સમટાઈમ્સ યુ ગોટા રન, બીફોર યુ કેન વોક (Life-Line Series)

આપણા એક બહુ ઓછા જાણીતા ક્રાંતિવીર છે-વાસુદેવ ફડકે. 1870ના દશકામાં આ સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતાએ અંગ્રેજો સામે સંગઠન બનાવવા માટે એક લડત ચલાવી હતી. તેમનું લક્ષ્ય હતું આઝાદી અને રસ્તો હતો લોકોને જાગૃત કરવાનો, સરકારને અશક્ત કરવા માટે સૈનિકો ને શસ્ત્રો ભેગા કરવાનો. ધન એકઠું કરવા માટે દુકાળના એ સમયમાં તેઓ હરામખોર ધનિકોને લૂંટતા ને તેમાંથી પોતાનું દળ મજબૂત બનાવતા. બળવાખોરીની શરૂઆત જ એમણે કરી હતી. તેમણે રીતસર મહારાષ્ટ્રના જંગલો ને પહાડોમાં દોડીને અંગ્રેજોને હંફાવી દીધા હતા. તેઓ એટલું દોડ્યા કે જાણે એમની પાનીઓ ઘસાઈને જ આઝાદીનો તણખો ઝર્યો હશે ને એ આઝાદીની હવામાં આપણે અત્યારે ચાલી શકીએ છીએ! 

ક્યારેક ચાલવા માટે પહેલા દોડવું પડતું હોય છે! ‘આયર્ન મેન ટુ’ ફિલ્મમાં ટોની સ્ટાર્કને તેનો એ.આઈ. જાર્વિસ કહે છે કે ‘હજુ થોડા સેફટી મેઝર્સ બાકી છે સૂટ વાપરતા પહેલા.’ પણ ટોની એ ગણકાર્યા વિના જ સૂટ ટેસ્ટ કરવા હવામાં ઉડવાનું શરૂ કરી દે છે. ઊંચે ઉડતા ફ્રીઝીંગ વધે ને તકલીફ પડે છે, સૂટના ફંક્શન્સ બંધ થાય ને માંડ જીવ બચાવે છે. પણ જાર્વિસે આપેલી ચેતવણી વખતે ટોની આ ખૂબ જ મજેદાર ડાયલોગ બોલે છે-સમટાઈમ્સ યુ ગોટા રન, બીફોર યુ કેન વોક (Sometimes you gotta run before you can walk.) મતલબ ક્યારેક પૂરી તૈયારી ન હોય એ પહેલા જ રણમેદાનમાં કૂદી જવું પડે. ને એ અધૂરી તૈયારી વખતે જે કરવું પડે એ માટે પણ તૈયાર તો રહેવું જ પડે. શત્રુ ઊંઘતા હુમલો કરે તો બની શકે કે પહેલા પાસે જે મળ્યું એ ભાંગેલું તૂટેલું હથિયાર લઈને પણ લડવું પડે ને પછી વધુ ને વ્યવસ્થિત હથિયાર મળે. પ્લાનિંગ કે પ્રિપરેશન વગર પણ ક્યારેક ઝંપલાવવું પડે. એમાં જે જોખમ, અધૂરપ, સંઘર્ષ, પડકાર છે એ દોડ છે ને પછી જે જીત મળે એ છે ચાલ! દોડવા માટે ચાલતા આવડવું જરૂરી છે પણ ચાલતા રહેવા માટે દોડતા આવડવું જરૂરી છે.

ક્યારેક કંઈક સારું મેળવવા માટે પહેલા ખરાબ પરિસ્થિતિમાંથી જાણી જોઈને પસાર થવું પડતું હોય છે. કડવી દવા પીધા પછી જ મિન્ટ કે મુખવાસ મળે, લોખંડના તપ્યા પછી જ એમાંથી કલાકૃતિ બને, પરસેવો પાડીને મકાન બનાવ્યા પછી જ તેમાં પંખા/એ.સી. નીચે પરસેવો સુકાય. સ્ટેજ પર ઇનામ માટે ચાલતા પહેલા રેસમાં દોડવું પડે. ક્યારેક સામે રહેલું સુખ ઝાંખું દેખાય કેમ કે વચ્ચે સંઘર્ષનો પડદો હોય. એ હટાવવો પડે મહેનતથી. જો જીવનમાં કંઈ કેટલાય પડકારોમાં સામે ચાલીને કુદ્યા હોઈશું તો અમુક અડચણો સાવ મામૂલી લાગશે. મુશ્કેલીઓના ધખતા તાપમાં દોડ લગાવી હશે તો બહાર નીકળવું કેકવોક જેવું લાગશે, નહીં તો ઠરતી આગ પણ દઝાડી દેશે. હોળીનું નાળિયેર ખાવા આગ નજીક જવું પડે. જેટલા ફળ ધીરજના મીઠા હોય એટલા જ જોખમના પણ!

ક્યારેક સામે કામ એવડું મોટું હોય તો ન આવડવાની બીક લાગે. પણ ક્યારેક વગર વિચાર્યે એ જ ક્ષણે જો કામ શરૂ કરી દેવામાં આવે તો વખત જતા ફાવટ આવી જાય. પણ જો એ કામ હાથમાં જ ન લઈએ તો ન કામ થવાનું છે, ન ક્યાંયથી આવડત આવવાની છે. ક્યારેક સીધું કામ જ તાલીમ હોય પણ એ માટે શરૂઆત જરૂરી છે. આપણને ચીપી ચીપીને ચાલવાની બહુ જ ટેવ. દરેક વસ્તુ માટે આયોજન કરીએ એ સારી આદત છે. પણ ક્યારેક એવું પણ બની શકે કે કોઈ કારણસર આયોજન જ સરખું ન થાય કે આયોજન પ્રમાણે કામ ન થાય. ત્યારે શું કરવાનું? કીપ ગોઈંગ! અમુક વસ્તુઓ એવી હોય છે જેમાં વિચારવાનો કે પ્લાન કરવાનો વખત જ ન મળે. ત્યારે શું કરવાનું? સિમ્પલ, ચાલવાનું ધારેલું તો હવે દોડી લેવાનું!

આપણે એક જ ઘરેડમાં જીવવાવાળા લોકો છીએ. નવું ગમે ખરું પણ ખુદ કરીએ નહીં. નહીં ગયેલા રસ્તે કોઈ જઈને આવે ત્યારે તરત પૂછી લઈએ કે કાંટા તો નહોતા ને, પણ ખૂદ કાંટા દૂરબીનથી જ જોવા ટેવાયેલા. મહેનત ને લડાઈ વગર સમુંસૂતરું થોડું જ મળવાનું છે બધું. એડિસને કહેલું, ‘હું ફેઈલ નથી થયો, બસ મને 10,000 તરીકા મળ્યા જે કામના નથી.’ આપણે કદાચ તેને કહેત કે ‘શું યાર ખોટી મહેનત કરી આટલી બધી!’ પણ જો તેણે ન કરી હોત તો હજુ પથ્થર સાથે માથું ઘસતા હોત આપણે. ભોગ મેળવવા માટે પહેલા ભોગ આપવો પડે. દોડીને સૌની આગળ હોઈએ ત્યારે થોડું ચાલી લઈએ તો પણ નડે નહીં. પણ એ ચાલવા માટે પહેલા દોડવું જરૂરી છે!


ક્વોટમેનિયા:

જીંદગી સાદી હોઈ શકે, સહેલી નહીં!

Comments

Popular Posts