ધ પ્રાઈઝ ઓફ ફ્રીડમ ઈઝ હાઈ (Life-line article)

ઘણી વખત બજારમાં ખરીદી કરતી વખતે એવું થાય કે કોઈ ચીજ ગમે જ નહીં. પછી દુકાનદાર પૂછે કે તમારી રેન્જ કેટલી? ત્યારે આપણને સહેજે થાય કે ચાલો આનાથી વધુ કિંમત કહીએ. પછી તે ઊંચી રેન્જની ચીજ બતાવે ને આપણું મન તરત એ તરફ આકર્ષાય. પણ પાછો તરત એ વિચાર આવે કે મૂળ રેન્જ તો પેલી નહીં ગમતી વસ્તુની જ છે. ક્યારેક આપણે બજેટ વધારીને ગમતી ચીજ લઇ લઈએ તો ક્યારેક ઓછી ગમતી ચીજથી સંતોષ માની લઈએ. હા, આખરે મનપસંદ કશું પણ હોય, તેની કિંમત થોડી વધુ તો હોવાની જ. ચાહે એ ચીજવસ્તુ હોય કે પછી જિંદગીના દરેક પડાવે અનુભવાતી અંગત કે કારકિર્દીની બાબતો!

આજના સ્વતંત્રતા દિવસે આપણે સૌથી વધુ કોઈને યાદ કરતા હોઈએ તો એ છે 1947માં આઝાદી મેળવવામાં કારણભૂત રહેલા દરેક ક્રાંતિવીરોને, કે જેઓએ સૌથી કિંમતી ચીજ એટલે કે પોતાની જાનનું બલિદાન આપી દીધેલું; આપણે આજે સુખેથી આ લખી-વાંચી શકીએ કે બજારમાં મનપસંદ વસ્તુની ખરીદી કરી શકીએ એ માટે. એ જે આઝાદી મળી તેની કિંમત બહુ જ ઊંચી હતી. તેમના સંઘર્ષને કિંમતથી આંકી શકાય નહીં. આજે જે ક્વોટની વાત કરવાની છે એ છે - ‘ધ પ્રાઈઝ ઓફ ફ્રીડમ ઇઝ હાઈ’ (The price of freedom is high). આ છે ફિલ્મ ‘કેપ્ટન અમેરિકા: ધ વિન્ટર સોલ્જર’નો એક ડાયલોગ. 

વાત જયારે ફ્રીડમની આવે ત્યારે દરેક પ્રકારની સ્વતંત્રતા વિશે જરા વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે તેને મેળવવા કરવો પડતો સંઘર્ષ ને તેને ટકાવી રાખવા કરવો પડતો શારીરિક અને માનસિક પરિશ્રમ કેટલો અઘરો હોય છે. જીવનમાં સામાજિક રૂઢિચુસ્ત વ્યાખ્યાઓથી જરા અલગ એવી મહત્વકાંક્ષાઓની પગદંડી પર ચાલવાનું પસંદ કરીએ તો તેની આકરી પરીક્ષા આપવી પડતી હોય છે. ચાહે તે બીજાને અમાન્ય વ્યક્તિ સાથે પ્રેમ હોય કે પછી નોકરી હોય, કાળજું કઠણ હોય તો જ એના પર અડગ રહી શકાય. તેવા સંબંધો કે કારકિર્દીને સફળતાપૂર્વક પાર પાડવા માટે સામાજિક દ્રષ્ટિની એક બાંધેલી ઘરેડમાંથી ઊતરીને ચાલ્યા પછી કાં તો કિંમત ચૂકવવી પડે ડગલે ને પગલે સ્વીકાર માટેના પ્રમાણપત્ર આપવાની કે પછી અજડ થવાનું મનોબળ કેળવવાની. 

ફક્ત ઊંચા અવાજ પર કે આગળ ઊભેલા પર જ આજે લાઠીચાર્જ નથી થતો. 1947માં સાગમઠે આખા દેશને બીજા દેશના લોકોની પકડમાંથી આઝાદી મળી ગઈ એટલે બધા જ પ્રકારની સામાજિક આઝાદી મળી નથી ગઈ. એ પછીના થોડા જ મહિનામાં ગાંધીજીએ ગોળી ખાવી પડી, એ કિંમત છે આઝાદીની. સ્વ માટે કે સમૂહ માટે ચીલો ચાતરવાનો થાય ત્યારે ત્યાં પહેલા ચાલવાથી નહીં ખેડાયેલા રસ્તા પર પડેલા કાંટાઓ લોહીલૂહાણ કરે જ, એ કિંમત છે આઝાદીની. આરામદાયક મુસાફરી માટે પોતાની જ મહેનતના પૈસે કાર ખરીદો તો સો ઈર્ષાળુ નજરોથી લડવું પડે એય હકીકત છે. દુઃખ એક કિંમત છે જ; પણ સુખ ભોગવવા પણ કિંમત ચૂકવવી પડતી હોય છે એ આઝાદીની. 9 થી 5ની નોકરી છોડીને કશુંક બીજું ગમતું કરવાની વાટ પકડો તો બપોરે ચાર વાગે બીજા ન જઈ શકે ત્યાં જવા માટે તમને સમય મળી રહે ખરો પણ ખાતામાં શરૂના મહિનામાં એક કિંમત ન જમા થાય એવું પણ બને. નહીં મેળવેલી એ પગારની કિંમત પહેલેથી જ ઉધારમાં ચૂકવેલી ગણાય. પેશનવાળી 9 થી 5ની નોકરી માટે કરાતી દ્રઢ મહેનત પણ તેનું સુખ ભોગવતા પહેલા માણસને નીચોવી નાખતી હોય છે. પણ એ મેળવ્યા પછી એમાં રહેલી ખુશી ભોગવતી વખતે પેલી ચૂકવેલી કિંમત મહામૂલી લાગતી હોય છે.

સર્જનકર્તાએ આસપાસ મનગમતું ઘણું જ મૂક્યું છે પણ એ સઘળું પ્રાપ્ત કરવા માટે ને પ્રાપ્ત કર્યા પછી તેને સાચવી રાખવા તેનું મૂલ્યાંકન થાય છે જ. જેનું મૂલ્ય અવશ્ય જ વધુ હોય છે! 


ક્વોટમેનિયા:

સપના જીવવાની આઝાદીની કિંમત આખી જિંદગી ચૂકવવી પડતી હોય છે!


Comments