ધર્મ લોગો કા નાગરિક વિવેક નષ્ટ કર દેતા હૈ - ભાગ 2 (Life-Line Series)
(‘લાઈફ-લાઈન’ આર્ટિકલ ‘ધર્મ લોગો કા નાગરિક વિવેક નષ્ટ કર દેતા હૈ’નો આ બીજો ભાગ છે.)
એક માણસ પાસે એક દૈવી પ્રતિમા હતી. એ પ્રતિમા બોલી પણ શકતી. પ્રતિમા પેલા માણસને બીજાઓથી રક્ષણ આપતી ને તેને જીવન ને જગતના રહસ્યો સમજાવીને વૈચારિક સમૃદ્ધિ આપતી. એક વખત ગામમાં બીજો એક માણસ પણ એવી જ પ્રતિમા લઈને આવ્યો. પહેલા માણસને આ ન ગમ્યું એટલે તેણે પોતાની પ્રતિમા વધુ સારી છે એ દર્શાવવા તેને પ્રદર્શનમાં મૂકી. પ્રતિમાએ તેને કહ્યું કે ‘એવું ન કર, તું ફક્ત તારું કામ કર, સરખામણી નહીં.’ તો પેલા માણસે પ્રતિમાને કહ્યું કે ‘તું ચિંતા ન કર, હું તારું રક્ષણ કરીશ.’ પ્રતિમાએ કહ્યું કે ‘પણ મને રક્ષણની જરૂર નથી, હું તો ઊલટાની તારું રક્ષણ કરવા માટે અહીં છું.’ પણ માણસે પ્રતિમાની વાત ન સાંભળી અને તેના મોઢે પટ્ટી મારીને પ્રદર્શનની જાહેરાતના મોટા હોર્ડિંગ્ઝ લગાડવા જતો રહ્યો.
બીજા માણસે પણ આ જોઈને પોતાની પ્રતિમાને મહાન બતાવવા પ્રદર્શનમાં મૂકી. તેની પ્રતિમાએ પણ ના પાડી એટલે તેણે પણ તેને પટ્ટી મારી દીધી. પ્રદર્શનમાં બંને માણસો આમને-સામને ટકરાયા ને એમાંથી ઝગડવા લાગ્યા. ગામવાળા સૌ જોવા આવ્યા ને બે પક્ષમાં વહેંચાઈ ગયાં. ફક્ત થોડાક જ સમજુ લોકો બચ્યા હતા જે પ્રદર્શનમાં પૂરવામાં આવેલી પ્રતિમાઓની નજીક જઈને, પટ્ટી કાઢીને તેની પાસેથી જીવનોપયોગી શિક્ષણ મેળવવાની કોશિશ કરી રહ્યાં હતાં. પણ તેઓ એમ કરવામાં સફળ થાય એ પહેલા તો ગામ લોકોનું ટોળું એકબીજા સાથે લડતું-લડતું ગામની બસો, પાણીની ટાંકી, ટ્રેન, પંચાયત, દુકાનો, શાક માર્કેટ, ઘરો, વગેરેની તોડફોડ ને શોરબકોર કરતું ત્યાં ધસી આવ્યું. પ્રતિમાઓ કંઈક કહી રહી હતી પણ પેલા સમજુ લોકોને આટલા શોરમાં કંઈ સંભળાયું જ નહીં. એટલે બંને પ્રતિમાઓએ પોતાના હાથ વડે તરત જ એક-એક પુસ્તક લખી નાખ્યું ને વાંચવા માટે આપ્યું પણ એ સરખું વંચાય એ પહેલા જ ત્યાં કોઈ બે જણ રાફેલ અને કોમનવેલ્થ નામની કંપનીના શુઝથી એકબીજાને લાત મારતા-મારતા ત્યાં આવ્યા ને તેમના પગ નીચે પુસ્તકો કચડાઈ ગયા.
આ બધી લડાઈમાં ગામનો જે ત્યાર સુધી વિકાસ થયો હતો તે પણ ખતમ થઈ ગયો. કશું તોડવા-ફોડવા માટે ન બચ્યું એટલે સૌ લડાઈ બંધ કરીને પ્રતિમાઓ પાસે પહોંચ્યા. જોયું તો બંને પ્રતિમાઓ પ્રદર્શનની જાહેરાતના મોટા હોર્ડિંગ્ઝ નીચે દબાઈને પડી હતી. એ હોર્ડિંગ્ઝ એટલા ભારે હતા કે એ ઊંચકવા મજૂરો રાખવા માટે સૌએ મળીને જે કંઈ પૈસા બચ્યા હતા એમાંથી સરપંચના કહેવાથી ફંડ ભેગું કર્યું. પણ ફંડનો ઉપયોગ થાય એ પહેલા પવનની એક મોટી લહેર આવી ને એનાથી હોર્ડિંગ્ઝ દૂર થઈ ગયા. લહેર ગઈ પછી સૌએ ફંડ વિશે પૂછ્યું તો સરપંચ કહે કે ‘એ તો ખાનગી છે, એની વિગત ન મળે.’ સૌએ કંટાળીને પ્રતિમા તરફ જોયું તો બંને પ્રતિમાના તો કટકા થઈ ગયા હતા, તેઓ ખતમ થઈ ગઈ હતી. આ જોઈને લડાઈ બંધ કરીને સામ-સામે ઉભેલા પેલા બંને પ્રતિમાના માલિકો ‘તે મારી પ્રતિમા ખતમ કરી નાખી’ કહીને એકબીજા સાથે પાછા લડવા માટે તૈયાર થઈ ગયા પણ જોયું તો તેમના બધા જ શસ્ત્રો ખૂટી ગયા હતા. છેવટે તેમણે એક ઉપાય કામે લગાડ્યો. તેમણે જ્યાંના કમલમ ફ્રૂટ બહુ જાણીતા હતા એવા બાજુના દુશ્મન ગામ ડ્રેગનમાં બનેલા નવાંનક્કોર 56 ઈંચના ફોન કાઢ્યા ને તેના વડે લડવા લાગ્યા! એ સાથે જ પેલા થોડા સમજુ લોકોએ જીવ વગરની તૂટી પડેલી પ્રતિમાઓને સળગાવવા ને દફનાવવા હાથમાં લીઘી, પણ ત્યાં જ પ્રતિમાઓના કટકા દૈવી ચમત્કારથી જોડાઈ ગયા ને તે બંને સજીવન થઈ ગઈ!
(જો ન સમજાયું હોય તો ઉપરનું દ્રષ્ટાંત ‘પ્રતિમા’ શબ્દની જગ્યાએ ‘ધર્મ’ મૂકીને ફરી વાર વાંચો.)
સત્તાવાળાઓ, સરમુખત્યારો ને ધર્મગુરુઓ તરફથી ધર્મનો હવે એવો નશો કરાવી દેવાયો છે કે એ જીવનસિદ્ધાંતો માટે કામમાં આવતો ક્યારનો બંધ થઈ ગયો છે. ધર્મ ફક્ત માણસને લથડિયાં ખવડાવી મનગમતા કામ કરાવવામાં જ ‘વાપરવામાં’ આવે છે. લોકોને એવું તો ઘેન અપાયું છે કે તેનું હેંગઓવર માણસ હેંગ થઈ જાય તોય ઓવર નથી થતું. પોતાના ધર્મનો કોઈ નેતા ધોકો મારીને પીઠ લાલ કરી નાખે તોય કહે કે ‘ભાઈએ માર્યું છે તો કંઈક વિચારીને જ માર્યું હશે ને.’ ઈશ કે ઈસુ જવાબ ન આપે તો જીવતાને ભગવાન બનાવીને પણ પોતાની ભક્તિની તરસ સંતોષતો નશેડી નાગરિક કેવી રીતે બની શકવાનો!
‘ધર્મના ખાનામાં હું કેપિટલ અક્ષરોમાં ઈન્ડિયન લખું’ જેવા ફિલ્મના ડાયલોગ પર સીટી મારીને થિયેટર બહાર નીકળીને થૂંકવાની મનાઈ પરની સુચનાને જ રાતીચોળ કરી નાખતી માનવ મહેરામણનો નાગરિક વિવેક બાદબાકીમાં ચાલ્યો ગયો છે. એવી જ હાલત સરકારી દવાખાનાના દરેક ખૂણામાં છે જ્યાં અસલ રંગ જ ન દેખાવા દે ‘ભગવા ઊંચા રહે હમારા’ કહીને જુબાં કેસરીવાળા. એ ડેન્ગ્યુ ઘરેથી લઈને આવે પણ વેગ આપે દવાખાનામાં ટીકડા ને ઈન્જેક્શન ખાધા પછી પણ! પછી કહે કે ‘ડોક્ટરને પૈસા જોઈતા હોય એટલે રજા નથી આપતા જલ્દી.’ અરે! ભલા માણસ તે જ વ્યવસ્થા કરી છે લોહી ચૂસાવવાની તો ડોક્ટર જરૂર પડે લોહીની બોટલ્સ ચડાવ્યા જ કરે ને! ધર્મના નામે આપણે જ આત્મા ધરી દીધો છે ચૂસાવા માટે ને ધર્મના દલાલો આપણું જ લોહી ચૂસીને ‘તમે ખતરામાં છો’ કહીને પાછું આપણને જ ચડાવે છે. સાથે ધરપત પણ આપે કે ‘આ તો, તમે ધર્મના ભાઈ છો એટલે તમારું નામ નાગરિક લિસ્ટમાં રાખ્યું છે ને ઓછો જીએસટી કાપીને લોહીની બોટલ આપું છું.’
બાળપણમાં મોટાઓ દ્વારા વિશ્વની સામાન્ય સમજ માટે મેં એક ઉદાહરણ સાંભળેલું. પૃથ્વી પર પાણી છે, પાણીમાં સાત ખંડ છે, એમાં એક એશિયા ખંડ, એશિયામાં એક ભારત દેશ, ભારતમાં એક ગુજરાત રાજ્ય, ગુજરાતમાં એક ભાવનગર જિલ્લો, ભાવનગરમાં એક તળાજા તાલુકો ને તળાજામાં આપણું આ ગામ, ગામમાં આપણું ઘર ને ઘરમાં પાણિયારે ગોળો ને ગોળામાં પાણી ને પાણીમાં સાત ખંડ…! મને લાગે છે કે હવે આ ઉદાહરણ અપાતું બંધ થઈ ગયું હશે. કદાચ એટલે જ આપણે વિસ્તાર ને વિષયના ક્ષેત્રફળમાં ગૂંચવાઈ ગયા છીએ. આપણે સમજી જ નથી રહ્યા કે આખરે બધું જ પાણીમાં છે. ને એટલે જ બે કોમ વચ્ચેની લડાઈના સમાચારથી અખબાર ઠાંસોઠાંસ ભરાય છે.
ધર્મમાં છે તાકાત સંગઠન બનાવીને દેશનું કાર્ય કરવાની. લોકમાન્ય ટિળકે એના જ આધાર પર તો અંગ્રેજોના લોક મેળાપ પર જોહુકમીના નિયમને નાથવા ગણેશ ઉત્સવની શરૂઆત કરેલી. પણ હવે ધર્મ ને ઉત્સવપ્રિય આપણે સૌ ઘોંઘાટપ્રિય થઈ ગયાં છીએ એટલે કોઈ ટિળક કંઈ બોલવા ઉભો થાય તો પણ આપણને સંભળાય એમ નથી! તો ચાલો, સાચા ધર્મ નજીક જઈને કાન સરવા કરી શકવા ને સવાલો કરવા સમર્થ બનીએ ને ગોઠડી માંડીએ રાહે ઉભેલા જીવન વિવેક સાથે!
ક્વોટમેનિયા:
ધર્મમાં તો મોકળાપણું છે જ, સાંકડો તો તેને આપણે બનાવી રહ્યાં છીએ!
(એક ચોખવટ: અહીં ધર્મનો મતલબ અત્યારના જડસુ લોકોએ પોતાના સામાજિક ને રાજકીય ફાયદા માટે ઉભા કરેલા ખોટા અર્થઘટન સાથે જોડાયેલો છે. જે દુર્ભાગ્યવશ વ્યાપક થતો જાય છે.)


Comments
Post a Comment