અનુક્રમ (Mumbai Diaries Series)

છ વાગ્યા હશે એ દિવસે હું ઓફિસથી નીક્ળ્યો ત્યારે. હું રસ્તા પર ચાલતો હતો ત્યારે  મેં વાહનોની ભીડ તેમજ લોકોનું ટોળું જોયું. હું ભીડથી થોડો દૂર હતો. મેં જોયું કે એક ગેરેજ નજીક એક મોટી કાર ઉભી હતી અને બધા લોકો તેની નજીક એકઠા થયા હતા. મોટાભાગના લોકો ઓટો ડ્રાઈવર્સ અને ગેરેજ કામદારો હતા. 

થોડું નજીક જતાં મેં જોયું કે કારમાં બેઠેલો એક વ્યક્તિ રિક્ષાચાલકને શર્ટના કોલર વડે પકડી રહ્યો હતો અને ગુસ્સામાં હતો. સૌથી વધુ રિક્ષાચાલકો ત્યાં હોવા છતાં તેઓ તેમના સાથીને મદદ કરવા માટે તેમની જીભ બંધ રાખીને ઉભેલા હતા. એવું તો શું બન્યું હશે કે કારમાં બેઠેલા એક વ્યક્તિ દ્વારા આર્થિક રીતે નીચા વર્ગના વ્યક્તિને ધમકી આપવામાં આવી રહી હતી અને લોકો મૌન ઉભા હતા. હું ત્યાં ચાલતી વાતચીત દુરથી સાંભળી શક્યો નહીં, પણ રિક્ષાચાલકની આંખોમાં મને ડર, આંસુ, લાચારી વગેરે દેખાઈ આવ્યા. મને તેના પર એક ક્ષણ માટે દયા આવી અને કારમાં બેઠેલા માણસ ઉપર ગુસ્સો આવ્યો, પરંતુ તરત જ મેં વિચાર્યું કે મને આ ઘટનાની સંપૂર્ણ જાણકારી નથી. પરંતુ તે જ સમયે, બીજો વિચાર આવ્યો કે તેણે જે કંઈ પણ કર્યું હોય, પણ તે આવી સ્થિતિનો હકદાર હોવો જોઈએ કે નહીં.


હું મૂંઝવણમાં હતો ત્યાં જ એ પછીનું દ્રશ્ય જે મેં જોયું એના પર મારી આંખો વિશ્વાસ કરી શકી નહીં. પેલા માણસે રિક્ષાચાલકને એમ જ પકડેલો હતો અને તેની બાજુમાં બેઠેલા શખ્સે ગાડી ચલાવવાની શરૂઆત કરી. આ રીતે પકડી રાખવાના કારણે રિક્ષાચાલક જમીનથી સહેજ ઉપર હતો અને તેના ગળામાં કંઈ પણ થઈ શકે એમ હતું. તેના પગ નીચેની જમીન પણ શોધી રહ્યા હતા, પરંતુ તે અસફળ રહ્યો. ત્યાં ટ્રાફિક જામ હતો, તેથી કાર વધુ ઝડપે આગળ વધી શકતી ન હતી, નહીં તો તે માણસનું શું થયું હોત એ વિચાર મારા મનમાં ઝબકી ગયો. મેં વિચાર્યું કે આ સ્થિતિમાં રિક્ષાચાલકને મદદ કરવા હું શું કરી શકું પરંતુ તે પછી હું થોડી ક્ષણોમાં ખુશ થઈ ગયો કારણ કે કારમાં રહેલા માણસે રિક્ષાચાલકને છોડી દીધો. ગાડી અને રિક્ષાચાલક બંનેને થોડી વધુ જમીન મળી. કાર ઝડપથી દોડવા લાગી અને રિક્ષાચાલક પણ પોતાનો રસ્તો શોધતો આગળ ચાલ્યો.

પણ વાત અહીં પુરી થતી નથી. મેં પણ મારી ગતિ વધારી દીધી હતી. રિક્ષાચાલક હવે થોડો નિર્ભય દેખાતો હતો. પરંતુ તે ફક્ત ત્રણથી ચાર ડગલાં આગળ ગયો હશે, ત્યાં તેણે એક વિકલાંગ વ્યક્તિને જોયો, જે ફૂટપાથ પર લાકડાના નાના ટુકડાને પોતાનું વાહન બનાવી આગળ વધી રહ્યો હતો. રિક્ષાચાલકે આ વિકલાંગ વ્યક્તિને આવતો જોયો અને કોઈ કંઈ સમજે તે પહેલાં તેણે પોતાનો હાથ ઉંચો કર્યો અને પેલાના ગાલ પર એક તમાચો માર્યો. મારા પગ ત્યાં જ થંભી ગયા. હું આશ્ચર્યચકિત બનીને ત્યાં જ જાણે કે જડાઈ ગયો હતો. અપંગ વ્યક્તિએ પાછું વળીને જોયું તો ભીડમાં પેલો રિક્ષાચાલક આગળ જતો રહ્યો હતો. તે તેના પર થયેલી હિંસાનું કારણ સમજી શકયો ન હતો ને તે રિક્ષાચાલકનો પીછો પણ કરી શકે એમ હતો નહીં. તેણે પોતાનું વાહન સ્થિર કર્યું અને કદાચ મગજમાં દોડધામ શરૂ કરી દીધી.

આ દ્રશ્ય જોવામાં પેલા બીજા રિક્ષાચાલકો પણ હતા તેમણે એક અપંગ વ્યક્તિ સાથે આવું થયેલું જોઈને પેલા રિક્ષાચાલક તરફ દોટ મૂકી. એ લોકોએ તેને પાછળથી પકડ્યો. તેને કંઈ પૂછ્યા વિના જ તેને માર મારવાનું શરૂ કર્યું. પેલા અપંગને મારતા પહેલાં તે રિક્ષાચાલકે કંઈ વિચાર્યું હશે કે નહીં તે મને ખબર નથી પરંતુ તેણે એ તો નહીં જ વિચાર્યું હોય કે આખી ઘટનામાં ફરીથી તેની ધોલાઈ થશે. રિક્ષાચાલકે પણ કોઈના પર પોતાનો ગુસ્સો ઠાલવવો પડશે, કદાચ તે કારણસર તેણે તે અપંગ પર હાથ ઉગામ્યો હશે. પરંતુ જે લોકો તેની સામે દયા રાખીને થોડી મિનિટો પહેલા ઉભા હતા, તેઓ જ તેને અત્યારે માર મારી રહ્યા હતા. રિક્ષાચાલકે તેના બચાવમાં કહ્યું, 'તે મારો મિત્ર છે'. 

તે પેલાનો મિત્ર હતો કે નહીં, તેનાથી મને બહુ ફરક પડ્યો નહીં, કારણ કે, કોઈ પણ વ્યક્તિ રસ્તામાં તેના મિત્રને જોઈ બિનજરૂરી રીતે મારે એ મને શક્ય ન લાગ્યું. 2 થી 3 મિનિટના ગાળામાં મારી સામેની ઘટનાઓ બદલાતી રહી. પરંતુ હવે મેં એ તરફ જોયા વગર જ મારી ચાલવાની ગતિ વધારી દીધી.

મારું મન આ વિચારોથી ભરાઈ ગયું હતું કે એક માણસ જાહેરમાં કારમાં બેસીને એક ગરીબ રિક્ષાચાલકને મારી શકે છે અને એ રિક્ષાચાલક થોડી જ ક્ષણો પછી એક અપંગ વ્યક્તિ પર પોતાનો ગુસ્સો ઉતારી શકે છે. તેના બદલામાં બીજા રિક્ષાચાલકો જ તેને તરત મારી શકે છે. હવે સવાલ એ છે કે શું પેલા બધા વિકલાંગ સાથે જે થયું તેના વિશે ગુસ્સે હતા કે ફક્ત તકવાદી બનીને તેઓએ પોતાનો ગુસ્સો પેલા પર ઠાલવ્યો? કારણ કે તેમનો સાથી પણ અપંગના સ્થાને જ હતો થોડી વાર પહેલા તો ત્યારે તેઓએ ખુદ ન્યાયધીશ બનવાનું ટાળ્યું હતું. હિંસા, અન્યાય, સજા, ગુસ્સો વગેરેમાં પણ ફૂડ ચેઈનની જેમ ક્રમ હોતો હશે કદાચ.

Comments