સબ ચાહતે હૈ સચ ઉનકે સાથ રહે, પર સચ કે સાથ કોઈ નહીં રહના ચાહતા (Life-Line Series)

‘સત્ય’ ખૂબ જ વિરાટ અને અણીશુદ્ધ શબ્દ છે. આપણા દંભી અને ખોખલા સમાજને સત્ય એકદમ નગ્ન કરીને સામે ધરી દે છે. અહંકાર, કૃતઘ્નતા અને આછકલાપણું સત્ય એકસાથે છતું કરે છે. સત્યને ‘હું’ સમજી લેનારી અને તેના પર અધિકાર જમાવીને બેઠેલી છીછરી હસ્તીઓની ભગવાન ઘણીવાર મસ્તી કરી લેતો હોય છે. પછી એ હસ્તીઓ દુખિયારી બનીને પણ ભગવાનને જ આરોપી માની લે છે. ‘सब चाहते है सच उनके साथ रहे, पर सच के साथ कोई नहीं रहना चाहता।’ ‘ધ ફેમિલી મેન’ વેબ શોમાં મનોજ બાજપેયીનું પાત્ર શ્રીકાંત તિવારી આ વાક્ય બોલે છે. કેટલું સચોટ છે નહીં? ને અફકોર્સ કેટલું સત્ય છે નહીં? પોતે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે દરેકને એમ થાય કે સૌ તેનો સાથ આપે અને તેનું સત્ય પુરવાર થાય પણ જયારે કોઈ બીજું એ જ મુશ્કેલીમાં હોય ત્યારે મદદને સાર્વજનિક ગણીને જવાબદારીમાંથી આપણે હાથ, પગ, મોં, નાક, કાન બધું જ ખંખેરી લેતા હોઈએ છીએ.

એક બેનને તેના પાડોશી બેન સાથે ઘરમાં ચોરી કરવા બાબતે ઝગડો થયો. પાડોશીનો વાંક હતો અને મામલો થાળે પાડવા માટે પેલા બેને સોસાયટીમાં સૌની મદદ માંગી. પાડોશી બેનથી સૌ ડરતા હતાં એટલે કોઈએ સહારો ન આપ્યો પણ બીજા એક ભલા પાડોશી ભાઈએ બેનનું સત્ય સાબિત કર્યું અને તેમને ઉગાર્યા. થોડા દિવસ પછી પેલા માથાભારે પાડોશી બેન સાથે આ ભલા ભાઈનો કચરો ફેંકવાની બાબતે ઝગડો થયો. ચોરી બાબતે જે બેનની ભાઈએ મદદ કરી હતી એમને ખબર હતી કે આ ભાઈનો કોઈ જ વાંક નથી પણ તેમણે એમના સત્યને એમ કહીને ટેકો ન આપ્યો કે ‘આ સોસાયટીમાં આ રોજનો કંકાસ છે.’

બધા ઈચ્છે છે કે સત્ય એમની પડખે રહે, પણ સત્યની પડખે કોઈને ઉભું નથી રહેવું! સત્ય પ્રભાવશાળી છે. સત્યની પોતાની તાકાત છે. આખરે સત્ય બધું જ બેલેન્સ કરી દેતું હોય છે પણ માનવ માત્ર ભૂલને પાત્ર ગણીને માનવ એ પાત્રતામાં વધારો જ કરતો રહ્યો છે.


એક ભાઈના ઓળખીતાના સગાનું ઓક્સિજન બેડ ન મળવાના કારણે કોરોના બીમારીમાં મોત થયું. ઓળખીતા ભાઈએ સરકારની અવ્યવસ્થા પર બળાપો કાઢ્યો તો પેલા ભાઈએ કહ્યું કે એમાં સરકાર શું કરે! થોડા વખત પછી એ ભાઈના પેરેન્ટ્સ કોરોના બીમારીમાં જ એમને છોડીને ચાલ્યા ગયાં ત્યારે એમને સમજાયું કે પોતાના ટેક્સના પૈસા સરકારને આપ્યા છતાં મા-બાપને બચાવી ન શકાયા. એમના સત્યને સહારો જોઈતો હતો પણ અગાઉ બીજાના સત્યને એમણે હડધૂત કરી નાખ્યું હતું.

પોતાનો દરેક શબ્દ સાચો મનાવવાની જીદ કરતો માણસ એ ભૂલી જાય છે કે જીભ પાસે ખોટું બોલવાનો સમય મેળવવા એ થૂંક પણ ખોટી ગળી લેતો હોય છે. તેણે એ યાદ રાખવું જરૂરી છે કે તે કોઈના માટે સમાજ છે તો કોઈ તેના માટે પણ સમાજ છે. ક્વોટમેનિયા: સત્યની બીજી બાજુ નથી હોતી, ફક્ત કથનની હોય છે!

Comments