ડીલ્યુઝન ઈઝ સો ફ્રેજાઈલ, ઈટ રેરલી સર્વાઈવ્ઝ કવેશન્સ (Life-Line Series)

સવાલ મહત્વના છે. કરતા રહેવા જોઈએ. પરિવારને, સરકારને, હિતેચ્છુઓને, દુશ્મનોને અને ખાસ કરીને ખુદને. નિર્ણય પણ મહત્વના છે. એ જીંદગી બદલી નાખતા હોય છે. અને એટલે જ નિર્ણય વખતે જરૂરી હોય છે, સવાલ!

સવાલ અને સત્યને મોટું લેણું-દેણું છે. સાચો સવાલ ભ્રમ તોડી નાખે છે. ભ્રમની પરતને સવાલની તણી વડે ખોતરતા સત્ય ઉજળું દેખાવા લાગે છે. લેખક Aniekee Tochukwu Ezekielનું એક મજેદાર ક્વોટ છે, Delusion is so fragile; it rarely survives questions! ભ્રમ તકલાદી અને બટકણો હોય છે, ભાગ્યે જ સવાલોનો સામનો કરી શકે છે! 

ભ્રમ ક્યારેય હકારાત્મક હોઈ જ ન શકે. એટલે જ ખરા સમયે સવાલોના ઈંધણ વડે તેને ખતમ કરી નાખવો પડે. ભ્રમને તોડવા માટેનો સૌથી યોગ્ય ને અસરકારક સવાલ કયો, ખબર છે? ‘શા માટે.’ સિદ્ધાંત, નિર્ણય, ભ્રમ કે સ્થિતિસ્થાપકતાને ચેલેન્જ કરવા માટે ‘શા માટે’ પૂછતા રહેવું ખૂબ જરૂરી છે. તો જ આવશ્યક સ્થિતિ પ્રાપ્ત થાય. ને જવાબ ભ્રમ તોડે છતાં જો આપણે સ્થિતિ ન બદલીએ તો એમાં વાંક મૂર્ખતા અને દ્રષ્ટિકોણનો, સવાલનો નહીં. સવાલનું મહત્વ અને ભ્રમ તોડવાનું તેનું સત્વ તો અકબંધ જ રહે છે.

એક રૂઢિચુસ્ત વડીલે તેના કાકાના દીકરાના ફઈની ભાણેજના ભત્રીજાની દીકરીને તેના લગ્ન અગાઉ કહ્યું કે ‘આ લગ્ન બરાબર નથી.’ મુરતિયો યોગ્ય હોવા છતાં છોકરી ડરી ગઈ. તેણે લગ્ન નહીં કરવાનું નક્કી કર્યું. પણ તે વધુ દુઃખી થઈ ગઈ. તેણે નિર્ણય બદલ્યો તો પાછું પેલા વડીલે કહ્યું કે ‘બેટા, તારે આ લગ્ન ન કરવા જોઈએ.’ છોકરીએ હિંમત કરીને પૂછ્યું, ‘શા માટે?’ તો વડીલે કહ્યું કે ‘પ્રેમ લગ્ન થોડા કરાય.’ છોકરીનું આવો વાહિયાત જવાબ સાંભળીને માથું ફરી ગયું. તેણે રોષમાં ફરી સવાલ કર્યો, ‘શા માટે?’ વડીલે વોટ્સએપ ફોરવર્ડની મહાન સાંસ્કૃતિક પરંપરા ગણાવી તો છોકરીએ ઈશ્વરના પ્રેમ લગ્નના કિસ્સાઓ સામે ધરી દીધા. પેલા વડીલ ગેંગેફેંફે કરવા લાગ્યા.

રૂઢિ હંમેશા પ્રગતિશીલ હોવી જોઈએ. ભ્રામક હોય તો પ્રશ્ન કરીને તેનો પછાત વિકાસ અટકાવો પડે. સમાજ કેટલાક નકામા નીતિ-નિયમોનું એક આવરણ બનાવી દે છે. વિરોધ વગર એ આવરણ તોડી નથી શકાતું પણ એ એટલું નકલી અને કચકડાં જેવું હોય છે કે બે-ત્રણ સવાલોથી વધુ ટકવાનું તેનું ગજું પણ નથી હોતું!

ભ્રમ ઘણા પ્રકારના હોય છે. ‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મમાં મુન્નાભાઈને ગાંધીજી દેખાવા લાગે છે. અલબત્ત એ ભ્રમ જ. પણ એ એમ સમજે છે કે ગાંધીજી ફક્ત તેને એકને જ દેખાય છે ને માર્ગદર્શન આપતા રહે છે. તેનો આ ભ્રમ એક વાર તોડી પાડવામાં આવે છે. તેને ગાંધીજી ન દેખાતા હોવાની સચ્ચાઈ ખબર પડે છે. જેમણે ફિલ્મ જોઈ હશે એમને યાદ જ હશે કે આ કઈ રીતે થયું. યસ, પ્રેસ કોન્ફરન્સમાં ગાંધીજીને લગતા સામાન્ય સવાલોના જવાબો ન આપી શકવાથી. જો કે આજે પણ એવું જ છે. પ્રેસ કોન્ફરન્સ થાય તો સાવ સાદા સવાલોના મારથી જ કેટલાયના ભ્રમ તૂટી જાય એમ છે.

આપણા મગજમાં એકથી વધારે કોન્શિયસનેસ હાજર હોય છે. એમાંથી એક જ સતત બોલ્યા કરે એ આદર્શ ન કહેવાય. ફક્ત એક જ ભાષણ કર્યા કરે તો તેનામાં ‘ફક્ત હું જ’નો વહેમ ઘર કરી જાય. બીજી કોન્શિયસનેસે તેને પડકાર આપવો પડે. તો જ બ્રેઈનમાં બેલેન્સ બનેલું રહે.

ક્યારેક ભ્રમ વિશફુલ થિન્કિંગનું સ્વરૂપ પણ લઈ લે છે. યોગ્ય નિર્ણય લેવાની હિંમત ન હોય ત્યારે સામા છેડાની તરફેણમાં કારકો ઉભા કરી દેવા એટલે વિશફુલ થિન્કિંગ. આ બહુ જ મોટી માયા છે. તેને પહોંચી વળવા પરિસ્થિતિને ઝૂમ આઉટ કરીને જોવી પડે. એમ કરવાથી વિશફુલ થિન્કિંગ દ્વારા રચાયેલા કારકો તકલાદી જોવા મળે!


ક્વોટમેનિયા:

ભ્રમ જીવનને કાટ લગાવે. તેની ફક્ત એક જ જગ્યા છે, ભંગાર!

Comments

Post a Comment

Popular Posts