કોમ્પ્રોમાઈઝ વ્હેર યુ કેન. બટ વ્હેર યુ કાન્ટ, ડોન્ટ (Life-Line Series)
‘મારે તો આમ કરવું હતું પણ...’ જેવા વાક્યો કદાચ દરેક વ્યક્તિ પોતાની લાઈફમાં એકવાર તો બોલતી જ હશે. કારણ સાદું છે, દરેકને પોતાની ઈચ્છાઓ મુજબનું બધું મળી જતું નથી. જો એમ થાય તો કુદરતની ગોઠવણ ખોરવાઈ જાય. માનો કે કોઈ બે વ્યક્તિને એક જ પ્લોટ ખરીદવો હોય. બંને એ માટે કોશિશ કરે. અંતે તો કોઈ એકને જ એ પ્લોટ મળવાનો ને. આ દ્રષ્ટાંત અહીં લિટરલ અર્થમાં નથી પણ વાત છે આપણી મરજી અને આદર્શ જીવનની મહેચ્છાની આસપાસના લોકો સાથે થઈ જતી ગૂંથણીની. ઈચ્છા મુજબ કાર્ય ન કરી શકાય ત્યાં પ્રવેશ થાય સમાધાનનો, કોમ્પ્રોમાઈઝનો.
વાત નાની સરખી બાબતોમાં એડજસ્ટ કરીને જીવવાની નથી. એ કરવું જ પડે છે. નિયમ છે, વ્યવસ્થા છે, એમાં મીઠાશ પણ છે. પણ જ્યાં કરી શકાય ત્યાં સમાધાન કરવું. ન કરી શકાય ત્યાં નહીં જ! કોમ્પ્રોમાઈઝ વ્હેર યુ કેન. બટ વ્હેર યુ કાન્ટ, ડોન્ટ! (Compromise where you can. But where you can't, don't!) આ ક્વોટ એટલે ફિલ્મ ‘કેપ્ટન અમેરિકા: સિવિલ વોર’માં એજન્ટ પેગી કાર્ટરના શબ્દો.
હિંમતના અભાવ, ઈમોશનલ બ્લેકમેઈલ કે કોઈ બીજા કારણસર જીંદગીમાં સ્ટડી, જોબ, પેશન, સંબંધો, રહેઠાણ કે કોઈ ચીજમાં બાંધછોડ કરવી પડતી હોય છે. એ અણગમા ઉપરાંત જે કર્યું તે યોગ્ય છે એવી મનને મનાવવાની મથામણ પણ કર્યા કરવી પડતી હોય છે. ‘મારો વર પેલી કરતા તો સારો છે’, ‘મારો પગાર પેલા કરતા તો સારો છે’ એમ કહ્યા કરીને જીંદગીની નકલી ખુશીની પરતને સજ્જડ બનાવવી પડે છે. પણ કોઈ પણ સમયે માંહ્યલો બળાપો કાઢે ત્યારે એ ખૂબ ડંખે.
એક છોકરાને ઓટોમોબાઈલ્સ ક્ષેત્રમાં ખૂબ રસ હતો. પણ એન્જીનીયરીંગ પૂરું કર્યું ત્યાં તેની જ્ઞાતિમાં સરકારી નોકરીનો જુવાળ આવ્યો. એ મેળવી શકવા જેટલું કૌશલ્ય ન હોય પણ તેની પરીક્ષાની તૈયારી કરતા ‘વિદ્યાર્થીઓ’ સામે લાખોની પ્રાઈવેટ નોકરી કરવાવાળાની પણ કોઈ વિસાત નહીં. આ છોકરામાં નવા આઈડિયાઝ સાથે ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની કાબેલિયત હતી પણ જ્ઞાતિની રૂઢિ તેના મા-બાપને ને તેમની વિચારસરણી છોકરાની આવડત અને સપનાને ભરખી ગઈ. નહોતું થઈ શકે તેમ છતાં ફેમિલી સામે તેણે કોમ્પ્રોમાઈઝ કર્યું. કોર્ટમાં તેને પટ્ટાવાળાની નોકરી મળી. જે ફક્ત સરકારી હોવાના કારણે તેના મા-બાપ ખુશ થઈ ગયાં, પણ દુનિયાએ એક ઉમદા સંશોધનકાર ખોયો.
પસંદગીની આઝાદી રૂંધી નાખે એ સમાધાન ક્રૂર કહેવાય! વ્યક્તિ તેની સૌથી મોટી મહત્ત્વકાંક્ષાઓને મારીને જીવે પછી હંમેશ અડધી ક્ષમતા સાથે કામ કરે. બિલકુલ અશક્ય સમાધાન દર્દ આપે અથવા એથીય ખતરનાક, અફસોસ! વાત ભૂતકાળમાં જીવવાની નથી. વાત ખુશી, મરજી, યોગ્યતા, સપના અને નિયતિને દબાવવાની છે. (ક્ષમતા સે કમ જીના, યાદ છે?) તમે કહેશો નિયતિને કેમ દબાવી શકાય? કોને ખબર છે નિયતિ કઈ રીતે કામ કરે છે? સર્જનકર્તા કંઈક વિચારીને જ ઈચ્છાઓ અને કાબેલિયત આપણને આપતો હશે ને! પણ આપણે નબળા પડીએ તો ડેસ્ટીની દિશા બદલી નાખે એવી વ્યવસ્થા પણ એમણે કરી હોઈ શકે. કદાચ નિયતિ આ રીતે કામ કરતી હોય. કોને ખબર છે! સંકલ્પશક્તિ અને જુનૂનને ઉપરવાળાએ નિયતિની દોર આપી હોય જે કદાચ આપણે હજી સુધી જાણી ન શક્યા હોઈએ એવું પણ બને. જુનૂનની ખાણ જેવા દશરથ માંજી પરથી બનેલી ફિલ્મ ‘માંજી’માં સંવાદ છે-’ભગવાન કે ભરોસે મત બૈઠો, ક્યા પતા ભગવાન તુમ્હારે ભરોસે બૈઠા હો!’
કોઈ કહે તો નહીં પણ ખુદને લાગે તો જ સમાધાન કરીએ તો જીવન કદાચ વધુ અર્થપૂર્ણ બને. કોઈ સમાધાન કર્યા પછી આપણને વધુ બુદ્ધિવાન કે આજ્ઞાકારી કહીને ચણાના ઝાડ પર ચડાવવા આવે તો એ જ સમજદારીના ચણાના ટોપલામાં આપણે સડવાનો વારો આવે. પ્રખ્યાત વ્યંગકાર હરિશંકર પરસાઈએ કહેલું કે ‘બીજા ગ્રાહકો સામે દુકાનદાર મને ભલો આદમી કહે એ માટે મારે દર મહિને કેટલાય પૈસાનું નુકસાન વેઠવું પડતું.’
બધું ન મળી જાય એનો મતલબ એ તો નથી જ કે બધે સામે ચાલીને સમાધાન વહોરી લઈએ. ઈચ્છા અને ઈચ્છાપૂર્તિ વચ્ચે સમાધાનની સામે સંઘર્ષ પણ આવે!
ક્વોટમેનિયા:
દિવસની વાહ કરતા રાતની આહ વધુ બોલકી. આહ એટલે પોતાના દફનાવેલા સપનાનો અવાજ!


Superb 🙏
ReplyDeleteThank you, buddy!
Delete