ જોઈ રહ્યા હતા. હવે વિચારો કે સામેના વિદ્યાર્થીએ કઈ રીતે રિએક્ટ કર્યું હશે. તે હંમેશની જેમ જ હસતો હતો. આ વખતે થોડો વધુ હસતો હતો, કદાચ વધુ ડરી ગયો હશે એટલે. આ વખતે બોલ્યો પણ ખરો. અને એ જે બોલ્યો તે જ દુર્ભાગ્યપણે આપણા ક્વોટની સાર્થકતા પુરવાર કરે છે. તેણે પ્રેમથી હસીને પેલા બૂલીનું નામ લઈને કહ્યું, ‘યાર! શું મસ્તી કરે છે, છોડ ને. મજાક ન કર.’ પેલો બરાબરનો મારી રહ્યો હતો ને આનાં શબ્દો હતા આ - મજાક ન કર. 

જરા આ દ્રશ્યને મોટા સ્કૅલ પર તાણીને સમજવાનો પ્રયત્ન કરશો તો તરત જ ખ્યાલ આવશે કે પેલો બૂલી એ આપણી જિંદગીનું અણગમતું કે વણનોતર્યું સત્ય, નબળાઈ કે સમાધાન છે ને જે સૌ જોઈ રહ્યા છે તે એટલે સમાજ. આપણે સામનો કરવાના બદલે ‘મજાક ન કર’ જેવું કશુંક ભળતું ને અર્થવિહીન કહી કે કરીને પરિસ્થિતિને અવગણતા હોઈએ છીએ. હા કદાચ એકલા હોત તો પેલા વિદ્યાર્થીએ સામે હાથ ઉપાડયો હોત કે રોકવા કોશિષ કરી હોત પણ આ જે સૌ જોઈ રહ્યા છે તે તેમ કરવા દેતા નથી. અને એટલે જ જાણે કે કશું થયું નથી એવો દંભ એક છબી ટકાવવા માટે ઈનર સેલ્ફ સાથે કરવો પડે છે.

પણ જે આ ઢોંગથી ઉપરવટ જઈને સત્યનો સ્વીકાર કરી, તેને સાચે જ ગમાડીને અથવા ગમતું સત્ય ઉભું કરીને મહાકાય પરિસ્થિતિને ’મજાક ન કર’ કહીને હડસેલો મારી દે તે જ આગળ વધે! 


ક્વોટમેનિયા:
સત્યને કોઈના ગમા-અણગમા કે સ્વીકાર-અસ્વીકારથી કશો ફેર ન પડે!

Comments