ફેઈથ ઈટ ટીલ યુ મેઈક ઈટ (Life-Line Series)

ટોક્યો 2020, ઓલિમ્પિક્સ. ભારતીય મહિલા હોકી ટીમ ગ્રુપ સ્ટેજમાં ઉપરા-ઉપરી ત્રણ મેચ હારી. રિયો 2016માં ગ્રુપ સ્ટેજમાં બધી જ મેચ હારીને મહિલા ટીમ છેલ્લા ક્રમે આવી હતી. ચાર વર્ષમાં (અલબત્ત, ટેક્નિકલી 5 વર્ષમાં) ટીમ ને તેમના નેધરલેન્ડ્સના કોચ સોઈ મારજેને કેટલી જબરદસ્ત મહેનત કરી એ સૌ ન જાણે. બસ સામે પરિણામ હતું, ત્રણ મેચમાં હાર. હવે આયર્લેન્ડ અને સાઉથ આફ્રિકા સામે મેચ બાકી હતી. જો એક પણ મેચ હારે તો 2016નું જ પરિણામ પુનરાવર્તિત થાય, સ્પર્ધામાંથી બહાર. પણ આયર્લેન્ડ સામે 1-0 ને સાઉથ આફ્રિકા સામે 4-3ના દમદાર પરફોર્મન્સ સાથે મેચ જીતી બતાવી. અને પછી વારો આવ્યો ક્વાર્ટર ફાઈનલનો. સામે ગ્રુપ સ્ટેજની પાંચેય મેચ જીતેલી ફેવરીટ ગણાતી ટીમ ઓસ્ટ્રેલિયા. એન્ડ ગેસ વ્હોટ! મળ્યું એક અણધાર્યું થ્રિલિંગ રીઝલ્ટ! 1-0થી ઈન્ડિયન ટીમનો વિજય! ઇતિહાસમાં પહેલી વાર મહિલા હોકી ટીમ સેમિફાઇનલમાં પ્રવેશી, આજે જ! મંત્ર છે, ફેઈથ ઈટ ટીલ યુ મેઈક ઈટ!

Faith it till you make it! ખ્રિસ્તીઓનું આ પોપ્યુલર સેયિંગ દરેકને લાગુ પડે. સૌને જીવનમાં ખુશી અને સફળતા જોઈતી હોય છે, ચાહે તે વ્યક્તિગત જીવન હોય કે વ્યવસાયિક. ને એ મેળવવા માટે જરૂરી પાયાની વસ્તુઓ એટલે મહેનત, જુસ્સો, અનુશાસન, ઉત્ક્ટતા ને સમર્પણ. આત્મવિશ્વાસ પણ એમાંથી એક. એ જ સૌથી મહત્વપૂર્ણ એવું નહીં, પણ તે પહેલું પગથિયું ખરું. ફેઈથ એટલે હાથ ધરેલા કામમાં સંપૂર્ણ વિશ્વાસ અને જીત મળવાની આશા. 

ફક્ત ટકી રહેવું જ નહીં, વિશ્વાસ સાથે ટકી રહેવું વધારે જરૂરી. મંજિલ સુધી પહોંચવામાં રસ્તાનો આનંદ લેવાનો હોય. ક્યાંક ફરવા નીકળ્યા હોઈએ તો કાર કે બસની બારીમાંથી પવન, વૃક્ષો, ઘરો, પંખીઓની મજા માણી શકાય પણ જે સફરમાં લોકેશન નહીં મિશન હોય એમાં વધુ તો ખાડા-ટેકરા જ હોય, તો ત્યાં શું કરવાનું? જોઈએ કોઈ ખૂબસૂરત પાર્ટનર, જેના સહારે ફિનિશ લાઈન કે ગોલ પોસ્ટ સુધી પહોંચી શકાય. ને પાર્ટનર આત્મવિશ્વાસ હોય તો એ આ ‘મેઈક ઈટ’ સુધી પહોંચાડે. 

રેસમાં રાઉન્ડ પૂરો થવામાં વાર હોય પણ ટેક્નિકલી જીત સંભવ ન હોય એવું બની શકે. વાત 1 બોલમાં 17 રન કે 10 સેકન્ડમાં 4 ગોલની આશા જેવી મૂર્ખાઈની નથી. વાત છે, જે વિશ્વાસથી કામ ઉપાડ્યું તેનો મનગમતો અંત લખવાની જીદની. ટોક્યો 2020ની બેડમિન્ટન બ્રોન્ઝ મેડલિસ્ટ પી. વી. સિંધુ 8 વર્ષની ઉંમરથી બેગમાં બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સના ડબ્બા લઈને સવારથી સ્ટેડિયમ પહોંચી જતી પ્રેક્ટિસ કરવા. અલગ હોય છે વિજેતાઓ. એ હારીને પણ હારતા નથી. છેક સુધી કરાતો સંઘર્ષ હાર કેમ ગણાય. વિશ્વાસથી સંઘર્ષ પેદા થાય ને સંઘર્ષ એ જ જીત! 

જરૂરી છે અંત સુધી જાતને આપેલો વિશ્વાસ કાયમ રાખવો. વિશ્વાસ એટલે ખુદનું સ્વરૂપ. જંગમાંથી ખુદની બાદબાકી થાય તો શું બચે? ખુદ સિવાય કોણ લડવાનું? આત્મવિશ્વાસ એટલે આતમની હાજરી, એક આધ્યાત્મિક તાકાત! ક્યારેક મંજિલ કેટલે એ નક્કી ન પણ હોય. આ તાકાત એ ક્યાં સુધી પહોંચવું એનો છેડો દોરે. મહેનત, ધ્યેય, જુસ્સો, આવડત આ બધાને વિશ્વાસ માથે ચડાવે ને સફળતા આપે કદમોમાં. બસ જાતને ‘હું કરી શકીશ’ કહેવું જરૂરી છે. ન થઈ શકે એમ લાગે તો પણ ‘હું ભલે ન કરી શકું, પણ પ્રયત્ન નહીં છોડું’ એ વિશ્વાસથી કહેવું જરૂરી છે. 

જીવલેણ બીમારીનો પેશન્ટ પણ આત્મબળ થકી બેડને જાકારો આપીને ઉભો થતો હોય છે. પડખેના બેડ પર કેસ ખલાસ થઈ જાય એમાં જ ઘણાના હૈયા બેસી જતા હોય છે. ડોક્ટર્સ પણ કહે છે કે દર્દીનો દ્રષ્ટિકોણ અને તેની સાજા થઈ જવાની જીજીવિષા ઘણી વખત ઈલાજ સરળ કરી દે છે. આત્મબળની ઓછપ બીમીરીથી પણ વધુ જીવલેણ! કેમ કે એમાં જીવતા પણ મરેલા ગણાય!


ક્વોટમેનિયા:

‘હું કેમ ન કરી શકું?’ એ સવાલ નહીં, જવાબ છે!

Comments

Popular Posts