સ્પષ્ટ ને સ્વતંત્ર વિચારની ટેવ ન પાડતું શિક્ષણ નિરર્થક છે (Life-Line Series)

કેવું શિક્ષણ વધારે સારું? ઇતિહાસના વિષયમાં દુનિયાભરનો ઇતિહાસ ન હોય, ફક્ત અમુક ઘટના ને વ્યક્તિઓ જ આવરેલી હોય. તો કઈ રીતે નક્કી કરી શકાય કે જે ભણ્યા એ યોગ્ય ને સંપૂર્ણ? એવો જ સવાલ અલગ કોર્સ માટે પણ થાય. અને જ્યાં પ્રોપગેન્ડાથી અભ્યાસક્રમ તૈયાર થાય ત્યાં એવો પ્રશ્ન પણ મધ્યસ્થી કરે કે જે ભણ્યા એ સાચું કે નહીં? ને પરીક્ષામાં આઈ.એમ.પી. ગોખી લીધા હોય ને સારા માર્ક્સ મળી ગયા હોય તો પૂરું ભણ્યા કહેવાઈએ કે નહીં? 

ભારતના પ્રખ્યાત વકીલ એન. એ. પાલખીવાળાના પુસ્તક 'અમે ભારતના લોકો'માં કેટલાય સમાજોપયોગી, જીવનોપયોગી ને નવા સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણ આપનારા વન લાઈનર્સ મળ્યા એમાંથી શિક્ષણને લઈને એક ક્વોટ ખૂબ જ સચોટ છે જે પહેલા ફકરાની આપણી મથામણને રસ્તો ચીંધે છે-સ્પષ્ટ ને સ્વતંત્ર વિચારની ટેવ ન પાડતું શિક્ષણ નિરર્થક છે! વર્ગખંડની પાટલી પર મળે કે ઘરની ખાટલી પર મળે, જે શિક્ષણ મોકળું ને મક્કમ વિચારવાની ટેવ મગજને પાડતું નથી તે તેના હેતુમાં નિષ્ફ્ળ જાય છે. શિક્ષણનો હેતુ શું? વ્યક્તિગત ને સામાજિક રીતે સર્વાંગી સમજ ને જ્ઞાન મેળવવાનો. રીત ને અભ્યાસક્રમ કોઈ પણ હોય, જો આ હેતુ પાર ન પડ્યો તો શિક્ષણ ફોગટ! ‘આ ગયા વર્ષે પેપરમાં હતું ને આ એના આગળના વર્ષે એટલે રટી જ લેજો’ એમ કહેનાર શિક્ષક ને શિક્ષણ વ્યવસ્થા તો કલંક છે, એટલે આપણે વાત કરવી છે કેળવાતી સમજ માટે જવાબદાર જગતના અભ્યાસક્રમ ને એ માટે વપરાતી રીતોની.

આપણે કોઈ વસ્તુ શીખવા તેના ઊંડાણમાં નથી જતા ને જઈએ તો એ ઊંડાણને વિસ્તારતા નથી હોતા. કોઈ બિંદુ સુધી પહોંચીએ એટલે એ બિંદુને વળગી રહેવું જરૂરી છે પણ એ બિંદુ પોતે શાને વળગેલું છે એ સવાલ પૂછવો ભૂલી જઈએ છીએ. એ બિંદુ ક્યા બહોળા વિષયના કેન્દ્રમાં છે ને વિશ્વની કઈ બાબત માટે ઉપયોગી છે એ જાણવાની કે વિચારવાની શક્તિ આપણા અભ્યાસની રીત પ્રેરતી નથી. ઝૂમ આઉટ કરીને જોવાની આદત જ ઓછી રહી ને. જ્યાં છીએ, જેમાં છીએ, જે સામે છે તેની સીમા સુધી પહોંચીને વિચાર વિસ્તાર કરીએ તો ખબર પડે કે સાચે શું છે ને મહત્વનું શું છે. સ્પષ્ટતા મેળવવાની આ જ તો શિક્ષણ રીત. 

ને સ્વતંત્રતા? કોઈ એક તથ્યને બીજા સાથે વગર જરૂરતે જોડી દેવાની ને એમાં જકડાઈને ગોથા મારવાની અજાણ આદત એટલે ગુલામી. દરેક ચીજને છૂટી પાડીને જોયા પછી જાતે સમજ ઉભી કરવાની છૂટ એટલે સ્વતંત્રતા. ચુસ્ત ઢબે ને આયોજિત ઓછાયા હેઠળ મળે એ શિક્ષણ નિરર્થક. જે બીજાના કાબૂમાં એ નકામું. શિક્ષણમાં ઉછીની સમજ હાનિકારક નથી પણ ‘ફક્ત’ ઉછીની સમજ હાનિકારક ને વિકાસ રૂંધનારી છે જ. કોઈની મસ્ત વાત ક્વોટ કરી શકાય પણ તેમાં ખુદનો ઉમેરો પણ હોવો જોઈએ ને. બીજાના નિષ્કર્ષમાં પોતાનું મંથન ને અનુભવ હોય તો એ શિક્ષણ દ્વારા વૈચારિક સ્વતંત્રતાનું બીજ.

આપણી ઋષિમુનીઓની શિક્ષણની વૈદિક પરંપરાની સરખામણી અત્યારના સમયના શિક્ષણ સાથે કરવી એ અપમાનજનક છે. પણ ફરક એ જ સમજવાનો છે કે જીવનલક્ષી શિક્ષણ પરીક્ષાલક્ષી શિક્ષણ કરતા કેટલું ચડિયાતું છે. જ્યાં શિક્ષણ શા માટે એનો જ પાયો ખોટો હોય ત્યાં વિચારોની ઉત્પાદકતાના પ્રકારનો ખ્યાલ જ નિરર્થક છે. એટલે જ્યાંથી મળે, જેટલું મળે ને જેવું મળે એ મેળવી લેવું ને પછી એમાં ચાળણી ચલાવવી. એવું કરતા જે ચળાયેલું હશે એ ચોક્કસ જ સ્પષ્ટ હોવાનું ને ખુદે ચાળ્યું હોય એટલે સ્વતંત્ર પણ.

જ્યાં કોર્સ ને વિષયોના ફક્ત પ્રકારો નથી પણ ઊંચી ને નીચી ડિગ્રી છે, જ્યાં ઈજનેરી સ્નાતક શિક્ષણને એન્જીનીયરીંગ કહેવાય પણ આર્ટસ સ્નાતક શિક્ષણને ફક્ત કોલેજ ત્યાં શિક્ષણને સાહિત્યિક ઊંચાઈ કેમ મળે. જ્યાં મૃત્યુનોંધમાં પણ કૌંસમાં ડિગ્રી લખાય, જ્યાં નિયમોની સત્તા ધરાવનાર શિક્ષણમંત્રી ખુદ કહે કે ‘વિદ્યાર્થીઓ એમ જ પાસ કરાવાય છે એટલે કોઈ હોંશિયાર નથી’, જ્યાં ક્રિમિનલ રેકોર્ડની સામે શૈક્ષણિક લાયકાત ચૂંટણી ઉમેદવારી માટે હારી જતી હોય, જ્યાં સાચા વિકાસ ને વિકાસના ફોટોસેશનમાં ફેર ન સમજાય ત્યાં શિક્ષણનું સન્માન નીચલા પાયદાન પર લાગે. જયારે લોકો શિક્ષિત ન હોય પણ ફક્ત શિક્ષિત હોવાના ભ્રમ સાથે જીવતા હોય ત્યારે વિચારોમાં સ્પષ્ટતા ન હોય ને સ્પષ્ટતા ન હોય એટલે તર્ક પણ નહીં. પછી થાય વિચારોમાં ભેળસેળ ને નિર્ણયોમાં અસમંજસ, જે આખરે જીંદગીમાં ગરબડ પેદા કરે. એટલે વિદ્યાર્થીકાળની ચોપડીઓ સિવાય પણ જ્ઞાન મેળવવાના સ્ત્રોત ને રીતની પસંદગી જાતે કરી શિક્ષણનો રસ્તો યથાર્થ બનાવવો એ બહેતર રસ્તો!


ક્વોટમેનિયા:

સમજમાં મૂર્ખામી પણ હોય એ ‘સમજદાર’ને ખબર નથી હોતી!

Comments