નથીંગ ફીલ્સ ધ સ્ટમક લાઈક મીનિંગ (Life-Line Series)

વાક્યમાં કર્મ, કર્તા, ક્રિયા બધું જ હોય. કોઈ એક વગર ન ચાલે. એવી જ રીતે જીવનની દરેક પ્રવૃત્તિ કે સંબંધમાં અનુક્રમે હેતુ ને લાગણી હોવા જરૂરી છે. એ જે-તે અર્થ પૂરો પાડે. અર્થનું હોવું જરૂરી છે. અર્થ વિના સઘળું નકામું ને નકામું આપણને ગમે નહીં. કોઈ પણ બેકાર, ફાલતુ કે બિનજરૂરી ચીજ પ્રત્યે અરુચિ પેદા થાય ને આપણે તેને ઘર કે જીવન બહાર ફેંકી દઈએ. દિવાળીની સાફ-સફાઈથી લઈને ઘરડા મા-બાપ સુધી બધે જ દુર્ભાગ્યે આ નિયમ આપણે વાપરવા લાગ્યા છીએ. 

નથીંગ ફીલ્સ ધ સ્ટમક લાઈક મીનિંગ! એમેઝોન પ્રાઈમ પર ગયા મહિને રિલીઝ થયેલા વેબ શો ‘ધ ફેમિલી મેન’માં એક વ્યક્તિને તેનો બોસ ફરીથી કામે લાગવા માટે કહે છે. એ માટે અઠવાડિયામાં જ તેની શારીરિક ક્ષમતા પાછી મેળવવાનું પ્રોમિસ તે વ્યક્તિ તેના બોસને કરે છે. તેને કામ મળ્યું, એક મિશન મળ્યું એટલે તેને ફરીથી તેની બોડી પર કામ કરવાનું એક કારણ મળ્યું. પર્પઝ જરૂરી છે. કોર્પોરેટ વર્લ્ડમાં પણ કોઈ પ્રોજેક્ટ માટે સૌથી પહેલા તેના ઓબ્જેક્ટિવની ચર્ચા થાય છે. તેના પર એક બેઝ તૈયાર થાય જેના ઉપર સૌ કામ કરી શકે. જીવનનું પણ એવું જ છે. ઓબ્જેક્ટિવ જોઈએ. જો એ ન હોય તો કશો અર્થ ન રહે. અર્થ વગરની જીંદગી સાચે જ અર્થ વગરની હોય છે!


‘ધ ફેમિલી મેન’ શોના જ રીવ્યુમાં પોપ્યુલર ફિલ્મ ક્રિટીક રાજા સેને ઉપર લખ્યું એ વાક્ય આ બોસના મિશનવાળા દ્રષ્ટાંતના સંદર્ભમાં લખ્યું છે-નથીંગ ફીલ્સ ધ સ્ટમક લાઈક મીનિંગ (Nothing fills the stomach like meaning)! અહીં સ્ટમક જીંદગીનું મેટાફર છે. તેઓ એમ પણ કહે છે, ‘The relief at finding purpose, a cause to rally behind, is palpable.’ 

અર્થસભર સંબંધ, પ્રવૃત્તિ કે ચીજ આપણને દોડતા રાખે, આગળ વધવા પ્રેરે, દિશા આપે. જેમાં મીનિંગ હોય એમાં રસ જળવાઈ રહે, મોટિવેશન જળવાઈ રહે, તંતુ બંધાયેલો રહે. વિચાર, નિર્ણય, લાગણી કે અફસોસ સુધ્ધાંમાં પણ અર્થ જરૂરી છે. એમાંથી પણ કંઈક મળે એવી નિસબત હોય તો કશું ઉપયોગી જડે. અફસોસનું ફક્ત દુઃખ કે ડિપ્રેશન જ પરિણામ હોય એ કેમ ચાલે. એમાંથી નવા સિદ્ધાંતો, શીખ, નિર્ણયો, અવસરો વગેરે મળવાનો હેતુ હોય તો લેખે લાગે. 

કોઈ ચીજ નકામી છે એવું તરત જાહેર ન કરી દેવાય. એમાંથી આપણને જ અર્થ હોવા છતાં ન મળતો હોય એમ બને. અંદર રહેલો મતલબ ડિસ્કવર કરવો પડે. ઈશ્વર કદી નકામું સર્જન કરતો જ નથી એવું કહેવાય છે ને! ક્યારેક થાય કે તો પછી ઈશ્વરે અમુક લોકો સાવ ફાલતુ ને બેકાર કેમ બનાવ્યા હશે! તેઓ તો પૃથ્વી કે સમાજ કશાના ભલા માટે નથી. બની શકે કે ઈશ્વરે ઉપયોગી લોકોની સામે તેમને સંસારના બેલેન્સ માટે બનાવ્યા હોય. બેલેન્સ માટે કામમાં આવવું એ એમના જીવનનો અર્થ હોઈ શકે કે નહીં? અમુક કાર્યમાં આપણે તો અમુકમાં યુનિવર્સ અર્થનું સિંચન કરતું હોય જેની કદાચ આપણને ખબર જ ન હોય! 

અર્થ જીવનને પૂર્ણ બનાવે. એ પરાકાષ્ઠા, સંતોષ અને અસ્તિત્વ પ્રદાન કરે. ભોજનથી પેટ ભરવા માટેની દોડધામ હોય એમ જ અર્થથી મન ભરવા માટે પણ જીવનમાં માનસિક દોડધામ હોય છે. અર્થ ન હોય તો બધું ખોખલું, નીરસ, કંટાળાજનક ને બેમતલબ લાગે. જ્યાં અર્થ ન મળે ત્યાં કાં અંત માની લેવો અથવા અર્થની ફરી શોધખોળ આદરવી. જીત કે હાર અંત નથી. સંઘર્ષનો અંત હોય, અર્થનો નહીં. પરિણામ પછી પણ એઈમ એ જ રસ્તે એક્સટેન્ડ થાય. માઈલસ્ટોન પછી ફુલસ્ટોપ લાગી જાય તો અર્થ જ નકામો ગણવો!  

શરીરના દરેક અંગનો અર્થ છે તો કુદરતે બનાવેલી દરેક ચીજનો પણ અર્થ છે. સર્જન હોય કે વિનાશ, દરેક પ્રક્રિયાની જવાબદારી નિશ્ચિત હોય જ. વિચારો કે સર્વોપરી શક્તિએ આ જગતનું સર્જન શા માટે કર્યુ? સાવ શૂન્યમાંથી જ તો એમણે ક્યારેક યુનિવર્સ ને એમાં એક નાના ગ્રહ પર અનેક પ્રજાતિ સજીવન કરી હશે. માનવજાતે એમાં ઘર, પરિવાર, ઓફિસ, નોકરી, સંબંધો, રિવાજો, કામ, લાગણી, ઝગડાઓ, સુખ, દુઃખ, ખુશી, વ્યવહાર, ઉધારી, રોકાણ, ફૂડ, સેલિબ્રેશન, મનોરંજન, ટ્રાવેલિંગ વગેરે વિકસાવ્યા. ઈશ્વરના સર્જનને આપણે અર્થથી ભરવાની કોશિશ કરી છે. મળેલા જન્મના અર્થને આપણે વળગી રહ્યા છીએ. દરેક કણ ને પણમાં કોઈક અર્થ છુપાયો છે. અર્થ સત્ય છે, એ નથી તો શું અર્થ છે!


ક્વોટમેનિયા: 

સંબંધમાં અફાટ પ્રેમનું હોવું એ સંબંધનો અર્થ છે!

Comments

Popular Posts