વ્હોટ ઈઝ ગ્રીફ, ઈફ નોટ લવ પર્ઝર્વિંગ (Life-Line Series)

ગ્રીફ! દુઃખ, અતિશય દુઃખ, આત્માને કોરી ખાતું દુઃખ, ગભરામણ, હૈયાફાટ રુદન કે પછી ન રડી શકાય એવું દુઃખ! આ બધું જ કદાચ સૌએ અનુભવ્યું હશે.  ગ્રીફ મુખ્યત્વે કોઈના મૃત્યુ પછી થતા દુઃખ કે શોક માટે વપરાતો શબ્દ છે. આપણે તેને સંબંધના મૃત્યુ સાથે પણ સાંકળી શકીએ. મૃત્યુ કે કોઈ બીજા કારણસર કોઈ વ્યક્તિ આપણા જીવનમાંથી ચાલી જાય એ ગેરહાજરી તો ખરી જ ને. એટલે દુઃખ પણ કદાચ સરખું જ અનુભવાય. મૃત્યુમાં વ્યક્તિની રાહ નથી રહેતી જયારે સંબંધના મૃત્યુમાં વ્યક્તિનું હોવા છતાં ન હોવું વધુ દુઃખદાયી નીવડે એમ પણ બને. આશા કે રાહ હોય કે ન હોય તો પણ. આપણે કોઈના મૃત્યુ વખતે પણ ખુદને આશ્વાસન આપીએ જ છીએ ને કે એ તો ફક્ત સદેહે નથી જોડે. તો આપણે બંને સ્થિતિને સરખી ગણી જ નાખી છે ને.

ખેર, વાત છે મૃત્યુ પછી વ્યક્તિની યાદની, દુઃખની. શું છે એ દુઃખ? એ દુઃખ પ્રેમ છે. માર્વેલ સ્ટુડિયોઝના શો ‘વાન્ડા વિઝન’માં એક પાત્ર પોતાના પ્રિયજનના મૃત્યુ પછી તેના દુઃખમાં પોતાના સુપર પાવરથી આસપાસના વિસ્તારમાં તબાહી મચાવી દે છે જેની તેને ખુદને પણ ખબર રહેતી નથી. અહીં વાત સુપર પાવરની છે એટલે અતિશયોક્તિ લાગે પણ મૂળ મુદ્દો દુઃખમાં કન્ટ્રોલ ન રહેવાનો છે. એટલી અતિશય પીડા થાય કે સહેવું અઘરું થઈ પડે. શોમાં એ પાત્રને બીજું પાત્ર સમજાવતા કહે છે, ‘વ્હોટ ઈઝ ગ્રીફ, ઈફ નોટ લવ પર્ઝર્વિંગ!’ (What is grief, if not love persevering!) દુઃખ શું છે? એ પ્રેમનું જ તો એક્સ્ટેંશન છે. વહાલા વ્યક્તિને ગુમાવ્યા પછી થતું દુઃખ પ્રેમના શાશ્વત હોવાની નિશાની છે!  


દરેક લાગણીમાં છેડાના બિંદુ હોય છે. એ બિંદુ શરૂઆત કે અંત, વધુ કે ઓછાનાં હોઈ શકે. પણ કદાચ પ્રેમમાં અંતિમ બિંદુ નથી હોતું. પ્રેમની સાતત્યતા એટલે જ પ્રેમી/પ્રેમિકાથી વિખૂટા પડ્યા પછી દુઃખના સ્વરૂપમાં પરિણમી જાય છે. ફક્ત દુઃખ જ નહીં, અગણિત યાદો મનને ઘેરી લે છે. ‘વાન્ડા વિઝન’ના આ ખૂબ જ પોપ્યુલર ડાયલોગ/ક્વોટમાં એ જ તો કહેવાયું છે કે દુઃખ એ પ્રેમની જ ગતિ નથી તો બીજું શું છે! અતિશય દુઃખના કારણે ગ્રીફને નેગેટિવ ઈમોશન ગણવામાં આવે છે. પણ દુઃખ એ યાદગીરી છે કોઈને ક્યારેક પ્રેમ કર્યાની ને તેના અનંત સુધી રહેવાની હાજરીની. 

વધુ દુઃખ એ વધુ પ્રેમની સાબિતી પણ ખરી! પણ એવું ન માનતા કે રડતા રહેવું, ડિપ્રેસ્ડ રહેવું, ઈચ્છાઓને મારીને નાખુશીની ગુલામી વહોરવી દુઃખના વધુ હોવાનું પ્રમાણ છે. દુઃખની હાજરી દરેકમાં અલગ અલગ સ્વરૂપે હોવાની. કોઈના મૃત્યુ પછી બે અલગ-અલગ વ્યક્તિમાં જોવા મળતા વધ-ઘટ આંસુ કંઈ વધ-ઘટ દુઃખ નથી જ. દરેકનું વ્યક્તિત્વ અને વિચારો અલગ હોય છે એટલે પ્રતિક્રિયા પણ અલગ જ હોવાની. કોઈ રડતું રહે તો કોઈ સાવ જ ન રડે, કોઈ જીવનભર અસ્વીકાર કરે તો કોઈ તરત જ સ્વીકારી લે, કોઈ મુવ ઓન કરે તો કોઈ અટકેલું રહે, કોઈ ગયેલી વ્યક્તિની ઈચ્છાઓ પૂરી કરે તો કોઈ તે વ્યક્તિની ઈચ્છાઓ મુજબનું જીવન જીવવા લાગે, કોઈ લાગણીને અવગણવા લાગે તો કોઈ નવી લાગણીને જન્મવા દે, કોઈ પોતાનામાં જ વ્યક્તિનો અહેસાસ કરવા લાગે તો કોઈ જે પહેલા ખૂટતું હતું તેનો અફસોસ કરવા લાગે, કોઈ વધુ પ્રેમ કરવા લાગે તો કોઈ પ્રેમને સમજાવા લાગે! 


એક પ્રેમીના મૃત્યુ પછી તેની પ્રેમિકા સાવ જ ભાંગી પડી. તેણે સૌને પોતાનાથી દૂર કરી દીધા. તેણે ફક્ત પોતાના કામમાં ધ્યાન આપ્યું. કામથી દુઃખને અળગું કરવાનો તેનો ઈરાદો નહોતો પણ તેની માનસિક હાલત ખરાબ થઈ ગઈ એટલે તેણે વધુ પડતું જ કામ કરીને ખુદને ત્રાસ આપવાનું શરૂ કર્યું. આસપાસના લોકોને તેની ચિંતા થવા લાગી. પછી તેની એક મિત્રએ તેને કહ્યું કે તારા દુઃખને યોગ્ય રીતે સમજવાની કોશિશ કર. આ પ્રેમ છે તારો ને તું જો ખુદને જ હેરાન કરીશ તો તારો પ્રેમી જ્યાં પણ હશે તેને એ નહીં ગમે. પેલી છોકરીને સમજાયું. તેણે દુઃખને પ્રેમ ગણીને પ્રેમીની સુંદર ને યાદગાર પળો સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું ને તેનું જીવન ખુશનુમા બની ગયું. 

દુઃખ કે પ્રેમ બેમાંથી એક પણ કમજોર ફીલિંગ નથી. હા, તેની અતિથી થતા નુકસાનને રોકી ન શકવું કમજોરી કહી શકાય. પણ વધુ મહત્વની છે ખુશી. ખુશીની ઝંખના જ સંસારને અર્થ આપે છે. કે નહીં?


કવોટમેનિયા:

એક વાર જન્મેલો પ્રેમ ગમે તે સ્થિતિમાં યુનિવર્સમાંથી પોતાની હયાતી મિટાવી શકતો નથી.

Comments

Popular Posts