ધર્મ લોગો કા નાગરિક વિવેક નષ્ટ કર દેતા હૈ (Life-Line Series)
એવું કહેવાય છે કે આપણી સ્વતંત્રતા સામેવાળાના નાકના ટેરવા સુધી જ હોય છે. પણ એવું રહ્યું છે ખરું? ફિલ્મ 'પદ્માવતી' (જેનું નામ પછીથી પદ્માવત કરેલું)ના વિરોધમાં કર્ણી સેનાએ ફતવો બહાર પાડેલો કે તેઓ અભિનેત્રી દીપિકા પદુકોણનું નાક કાપી નાખશે. મતલબ, આ શું પેલી નાકના ટેરવા સુધીવાળી વાતનું ખોટું અર્થઘટન થયું હશે કે જેમાં ફક્ત નાકને જ ઇજા પહોંચાડવાની સ્વતંત્રતા, બીજા અંગોની નહીં? જો એવું હોય તો શું બીજું અર્થઘટન એવું પણ થયું હશે કે નાક તો આગળના ભાગમાં છે, પાછળના અવયવોનું કંઈ કહેવાયું નથી એટલે પાછળથી જીપની ટક્કર મારી શકાય? જો એવું હોય તો શું ત્રીજું અર્થઘટન એવું પણ થયું હશે કે માણસોને થોડા મરાય, એમની તો સ્વતંત્રતા છે જ નાકના ટેરવા સુધી, એટલે ચાલો, એમના ભગવાન કંઈ નહીં કહે એટલે દુર્ગા પૂજામાં જઈને એમના આખા માથા જ વાઢી લઈએ?
વાત કેટલા વાઢકાપ તેની નથી. વાત છે આપણે કયા મુદ્દા પર સંગઠિત થઈએ છીએ તેની. વાત છે સારું કે ખરાબ કોઈ પણ કામ હોય, આપણી પ્રેરણાનો આધાર શું હોય છે તેની. ધર્મ, સંપ્રદાય, જાતિ, પેટા જાતિ, પેટા પેટા જાતિ, અટક, કુટુંબ, ઘર, ઓરડો ને ઓરડાનો ખૂણો હોય છે પ્રેરણા. અને તેના આધારિત મુદ્દાઓ પાયામાંથી જ સીમાડાઓ લઈને આવે છે એટલે એક વિકાસ મર્યાદાથી આગળ આપણે વધી શકતા જ નથી. જ્યાં પહેલેથી જ હદ બનાવીને તલવાર તાણી હોય ત્યાં મ્યાનની જ હદ મજબૂત થવાની ને.
સાવ જ વાહિયાત કારણો માટે લડી લેવાની આપણે આપણા ધર્મોને વ્યવસ્થા પુરી પાડી છે. જયારે એ તો ઊલટું છે. ધર્મએ આપણને વ્યવસ્થા પુરી પાડવાની હોય અને એ પણ બહેતર જીવનની. એના બદલે આપણે લડવાની સગવડતા માટેના હકો લાગણી દુભાવાના નામ પર ધર્મ પાસેથી ઉસેટી લેતા હોઈએ છીએ. ધર્મના નામ પર દુભાઈને આપણી લાગણી બિચારી થાકી જાય છે જે દેશ ને દુનિયા બાબતોની ફરજો ને નાગરિક હકો માટે અવાજ ઉઠાવવા માયકાંગલી પુરવાર થાય છે. પછી વ્યક્તિગત લડત માટે પણ હામ નથી બચતી હોતી ને ડંડો લઈને હંમેશ ઉભું રહેતું ધાર્મિક ટોળું ‘તું તારું જોઈ લે’ કહીને ડંડાનો સહારો પણ છીનવી લેતું હોય છે!
પત્રકાર રવીશ કુમારના સોશ્યલ મીડિયા પર મુકાયેલા એક લેખમાંથી એક ધારદાર વાક્ય મને જડ્યું, જેને વધુ વાચાળ બનાવવું મને અહીં જરૂરી લાગ્યું. તેમણે લખ્યું છે- ધર્મ લોગો કા નાગરિક વિવેક નષ્ટ કર દેતા હૈ (धर्म लोगों का नागरिक विवेक नष्ट कर देता है)! મતલબ કે આપણે આપણા ધર્મને એટલો નબળો પાડી દેતા હોઈએ છીએ કે એ વારંવાર અડચણરૂપ બનવા લાગે છે નાગરિક ધર્મમાં. ને એટલી હદે કે શહેરોના નામ બદલાય કે આપણને અફીણ જેવો નશો ચડી જતો હોય છે જે એ જ શહેરના કચરાના ઢગલાની દુર્ગંધથી પણ નથી ઉતરતો.
સમજવાનું એટલું જ છે કે વરસાદ પહેલા બનેલા નવા રોડ પર માત્ર એક જ વાર થોડો વરસાદ પડે ત્યાં મોટા ખાડા પડે ને તેમાં આપણું કોઈ સ્વજન ગુમાવીએ ત્યારે હરિઈચ્છા કહીને આપણે ચૂપ રહીએ ને એ જ સરકારના પોતાના ધર્મ કે જાતિના ફલાણા નેતા કહે કે ‘રોડ રીપેરીંગની ગ્રાન્ટમાં વધારો’ તો આપણે એ ન્યુઝ મેસેજ એપની ફોરવર્ડ લિમિટને ગાળો આપતા-આપતા શેર કરીએ છીએ. હિંદુ-મુસ્લિમ વસ્તીના અનુમાનના ખોટા વોટ્સએપ આંકડાથી આપસમાં બાથ ભીડવા આપણે ચોકે જઈ ચડીએ છીએ પણ પેટ્રોલમાં અધધ ભાવવધારાના સાચા આંકડા પર આપણે ખાલી જોક્સ ફોરવર્ડ કરીને સંતોષ મેળવી લઈએ છીએ. મંદિરમાં દૂધ ને મસ્જિદમાં ચાદરો વેડફીને સાગમટે ભીડમાં કચડાઈ મરીએ પણ પોતાના ધર્મને ટોપ પર પહોંચાડવા વલખા મારતા આપણે શ્રદ્ધાળુઓ ગરીબી ને ભૂખમરાની ઈન્ડેક્સમાં તળિયાઝાટક થઈ જઈએ તો પણ કંઈ બોલતા કે કરતા નથી. ઝેર પીને નીલકંઠ બનેલા મહાદેવના ધર્મને આચરવામાં તેના પર થતી રાજનીતિને સમજવાની તાકાત ખોઈ બેઠા છીએ એટલે જ કશ્મીરમાં ભલે હમણાં આતંકવાદી હિંદુઓ કરતા મુસલમાનોને વધુ મારે પણ મીડિયા ને નેતા ઝેર ઘોળે કે હિંદુ વધુ મર્યા તો વગર સાચી તપાસે ગળ્યા વગરનું એ ઝેર ગટગટાવી જઈએ છીએ (હત્યા એક પણ ન થવી જોઈએ, ચાહે કોઈ પણ ધર્મ હોય). જ્યાં ફક્ત ખેડૂતો, પંડિતો, મુસ્લિમો, દલિતો મરે છે, માણસો નહીં એવા આપણા દેશમાં વિપક્ષો પાસે માણસોને ભેટવા જવાનો સમય પણ ક્યાંથી હોવાનો. પણ એવા સિલેક્ટીવ અપ્રોચવાળા આપણે ચૂંટેલા નેતાઓની જેમ જ આપણું સંગઠન, માગણી બધું ધર્મ ને જાત આધારિત રજૂઆત માટે જ સીમિત થઈ ગયું છે. જેમાં જરૂરી મુદ્દાઓ બાબતે ન તો વિરોધ નોંધાય છે કે ન સહારો.
ફક્ત એટલી શોધખોળ ભીતર કરવાની જરૂર છે કે શિવને લઈને જેટલા રક્ષક બનીએ છીએ એ કોઈના જીવને લઈને કેમ નથી બનતા. પયગંબરને લઈને જે હાથ પિસ્તોલ પકડે છે એ દિમાગમાં જન્નતને લઈને આડંબર ઉભું કરાયું છે એ કેમ નહીં સમજાતું હોય. ધર્મ કોઈ પણ હોય એ શક્તિશાળી જ હોય ને મનુષ્યને શક્તિશાળી જ બનાવે. જો એવું નથી થતું તો ધર્મ બાબતે પોતાની સમજ ચકાસવા આપણે થોડો વિરામ લઈ લેવો જે પોતાના માટે ને દેશ માટે હિતકારી જ નીવડશે!
ક્વોટમેનિયા:
ધર્મને નાસીપાસ કરવાની તાકાત હોય છે ફક્ત તેના અનુયાયીઓ પાસે!
(એક ચોખવટ: અહીં ધર્મનો મતલબ અત્યારના જડસુ લોકોએ પોતાના સામાજિક ને રાજકીય ફાયદા માટે ઉભા કરેલા ખોટા અર્થઘટન સાથે જોડાયેલો છે. જે દુર્ભાગ્યવશ વ્યાપક થતો જાય છે.)


Comments
Post a Comment