ચૂઝ યોર બેટલ્સ (Life-Line Series)

એક મસ્ત જોક છે. એક વ્યક્તિને કોઈએ પૂછ્યું, ‘તમારી સફળતાનું રાઝ શું છે?’ પેલી વ્યક્તિએ કહ્યું, ‘હું મુર્ખ લોકો સાથે દલીલમાં સમય નથી બગાડતો. કહી દઉં કે એમની વાત સાચી છે.’ પૂછનાર વ્યક્તિએ કહ્યું, ‘એમ થોડું ચાલે.’ પેલી વ્યક્તિએ કહ્યું, ‘તમારી વાત સાચી છે.’ પૂછનાર વ્યક્તિનું મગજ ચકરાવે ચડી ગયું. (થોડી વાર રહીને હસવાની છૂટ છે.) જીવનમાં 'શું કરવું' તેની સાથે 'શું ન કરવું' પણ એટલું જ મહત્વનું છે.

આપણી સામે બે રસ્તાઓ હોય ત્યારે વિકલ્પ હોય, પણ એક જ રસ્તો હોય ત્યારે વિકલ્પ નથી એમ ન સમજવું. જે એક છે એ તરફ જવું કે ન જવું એ પણ પસંદગીની જ વાત છે. જેમ કે, સામે એક જ મુરતિયો હોય તો તેને પરણી જ જવું કંઈ જરૂરી નથી. પસંદગીઓ જીંદગી ઘડે ને તેને કંડારે. ‘મેં આમ કર્યું હોત તો મારી લાઈફ કંઈક અલગ જ હોત' એ ચોઇસનું જ તો પરિણામ છે. ને ‘મેં આમ ન કર્યું હોત તો’ એ પણ!

ચૂઝ યોર બેટલ્સ (Choose your battles)! ફરી વખત આજનું આ ક્વોટ છે કોમેડી શો 'ટુ એન્ડ અ હાફ મેન'નું (આ જ શબ્દોની ધરી પર બીજાના પણ છે). ક્વોટ સિમ્પલ છે અને તેનો મતલબ પણ- કઈ લડાઈ લડવી એ પસંદ કરો. વાત છે કઈ વસ્તુને કેટલું મહત્વ આપવું તેની. ને તેના કરતાં પણ વધુ કઈ વસ્તુને મહત્વ ન આપવું તેની. જીવનમાં કઈ બાબતો સામે લડવું ને કઈ સામે નહીં એ આપણે જ નક્કી કરવાનું હોય. અહીં લડવાની પસંદગી એટલે ફક્ત મારામારી કે જીવન સંઘર્ષ જ નહીં, પણ 5 ગ્રામ ખાંડ ઓછી આવે તો દુકાને પાછા જવું કે નહીં તેની પસંદગી પણ એમાં સામેલ થઈ જાય. જીવનમાં કરવા જેવા કે હલ કરવા જેવા કામમાંથી ક્યા કામને પ્રાથમિકતા આપવી એ પણ આપણે જ નક્કી કરવાનું હોય. મકાનની છત પડવાની હોય ત્યારે કંઈ લસણ ફોલવા ન બેસાય!

ત્રણ શબ્દના આ ક્વોટમાં શીખવાનું આટલું જ છે- ફાલતુ ચીજોમાં ન પડવું ને ન લડવું. પણ લાઈફમાં ફાલતુ શું ને કામનું શું એ સમજ માત્ર અનુભવથી જ વિકસે. જીંદગીમાં એવી કેટલીય ચીજ હોય છે જેને આપણે નાહકની પકડી રાખેલી હોય છે. અમુક દુઃખો આપણે જાતે જ વહોરી લીધેલા હોય છે. ને વર્ષો સુધી લાગણી ખર્ચ્યા પછી અચાનક કોઈ એક ક્ષણે આંચકા સાથે ખુદને ભાન થાય કે ‘ઓહ! આ નહોતી કરવાની જરૂર.’ ને સમજાય કે જેટલા આંસુ પાડ્યા એ નકામા ગયાં, જો આંખમાં રાખ્યા હોત તો થોડી પાણીદાર આંખ આજે વધુ સોહામણી લાગત!

કઈ ચીજ નિરર્થક છે એ સમજી લેવાનું છે. જયારે કોઈ પસંદગીમાં અટવાયા હોઈએ ત્યારે નજર સામે એક અદ્રશ્ય ડ્રોઈંગબોર્ડમાં દરેક રીતના ફાયદા ને નુકસાનનો હિસાબ લગાડી લેવાનો. કોઈ એકનો આંકડો વધશે ને નિર્ણય મળી જશે. આ બાબતમાં સાચે જ આપણે ગણતરીબાજ થવાની જરૂર છે. નહીં તો સમય ને ઉર્જા ફક્ત હેશટેગ ટ્રેન્ડ્ઝમાં જ કામ આવશે.

મારા નાનાએ મારી માને ને મારી માએ મને શિખામણ આપી છે કે કોઈ જણ દિવસને રાત કહે તો તેની સાથે દલીલ કરવા નહીં બેસવાનું. બની શકે કે કહેનારને (રતાંધળાંની જેમ) દિઆંધળાની કોઈ નવી બીમારી લાગુ પડી હોય. એટલે કંઈ એની સાથે આપણે બીમાર થોડું જ પડાય. કોઈ એમ કહે કે ફલાણા નેતા તો અમારા ભગવાન છે ત્યારે એ ભક્ત સાથે ભગવાનના ચમત્કારની ફેક યાદી બનાવવા ન મંડી પડાય (હા, ભક્તને છાતી ચીરવાની સલાહ આપી દેવાય). એ ન રાખે તો શું આપણે પણ બુદ્ધિમત્તાનું માન નહીં જાળવવાનું? ઢીંચાક પૂજા સાથે એ. આર. રહેમાને સંગીતની ચર્ચા કરવા ન બેસાય, એમ જ કે.આર.કે. સાથે અમિતાભ બચ્ચને પણ અભિનયની બાબતે દલીલ કરવા ન જ બેસાય. વ્યક્તિ ને કાર્યની મહત્તા તપાસવી આવશ્યક છે.

છતાં જીવનમાં સમયાંતરે એક સરખી લાગતી બે ઘટનામાં એક સરખો જ નિર્ણય લેવો પણ જરૂરી નથી. શક્ય છે કે અમુક કારકો સમય જતા બદલાઈ ગયા હોય. આપણે પહેલી વખત લડીને જીત્યા હોઈએ છતાં બીજી વખત લડવાનું ન પણ પોસાય. દર વખતે પસંદગીનું ફિલ્ટર સાથે રાખવું જ, ગમે ત્યારે કામે લગાવવું પડે. કોઈ છોડીને જાય કે કોઈ નજીક આવે ત્યારે એ વ્યક્તિ ને સંબંધ વિશે જીવનના મોટા ફલક પર અર્થ ને અસરના સમીકરણ માંડવા પડે. ચોઈસ કહે તો સામેવાળા અને ખાસ કરીને જાત સાથેની લડાઈ પણ અટકાવવી પડે. પકડી રાખવા જેટલું જ જરૂરી છે છોડી દેવું, ચાલતા રહેવા જેટલું જ જરૂરી છે અટકી જવું અને શરૂ કરવા (કે કદાચ ન પણ) જેટલું જ જરૂરી છે પૂરું કરવું! 

ખોટી લડાઈઓ લડીને થાકી જઈએ તો જે લડવાની હોય એ માટે હામ જ ન બચે. 'શું ન કરવું' જેવી સમજ જીવનમાં મહામહેનતે આવતી હોય છે, એને આપણે સિદ્ધાંતના પડીકામાં સાચવી રાખીએ એ ખૂબ જરૂરી છે!


કવોટમેનિયા:

સુખ, સફળતા ને સાર્થકતા ન આપે એ વસ્તુ કે વ્યક્તિ ‘આવો’ નહીં, 'આવજો'ને જ લાયક!

Comments

Popular Posts