ઈફ યુ વોન્ટ પીસ, પ્રિપેર ફોર વોર (Life-Line Series)
‘ઈફ યુ વોન્ટ પીસ, પ્રિપેર ફોર વોર’. આ વાક્ય છે લેટીન લેખક વેજેટીયસની બુક ‘એપિટોમા રેય મિલીટેરીસ’નું. પ્રખ્યાત ફિલ્મ ફ્રેન્ચાઈઝ ‘જોન વીક’ના ત્રીજા પાર્ટમાં પણ આ વાક્ય ડાઈલોગ તરીકે બોલાય છે અને ફિલ્મનું આખું નામ છે, ‘જોન વીક: પેરાબેલમ’. આ પેરાબેલમ એટલે જ પ્રિપેર ફોર વોર માટેનો લેટિન શબ્દ!
વેજેટીયસે આ વાત જે સંદર્ભમાં કહી છે તેની થોડી વાત કરી લઈએ. રોમન એમ્પાયરની પડતી પહેલા તેના સૈનિકો લાંબો સમય સુધી યુદ્ધવિરામના કારણે કમજોર પડી ગયેલા. અને હથિયારો વગેરેની સુરક્ષા પણ છોડી દીધેલી. પછી જ્યારે યુદ્ધ થયું ત્યારે દુશ્મનના હથિયારો સામે તેઓ વામણા સાબિત થયા. વેજેટીયસ અહીં કહેવા માંગે છે કે યુદ્ધની તૈયારી કરવાનો સમય યુદ્ધ શરુ થવાનું હોય તે નહીં પણ જયારે એકદમ શાંતિ હોય તે છે.
આજે વિશ્વયુદ્ધો થયા ને ઘણો વખત થયો છે, પણ સમય કંઈ બહેતર નથી થયો. લોકો ત્રીજા વિશ્વયુદ્ધની વાતો તો એવી રીતે કરે છે કે જાણે એમને રાહ હોય કે ક્યારે થાય. આજના પ્રોક્સી વોર અને માનવીની માનસિક ખેંચતાણમાં ઉપરના વાક્યનો મતલબ સમજવો હોય કે એને એક સ્પીન આપવું હોય તો એ શું હોઈ શકે? જયારે આપણા દેશમાં જ ક્રાંતિ અને કટોકટીનો શોર છે ત્યારે ‘ઈફ યુ વોન્ટ પીસ, પ્રિપેર ફોર વોર’નો અર્થ એમ કરી શકાય કે જીવનમાં શાંતિ, સુખ ને ખુશી જોઈતી હોય તો લડવાની હિંમત અને તૈયારી રાખવી જરૂરી છે.
એવું તો ન બની શકે ને કે આપણને સુખ જોઈતું હોય ને કોઈ એ છીનવી જાય પછી ફક્ત પ્રાર્થના કરતા બેસી રહીએ એટલે એ સામે ચાલીને આપણને પાછું મળી જાય. ‘લોહા લોહે કો કાટતા હૈ’ એમ યુદ્ધ પણ યુદ્ધને જન્મ આપી જ શકે પણ કંઈ દર વખતે શાંતિ મેળવવા માટે શાંતિથી બેસી રહેવું પરવડે નહીં. કશુંક મેળવવા માટે કશુંક ખોવું પડે એવી જ રીતે સુખ અને શાંતિ માટે બની શકે કે વધુ પ્રયાસો કરવા પડે. વાત આદર્શ અને સારપ છોડવાની નથી પણ આરામદાયક જિંદગી સીધી તો મળી જાય નહીં ને. સંઘર્ષ અને અનિશ્ચિતતાઓ સામે લડવું પડે અને એ લડવાની તૈયારી સંઘર્ષ આવી પડે ત્યારે કરવા બેસીએ તો ન ચાલે. એ માટે આરામ અને શાંતિ હોય કે દૂર દૂર સુધી ખુશીઓ જ જણાતી હોય ત્યારે પણ એની બાહેંધરી માટે અને વધુ ખુશીઓ માટે માનસિક અને શારીરિક તૈયારીઓ કરી રાખવી જ પડે.
એક વ્યક્તિને ગમતું કામ કરવાના સમયસર કે વધુ પૈસા મળતા નહોતા એટલે તેણે સાથે બીજી એક નોકરી કરવી પડતી. નોકરીમાં તેને ખૂબ જ પૈસા મળતા પણ તેને એ કામ પસંદ નહોતું. સ્થિતિ એવી હતી કે જો ફક્ત ગમતા કામ પર જ ધ્યાન આપે તો થોડા સમયમાં સારા એવા પૈસા અને વિકાસ થઈ શકે પરંતુ એ માટે તેણે એ થોડો સમય ખૂબ જ કપરી રીતે પસાર કરવો પડે તેમ હતો. તેણે એ પડકાર ઝીલ્યો અને નોકરી છોડીને ફક્ત ગમતા કામ પર જ ધ્યાન આપ્યું. ધાર્યા કરતા પણ થોડા સમયમાં જ તેને પૈસા, સંતોષ અને શાંતિ મળ્યા. જરૂરી એટલું જ હતું કે તેણે વધુ ખુશી માટે આરામ છોડીને કપરા સમયનો સામનો કરવાની તૈયારી બતાવી.
લોકો બદલાવથી ડરતા હોય છે. એ બદલાવથી સુખ અને શાંતિ મળવાના હોય એ ખ્યાલ હોય પણ એ પૂર્વે થતા સંઘર્ષમાં ઝંપલાવવાની શક્તિ જ હોતી નથી. પીસ માટે વોર થાય કે ન થાય, ગમતી વસ્તુ મેળવવા મુશ્કેલીઓ પાર કરવી પડે કે ન કરવી પડે પણ એ માટે સરંજામ પણ ન હોય એ તો ન જ ચાલે!
ક્વોટમેનિયા:
જીવનમાં ખુશીની ખાતરી અને સુખની સરેરાશ વધુ ન હોય છતાં સંઘર્ષનો સરવાળો શરૂ જ રાખવો પડે!





Comments
Post a Comment