કિતની બડી ત્રાસદી હૈ, અપની ક્ષમતા સે કમ જીના (Life-Line Series)

‘યુ ડિઝર્વ મચ મોર’ કે ‘યુ કેન ડુ બેટર’ કે પછી ‘હું કેટલુંય કરી શકત પણ...’ જેવા વાક્યો આપણે ખુદ પણ ક્યારેક બોલ્યા હોઈશું અથવા કોઈના મોંએ સાંભળ્યા હશે. પણ ખરેખર મતલબ શું થાય આવા વાક્યોનો?

મતલબ એ કે ઈશ્વરે લાયકાત ‘એ’ પ્રાપ્ત કરવાની આપી હોય પણ કોઈ કારણસર પરિણામમાં ‘બી’ કે ‘સી’થી જ સંતોષ (અસંતોષ) મેળવવો પડતો હોય. આવું કેમ થતું હશે? પોતાના કેટલાય કારકો આના માટે જવાબદાર હોઈ શકે. અથવા આપણી આસપાસ રહેલા લોકો પણ કારકો હોઈ શકે. આખરે તો સૌના જીવન જોડાયેલા જ ને. શિક્ષણ, નોકરી, લગ્ન, કારકિર્દી આમ જીવનની કેટલીય મહત્વની ચીજો છે જેમાં આપણા સમાજમાં કોઈ એકનો નિર્ણય નથી ચાલતો. અરે! જે-તે વ્યક્તિનો પોતાનો પણ નથી ચાલતો.



એક છોકરાનું સ્વપ્ન હતું આઈ.એ.એસ. અધિકારી બનવાનું. તે ખૂબ જ હોંશિયાર હતો અને તેના મા-બાપને આ વાતનો ખૂબ ગર્વ હતો. છોકરો પોતાના ગામમાં જ ક્લાર્કની નોકરી કરતા-કરતા યુ.પી.એસ.સી.ની તૈયારી કરતો હતો. છોકરાએ તનતોડ મહેનત કરી અને ત્રીજી કોશિશે એ પરીક્ષામાં પાસ થયો અને તેને દૂરના એક જિલ્લામાં ટ્રેનિંગ માટે જવાનું થયું. અત્યાર સુધી ગર્વ લેતા તેના મા-બાપે આ નોકરી લેવાની સાફ મનાઈ ફરમાવી દીધી. કારણ કહ્યું કે 'દૂર ટ્રેનિંગ ને નોકરી હોય તો ઘર ન સંભાળી શકાય અને આપણી જ્ઞાતિમાં લગ્ન માટે છોકરી મળવી મુશ્કેલ થઈ જાય.' સગાવહાલાની આખી ફોજ ઉતારી દીધી તેને સમજાવવા માટે. આખરે મજબૂરીમાં નિર્ણય લેવાયો. એ છોકરો ક્લાર્કની નોકરીમાં જ નિવૃત થયો અને છેક સુધી તેનો જીવ બળતો રહ્યો.

વિખ્યાત અભિનેતા અને લેખક માનવ કૌલનું એક ક્વોટ છે: कितनी बड़ी त्रासदी है, अपनी क्षमता से कम जीना! સાચે જ કેટલી મોટી ટ્રેજેડી કહેવાય, કરી શકવા સક્ષમ છતાં ન કરી શકવું એ. સ્પર્ધાના આ જમાનામાં જયારે ક્ષમતાઓ વિસ્તારવાની વાત થતી હોય ત્યાં ક્ષમતા જેટલું પણ જીવન ન જીવી શકવું એ એટલું જ કરુણ છે જેટલું ગાયકની જીભનું કપાઈ જવું, વૈજ્ઞાનિકની યાદશક્તિનું ચાલ્યા જવું, દોડવીરના પગનું કપાઈ જવું, ખેતરમાં કમોસમી વરસાદનું આવવું અને પ્રેમપત્રની શાહીનું રેલાઈ જવું.

ઘણા સવાલો પણ થાય. ક્ષમતાથી ઓછું જીવવું શું ભગવાને એ આપી છે એટલે એમને નિરાશ કરવા બરાબર છે? જો એમ હોય તો પછી નિયતિ શું છે? નિયતિ પણ તો એ સર્વોપરી શક્તિની જ દેન છે. તો શું એનો મતલબ એવો કે ઈશ્વર લાયકાત અને નિયતિના ચોગઠા જીંદગીમાં અલગ-અલગ રાખે છે?

એક લેખકે ત્રણ વાર્તા લખી અને ત્રણે જાણે કે માસ્ટરપીસ. લોકોએ વાર્તાઓને સર્વશ્રેષ્ઠ કહીને વખાણથી તરબોળ કરી દીધી. પરંતુ રાજાને રાજકીય રીતે વાર્તાઓ ખૂંચી. એમને એ વાર્તાઓ પ્રજાને તેમના વિરુદ્ધ ભડકાવનારી લાગી. તેમણે હુકમ કરીને લેખકના લખવા પર પ્રતિબંધ મૂકીને આજીવન નજરકેદની સજા ફટકારી. લેખકનું લખવાનું બંધ થઈ ગયું. વર્ષો સુધી ગૂંગળાયા પછી એક વાર તકનો લાભ લઈને તેમણે પોતાની કલમ વડે જ નસ કાપીને આત્મહત્યા કરી લીધી.

કદાચ દરેકનું જીવન તેના ગુણ, ક્ષમતા અને કાબેલિયતથી વધુ-ઓછું જ રહેવાનું.


ક્વોટમેનિયા:

ક્ષમતાથી ઓછું જીવવું એટલે આંગળીના ટેરવા સુધી આવેલી ગઝલ લખી ન શકવી!

Comments