હક હમેંશા સર ઝૂકા કે નહીં, સર ઉઠા કે માંગા જાતા હૈ (Life-Line Series)

દિલીપ કુમારનો ફિલ્મ ‘સૌદાગર’માં એક ખૂબ જ ધારદાર ડાયલોગ છે-હક હમેંશા સર ઝૂકા કે નહીં, સર ઉઠા કે માંગા જાતા હૈ! અફલાતૂન! અભિનય અને વાર્તાની બેમિસાલ સમજ ધરાવનાર સુપરસ્ટાર દિલીપ કુમારના જ અભિનયથી જીવંત થયેલા આ વાક્યની વાત કરીને ચાલો તેમને આજે નાની સરખી શ્રદ્ધાંજલિ આપીએ!

હક અતિ વજનદાર શબ્દ છે, તાકાતવાન છે. તેનો પર્યાયવાચી શબ્દ ‘અધિકાર’ પણ. વ્યક્તિત્વની જેમ શબ્દત્વ (શબ્દકોશમાં આવો કોઈ શબ્દ નથી.) પણ કદાચ હોતું હશે, હોવું જોઈએ. વ્યક્તિત્વ ભારે ને હલકું હોય એમ શબ્દત્વ પણ હોય જ ને. અને આ શબ્દ પણ ભારે છે. તેના વજન સાથે માથું ઊંચું કરીને હક મળે તો તેની કિંમત વધી જાય. નહીં તો એમ થાય કે માંગી પણ રહ્યા છીએ ને એ પણ માથું ઝૂકાવીને? ન ચાલે, હરગીજ નહીં. એ તો ‘ક્યારેક માથું ઝૂકાવીને પણ માંગવું પડે હોં’ એવી વેવલી પ્રેક્ટીકાલીટીની જરૂરત સમાજને આદર્શોથી દૂર કરતી જાય છે. બે દિવસ માટે ઉછીના માંગેલા દસ હાજર રૂપિયા દસ મહીનેય પાછા ન મળે ત્યારે પ્લીઝ પ્લીઝ કરતા મેસેજીસ કરવા પડે તેની અહીં વાત નથી. અહીં તો ઠોકર ને સંઘર્ષની આંચે તપાવેલા સિદ્ધાંત ને ખુમારીની વાત છે.

હક પણ શાનો? ટ્રેનની રિઝર્વ્ડ સીટનો? હા, એ પણ ક્યારેક કોન્ફિડન્ટલી બે વાક્યો બોલીને મેળવવો પડે છે નહીં તો લોકો વિનંતી કરીને બર્થ રાઈટની જેમ મનગમતો બર્થ મેળવીને આપણને મૂર્ખ ઠરાવી દે. હક તો હોય પ્રેમનો, ચીજવસ્તુનો, પૈસાનો, ઈજ્જતનો, સત્યનો, ન્યાયનો, વારસાનો, સુખનો, ખુશીનો, શાંતિનો, વ્યવસ્થાનો, આઝાદીનો અને લખલૂટ લાગણીથી આ જીવન કવનને મઘમઘતું બનાવવાનો! પણ એમાં માંગવાવાળાનો હાથ હંમેશ નીચે જ કેમ? એ લેવા માટે હાથ ધરવાની જ જરૂર થોડી છે. સામી વ્યક્તિને એમ પણ તો કહી શકાય કે હક તારી હથેળીમાં મૂક, હું મારો હાથ ઉપર રાખીને મુઠ્ઠી ભીડીને લઈ લઈશ. હક માથું ઊંચું ને હાથ ઉપર રાખીને મેળવવો જ પડે!


એક ઘરમાં બે ભાઈઓ, નાના ભાઈની પત્ની, તેમના બાળકો અને માતા-પિતા રહે. મોટા ભાઈની પત્ની પહેલા બાળકના જન્મ સમયે મૃત્યુ પામી અને મોટા ભાઈનો જીવ પણ થોડા વર્ષે જીવલેણ બીમારીએ લીધો. કામચોર નાના ભાઈની તેની સંપત્તિમાં દાનત બગડી. ભાભીને કશું ન મળે એટલે માનસિક ત્રાસ આપ્યો એમાં તે પણ મોતને ભેટ્યાં. મા-બાપ વગરનો અનાથ દીકરો રડતો રહ્યો. ઘરમાં સૌ મેણાં મારે કે ‘મા-બાપ વગરનાને કોણ રાખે.’ છોકરાને લાગી આવ્યું. જેમ-તેમ કરીને કોઈ ભલા આદમીની મદદથી તેણે કાયદાકીય રીતે જાણી લીધું કે ઘરે વધુ મિલ્કત તો તેના પપ્પાની છે. એ પછી તેણે પરિવારના કપટીઓ સામે બીજા લોકોની મદદથી માથું ઊંચક્યું અને પોતાનો હક જતાવીને ઘરના સભ્ય તરીકે માન જાળવીને જીવવાનું શરૂ કર્યું.

કોઈ પણ ઉંમરે આ લડાઈ લડવી જ પડતી હોય છે. પણ હક માંગતી વખતે ઝુકેલું માથું એટલે પાયદાન નીચું. જે ઉપર હોય તે નીચેનાને દબાવે. મોટું નાના પર હાવી થાય એ કુદરતી નિયમ. બસ એ પ્રમાણે જ ચાલવાનું ને એ પણ હકથી, હક માટે. માથું સ્થિતિસ્થાપક હોય એમાં વાંધો નહીં. પણ આદર ને અધિકારમાં ફરક. માથું નીચે મતલબ નજર પણ નીચે. માથું ઝુકેલું હોય તો અધિકાર છીનવાઈ જાય, ઊંચું હોય તો નજર અધિકાર પર રહે. કોઈ કેમ છીનવી શકે!

માથું ઊંચું રાખવું એ અહીં મેટાફર પણ છે અને લિટરલ પણ. માથાની કિંમત ઘણી રહી ને. માથું તો આંખ, કાન, નાક, મોં, કપાળ અને મસ્તિષ્કનો સરવાળો. એક હક જે હોય જ પોતાનો એ માટે એકસાથે આટલું બધું ગીરવે થોડું પોસાય. આટલાની મહત્તા દાવ પર લગાવીએ એ પણ નબળા બનીને તો હારવા કે જીતવા બચે જ શું. હક એટલે તો સ્વનો હિસ્સો. તેના વગરનું જીવન અસ્તિત્વ કમજોર કરી નાખે!


કવોટમેનિયા:

દિલને ધબકતું રાખે એ રક્ત, માથાને જીવતું રાખે એ હક!

Comments