રિઝેન્ટમેન્ટ ઈઝ કરોઝીવ (Life-Line Series)
દુનિયાના સૌથી પ્રખ્યાત પુસ્તકોની યાદીઓમાં અચૂકપણે સ્થાન પામતું પુસ્તક એટલે, ‘ધ સિક્રેટ’! રોન્ડા બાયર્નના આ પુસ્તકની મુખ્ય થીમ છે-ભૂતકાળને ચોંટ્યા રહેવા કરતા ભવિષ્યને ગળે વળગાડવા બાહો ફેલાવો, હકારાત્મક બનો તો સુખ આપોઆપ નજીક ખેંચાઈ આવશે. દુનિયાની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ, ‘અવેન્જર્સ: એન્ડગેમ’નો લાઈફની આવી જ ફિલસૂફીને આધાર આપતો એક સંવાદ છે-રિઝેન્ટમેન્ટ ઈઝ કરોઝીવ (Resentment is corrosive)!
રિઝેન્ટમેન્ટ એટલે રોષ! એ ફિલ્મમાં સુપરહીરો આયર્નમેન રોષને કાટ લગાવનાર કહે છે. સંયોગ જુઓ, લોખંડનો સૂટ પહેરીને વિલન સામે લડતો એ જીનિયસ કાટ લાગવાની વાત કરે છે. ખેર, અહીં રોષ નહીં પણ તેને કાટ લાગવાની પ્રક્રિયાને ખરાબ કહેવામાં આવી છે. રોષ લાંબો સમય વ્યક્તિની અંદર રહે તો કાટ લગાવે. તેનાથી વ્યક્તિનો વિકાસ અટકે, સારાપણું અટકે, અશાંતિ ને ગભરામણ વધે, સનકપણું વધે અને અંતે વ્યક્તિ ખલાસ થઈ જાય!
કોઈ પણ ચીજની હાજરી અતિશય હોય કે અતિ સમય હોય, આખરે તો એ હાનિકારક જ. અન્યાય, દુઃખ, અસ્વીકાર, મહેણાં, બદલો, રિસામણ, નારાજગી, ગુસ્સો, ગિલ્ટ, ક્રોધ એટલે રિઝેન્ટમેન્ટ. આ સઘળા આપણા જીવનના સામાન્ય ને સ્વાભાવિક ભાવ છે. એમાં કશું ખોટું નથી. ખોટું તો છે આપણું તેને સાચવી રાખવું. કોઈ આપણી જમીન પચાવી પાડે, આપણા ઘરે ચોરી થાય, પેંશન ન મળે તો એ અન્યાય થયો કહેવાય. પણ તેના બે જ રસ્તા છે, 1) કાયદાકીય ફરિયાદ, 2) ભૂલી જવું. પણ ઘણીવાર આપણે અપનાવતા હોઈએ છીએ ત્રીજો રસ્તો, એટલે કે તે ઘટનાને વાગોળતા રહેવું, અંદર ને અંદર બળતા રહેવું, પીડિત તરીકેની સહાનુભૂતિ ઝંખ્યા કરવી, કોઈ નક્કર પગલાં વગર બદલાની ભાવનાને વેગ આપતા રહેવું, વગેરે. આ બધાનો સમન્વય એટલે રોષ ને એ વધતો ચાલે તો આપણે ચેનથી જીવી ન શકીએ!
એક કંપનીમાં ઉચ્ચ હોદ્દા માટે પ્રમોશનની જાહેરાત થવાની હતી. ત્રણ જણ વચ્ચે ખૂબ જ સ્પર્ધા હતી ને ત્રણેય એટલા યોગ્ય દાવેદાર કે કોને એ હોદ્દો મળશે એ વિશે કંપનીમાં પણ એકમત નહોતો. ત્રણમાંથી કોઈ એકને એ જગ્યા મળી એટલે બાકીના બે નાખુશ થયા. એમાંથી પહેલો જણ થોડા દિવસમાં પરિસ્થિતિ સાથે સમાધાન સાધીને કામમાં ઓતપ્રોત થઈને ખુશ રહેવા લાગ્યો. જયારે બીજા જણે એનાથી તદ્દન ઉલટું કર્યું. તેનામાં જેણે પ્રમોશન આપ્યું હતું એ, જેને પ્રમોશન મળ્યું હતું એ અને તેની પ્રશંસા કરનારા લોકો પ્રત્યે રોષ જન્મ્યો ને સતત તેના બોજ સાથે રહેવા લાગ્યો. તેણે પેલા જણની કરીયર ખતમ કરવા અને કંપનીની આબરૂને માર્કેટમાં ખરડવા એક મોટા પ્રોજેક્ટમાં કંઈક ગરબડ કરી. પણ કંપનીને નુકસાન થાય એ પહેલા જ તેના કારસ્તાનની સૌને ખબર પડી ગઈ ને તેને નોકરીમાંથી જ કાઢી મૂકાયો. તેના આ કારસ્તાનને છતું કર્યું હતું પહેલા જણે જેણે પ્રમોશન ન મળતા પોતાની જાતને કામમાં ઓતપ્રોત કરી દીધી હતી. કંપનીને બચાવી લેવાની તેની લગનથી તેને પેલા પ્રમોશનની સમકક્ષ જ એક પોઝીશન સાથે બિરદાવવામાં આવ્યો.
ધ્યેયમાં નિષ્ફ્ળતા, કોઈ સાથે થયેલો ઝગડો, સંબંધનું તૂટવું, વગેરે જીંદગીના એવા પ્રસંગો છે જેમાં એક કે બીજી રીતે ક્લોઝર જરૂરી છે. માનસિક રીતે અંતિમ બિંદુ સુધી ન પહોંચાય એટલે આપણું ચિત્ત ચિત્તાની જેમ અર્થહીન દોટ લગાવ્યા જ કરે જે ખુદ ને બીજા માટે અહિતકારી નીવડે. કોઈ ઘટનાને લઈને પેદા થયેલી નફરત સામુદાયિક સ્પરૂપ ધારણ કરે ને બીજા સમુદાયને નુકસાન કરવા તરફ પ્રેરે એમ પણ બને. રાષ્ટ્રીય, જાતીય કે ધાર્મિક કોઈ પણ સ્તરે આવું બનતું જ હોય છે. અને વક્રતા એ છે કે એ નફરત સંઘરી રાખીને ભલે જાતે દુષ્ટતા ને બરબાદી નોતરી હોય પણ ખુદને તો આપણે વિક્ટિમ જ લાગીએ.
વૈયક્તિક, સામાજિક કે આર્થિક સ્તરે થયેલું અપમાન પછી કોઈ પણ સ્થળે ને કોઈ પણ સમયે મનમાં ઘુમરાયા જ કરે. એ પળો આપણે વારંવાર જીવ્યા જ કરીએ ને દુઃખી થયા કરીએ. તેનો બદલો લેવાની ફેન્ટસી ઘડતા રહીએ જે અપમાન જેટલો જ મનનો હિસ્સો કબજે કરી લે. આપણી સાથે થયેલી દરેક ઘટનાની સફર છેવાડે પહોંચે એ જરૂરી છે. માફી માંગવાની શાંતિની જેમ જ માફી આપવાથી પણ શાતા મળે! આપણને કહેવાયેલી કે ઇવન આપણે કોઈને કહેલી નબળી વાતો જો વધુ વખત આપણા મગજમાં રહે તો અવળી અસર કરે. માનસિક ને શારીરિક તંદુરસ્તી ખોરવાય જે તે સ્થિતિ સુધી પહોંચવાના કારણ જેટલી જ હાનીકારક સાબિત થાય. મગજ નકામી વસ્તુઓને સાચવીને એક નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે ને પછી એ નકારાત્મક ઉર્જા પણ આપણી અંદર જ સચવાય, જે આપણને આગળ વધવા તો ન જ દે પણ આસપાસના જગતને પણ ઉદાસ બનાવે.
નેગેટીવીટીને પણ પોઝીટીવીટીમાં બદલતા આવડે તો કાટની પરત પણ વધુ ખરાબીથી રક્ષણ આપી જ શકે. ઈર્ષ્યામાંથી પણ પ્રેરણા મેળવીને સકારાત્મક સ્પર્ધા થકી વ્યક્તિ બીજા જેટલી જ કે એથી વધુ સફળ બની જ શકે. ભૂતકાળને ટેઈક ઓવર કરવા દઈએ તો વર્તમાન ભવિષ્ય સુધી પહોંચવા જ ન દે. એ જીવન સડાવી દે, ખોખલું કરી નાખે. લોખંડની જેમ જ નકારાત્મક ઉર્જાને ડામવા માટે તેના પર ખુશીઓનું કોટિંગ લગાવીને કારણભૂત તત્વનો નાશ કરવો જ પડે!
ક્વોટમેનિયા:
ભીતર રહેલા જલદ રોષ પર ખુશીની સમજદાર પીંછી સમયસર ફરે તો જીવન આહલાદક બને!


Comments
Post a Comment