ઈટ્સ નાઈસ વ્હેન સમવન ગેટ્સ યુ (Life-Line Series)

એક સાંજે એક ઓગણીસ વર્ષની છોકરી બાળકના ઘોડિયા પાસે રડતી રડતી કંઈક બોલી રહી હતી. ઘોડિયામાં તેના મોટાભાઈની માત્ર એક મહિનાની દીકરી રમતી હતી. છોકરી રડતા રડતા તેને કહી રહી હતી કે ‘આ લોકો મને સાંભળવા કે સમજવા તૈયાર જ નથી, તું તો મને સાંભળે છે ને? સમજે છે ને? તું કંઈક કહે ને આ બધાને.’ છોકરી કોઈ છોકરાને પ્રેમ કરતી હતી અને તેના પરિવારના સભ્યોનો એ સંબંધ સામે વિરોધ હતો. છોકરી હિંદુ ધર્મની હતી તો છોકરો...ના, તેનું નામ અસલમ નહીં અનિલ જ હતું. વિરોધ ફક્ત પ્રેમ સામે હતો. તેઓએ છોકરીને કહ્યું કે ‘તારી પ્રેમની ઉંમર થઈ તો પરણવાની પણ થઈ જ ગઈ કહેવાય ને.’ હા, તર્ક સાથે એ જમાતને વર્ષોથી વેર છે. કોઈ સાવ જ અજાણ્યા છોકરા સાથે એ છોકરીના લગ્ન કરાવી દેવા માટે સગાંવહાલાંઓ તેના ઘરે ભેગા થયા હતાં અને છોકરી બીજા રૂમમાં તેની એક મહિનાની ભત્રીજીને પોતાના મનની વ્યથા કહી રહી હતી. પણ આવડી નાની બાળકીને કેમ? એ થોડી કંઈ સમજવાની હતી. સાચું, પણ બહાર બેસેલા પણ કોઈ ક્યાં તેને સમજી રહ્યા હતાં!

ઈટ્સ નાઈસ વ્હેન સમવન ગેટ્સ યુ (It's nice when someone gets you). મતલબ કે કોઈ આપણને સમજે ત્યારે ખૂબ સારું લાગે! પોપ્યુલર ટીવી સીટકોમ ‘ટુ એન્ડ અ હાફ મેન’નો આ ડાયલોગ છે. દોસ્તી, પ્રેમ કે પછી લોહી, સંબંધ ચાહે કોઈ પણ હોય, તેનો એક બહુ જ મોટો હિસ્સો એટલે સમજણ! ક્યારેક જીવનમાં એવી ક્ષણ આવે જયારે દોસ્ત, જીવનસાથી કે પરિવારની હાજરી ઉપરાંત તેમની સમજણ આપણી અંદર રૂંધાઈ રહેલી પીડા પર મલમનું કામ કરે. 

‘હું દુઃખી છું’ એ જણાવવા એક દિવસ માટે વોટ્સએપ ડીપી બ્લેન્ક કરી નાખતા આ સમાજમાં સૌ પોતાને કોઈ સમજે એવી ઝંખના કરતું બેઠું છે. પણ એક વાત વિચારવા જેવી છે. દરેકને એમ લાગે છે કે તે બીજાને સમજે છે પણ તેને જ કોઈ નથી સમજતું. જો એવું જ હોય તો પછી તેઓ જેમને સમજે છે એ લોકો છે ક્યાં? 

આ 'સમજવું' એટલે કંઈ ઉખાણું ઉકેલવું એમ નહીં. સમજવું એટલે તો મહેસૂસ કરવું. જે સાચે મહેસૂસ કરે એ હાથમાં હાથ લીધા વગર પણ પોતીકાની નસની ગતિ, આંખોમાં વધઘટ થતા પાણીની માત્રા, સ્મિત કે હોઠની ભંગિમામાં ફેરફાર, ચહેરાની ચમક, અવાજમાં બદલાવ, શબ્દની પસંદગી બધું જ માપી લે. વ્યક્તિ ‘ઠીક’ બોલે કે ‘ઠીક છે’ બોલે, સમજનાર માટે એ બંનેનો મતલબ અલગ-અલગ. ધબકાર જોડાય ત્યારે ફરક સમજાય! વાત ફક્ત ‘શું’ નહીં પણ ‘કેટલું’ એ સમજવાની પણ છે. જે સમજે એ વહાલી વ્યક્તિની ભીતર પ્રેમ, દુઃખ, ખુશી, મુશ્કેલી, સુખ કે ચિંતા એ સઘળાનું પ્રમાણ કેટલું એ પણ આંકી લે ને પછી કંઈ બોલ્યા વગર માત્ર ખભે હાથ રાખીને પણ સમજણનું પ્રમાણપત્ર આપી દે! 

કોઈ પોતાને વાંચી લે, જાણી લે, પારખી લે, સાચવી લે, સમજી લે એ વળી કોને ન ગમે! મૌન રુદન થકી જ જો કોઈ આપણી મન:સ્થિતિ સમજી જાય તો આપણી કિસ્મત અને કિંમત ખરેખર આસમાની! અરે! રોમિયો ને જુલિયેટની જેમ કોઈ સામસામા છેડે ઉભા રહીને પણ એકબીજાને સમજી શકે. સમજી શકે કે આપણે તો એક છીએ, સામા છેડે તો દુનિયા છે.

જે સમજે એ આપણે કંઈ ખોટું કર્યું હોય તો પણ પ્રતિક્રિયામાં તરત ખીજ કે સલાહનો સૂંડલો સામે ન ધરી દે. એ સમજવાની કોશિશ કરે, સામેની વ્યક્તિની અંદરથી જે મથવા નીકળતું હોય તેને વધુ ગૂંગળાવે નહીં પણ બહાર લાવવામાં મદદ કરે. વ્યક્તિનો જીવ ગૂંગળાય, અંદરની આગ શમે નહીં ત્યારે એ માટે પાણી ભરેલું આખું ટેન્કર જે તૈયાર રાખે તેને દોસ્ત કહેવાય. પરિવાર કે પ્રેમી કોઈ પણ હોય, જે પોતાને સમજે એ નિકટના લાગે, વહાલા લાગે. એવા સાથી-સંગાથી સામે રહસ્ય ખોલી શકાય, ઊંડામાં ઊંડી વાતો વહેંચી શકાય, કોઈ પણ પ્રકારના જજમેન્ટની પરવા કર્યા વિના વિચિત્ર લાગણીઓ સામે રાખી શકાય, જેની સામે ચૂપ રહી શકાય અને ખડખડાટ હસી પણ શકાય. કેમ? કેમ કે ખબર છે કે એ સમજે છે. અને જયારે કોઈ આપણને સમજે ત્યારે ખૂબ સારું લાગે! 

ક્યારેય તમને પ્રશ્ન થાય છે કે સૌ હૈયું ખાલી કરવા સગાંવહાલાંના બદલે મિત્રોને જ કેમ યાદ કરતા હશે? સમજાય છે ને?


ક્વોટમેનિયા:

રડવા માટે ખભાની ઓથ ને ખુશી વહેંચવા ભીડાતી બાથ, બંનેમાં પ્રિયજનની પરાકાષ્ઠા એક સમાન!

Comments

Popular Posts