હાઉ ફાર કેન ધ બાઉન્ડરીઝ ઓફ ઈમ્પોસીબીલીટી બી પુશ્ડ? (Life-Line Series)

‘ઈમ્પોસિબલ મતલબ આઈ એમ પોસિબલ’, ‘મારી ડિક્ષનરીમાં ઈમ્પોસિબલ શબ્દ જ નથી’, ‘લાઈફમાં કશું ઈમ્પોસિબલ છે જ નહીં’, વગેરે વાક્યો આપણે વારંવાર બોલતા કે સાંભળતા હોઈએ છીએ. શું આ બધા વાક્યો સાચા છે? ના, આ બધા વાક્યો સાચા પણ છે ને ખોટા પણ. કેવી રીતે? એક તો એ કે આ બધા વાક્યો આપણે લિટરલ નહીં પણ ફિગરેટિવ રીતમાં લેવાના હોય છે. આ બધા વાક્યો જિંદગીમાં હાર નહીં માનવા માટે, સફળતા શક્ય છે એ સમજીને પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણારૂપ વપરાય છે. બાકી અશક્ય તો ઘણું છે. ટુથપેસ્ટમાંથી નીકળેલી પેસ્ટ પાછી જેમ હતી તેમ નાખી શકાતી નથી, વરસતો વરસાદ અટકાવી શકાતો નથી, બોલેલા શબ્દો પાછા લઈ શકાતા નથી, કાંડે બાંધેલા દોરાનો રંગ ઊડી જાય તો પાછો લાવી શકાતો નથી. 

વાત કરવી છે અશક્યતાઓની. કશુંક મેળવવાની દ્રઢતા હોય ત્યાં સુધી અશક્યતાનો વિચાર માનવ મનને ગમતો નથી. પણ ક્યારેય વિચાર્યું છે કે એ દ્રઢતા એમની એમ જ હોય છતાં તકનીકી કે પ્રાકૃતિક રીતે અમુક વસ્તુઓ શક્ય નથી હોતી? રસ્તો ક્રોસ કરતી કોઈ બાળકીનો અકસ્માત થતો અટકાવવા દોડી જવાની શક્તિ અને મનોબળ બંને હોય પણ ત્યાં સુધી પહોંચી શકાય તેટલો સમય ન હોય તો ઉમેદ હારી જાય. સમય એને હરાવી દે. શક્યતા અને અશક્યતા કેટલાય અવયવો પર નભતી હોય છે. શક્યતા માટેનો સંઘર્ષ સૌને છેક સુધી કરી જ લેવો હોય છે. પણ આખરે એ ક્યાં સુધી? હાઉ ફાર કેન ધ બાઉન્ડરીઝ ઓફ ઈમ્પોસીબીલીટી બી પુશ્ડ (How far can the boundaries of impossibility be pushed)? આ ક્વોટ વિચારતા કરી મૂકે એવું છે. 

આ ક્વોટ મળ્યું છે મને ક્રીકબઝ વેબસાઈટ પરથી. આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 ઓક્ટોબર, 2021ના દિવસે છેલ્લી લીગ મેચ જે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે હતી એની વેબસાઈટ કોમેન્ટરીમાં મને આ લાઈફ જીવવાની લાઈન મળી. મુંબઈને જીતવા માટે પહેલી જ બેટિંગ લેવી જરૂરી હતી અને એ પછી એટલો મોટો સ્કોર કરવાનો હતો જેમાં એ હૈદરાબાદને 171 રનથી હરાવી શકે. મેચમાં એક નહીં પણ ત્રણ શક્યતાઓનું પાર પડવું જરૂરી હતું. ટોસ જીતવો, 250+ સ્કોર કરવો અને સામેની ટીમને 171 રનથી હરાવવી. લગભગ અશક્ય હતું. પણ ક્રિકેટ અને જીવનમાં જ્યાં સુધી ‘લગભગ’ જીવિત છે ત્યાં સુધી કશું નિશ્ચિત નથી. ‘લગભગ થઈ જશે’ કે ‘લગભગ નહીં થાય’ જેવા વાક્યો આપણે આમ જ બોલી નાખતા હોઈએ છીએ પણ જે-તે પરિસ્થિતિમાં તેનો ખૂબ જ વજન રહેતો હોય છે. 

મુંબઈની ટીમ ટોસ જીતી ગઈ. એક શક્યતા સફળ! બેટર્સ ખૂબ જ જોશથી રમ્યા અને 234નો સ્કોર કરી નાખ્યો જે અબુધાબીની એ પીચ પર કેટલાય સમયથી કોઈ ટીમ દ્વારા નહોતો થયો. ‘કરો યા મરો’ની સ્થિતિની એ કમાલ હતી. બીજી શક્યતા અધૂરી રહી પણ સાવ ખતમ ન થઈ. કેમ કે ત્રીજી શક્યતામાં ફિનિશ લાઈન થોડી અસ્પષ્ટ હતી. જરૂર કરતા સ્કોર ઓછો થયો એટલે હવે સામેની ટીમને પણ ધાર્યા કરતા ઓછા સ્કોરમાં આઉટ કરવાની જરૂર હતી. 5.3 ઓવરમાં હૈદરાબાદની ટીમે 65 રન કર્યા અને મુંબઈની ટીમને એ સ્થિતિએ ત્રીજી શક્યતા પાર પાડવા એક પણ રન આપ્યા વગર 9 વિકેટ લેવી જરૂરી હતી. તકનીકી રીતે એ હજી પણ શક્ય હતું જ. પણ ત્યારે જ એ સવાલ મનમાં આવે કે ક્યાં સુધી અશક્યતાની હદને અવગણી શકાય, દૂર ધકેલી શકાય કે હરાવી શકાય. એ પછી એક રન થયો અને મુંબઈની ટીમ ઔપચારિક રીતે બહાર થઈ ગઈ. એ પહેલા આખી ટુર્નામેન્ટમાં તેનું પ્રદર્શન પ્રશંસનીય નહોતું જ, પણ આ છેલ્લી મેચમાં હતું, કેમ કે એ ટીમ શક્યતા અને અશ્કયતાની ક્ષિતિજે ઊભી હતી. 

આઇપીએલ કે ક્રિકેટ સાથેના ગમા-અણગમાને આ દ્રષ્ટાંતથી લેવા-દેવા નથી. બસ જિંદગી આટલી રસપ્રદ હોય છે એ આપણને આવી ઘટનાઓ શીખવી જાય છે. ક્યાં સુધી પ્રયત્ન કરવો અને ક્યારે તેમાં ઢીલ કે ખેંચ કરવી એ ન સમજાય તો પણ પરિસ્થિતિ સમજાવી દેતી હોય છે. છતાં આપણે લાગ્યા જ રહીએ તો કદાચ દુઃખી થઈએ કે દુઃખી કરીએ. પણ એ દુઃખ સ્વાભાવિક છે. એ દુઃખમાં મોટાભાગે ઘણું જોઈ, સમજી કે અનુભવી લીધાની તૃપ્તિ હોય છે!  


ક્વોટમેનિયા:

શક્યતા શક્ય બન્યા પછી અને અશક્યતા અશક્ય બન્યા પહેલા આશાની અલગ-અલગ બાજુએ હોય છે!

Comments

Popular Posts