श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव स (Life-Line Series)

જન્માષ્ટમી એટલે જેમના શરારતી બચપણથી લઈને કુરુક્ષેત્રના રણમેદાનના ધીરગંભીર ઉપદેશ આપણા જીવનનો મહામૂલો હિસ્સો છે એવા શ્રીકૃષ્ણના જન્મદિવસને ઉજવવાની મીઠડી હોંશ! તેમને પ્રિય થવાની અભિલાષામાં એમના મુખારવિંદમાંથી નીકળેલી શ્રીમદ્ ભગવદગીતાના જ એક શ્લોકની વાત કરીએ-श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव स! એટલે જેવી શ્રદ્ધા તેવો મનુષ્ય. વ્યક્તિના વિચારો, વર્તન, નિર્ણય આ બધું જ શ્રદ્ધામાંથી ઉત્પન્ન થાય. જેમ નાનામાં નાની આદત પાછળ સ્વભાવ હોય એમ વ્યકિતત્વ પાછળ હોય શ્રદ્ધા!

જીવનભર આપણી સાથે જે કંઈ બને તેમાંથી ભેગા થાય અનુભવો, તેમાંથી સિદ્ધાંત ને તેમાંથી શ્રદ્ધા. અહીં શ્રદ્ધા એટલે ઈશ્વરની ભક્તિ નહીં પણ વ્યક્તિની શક્તિ. પોતાની તાકાતનો પરિચય, જીવન વ્યવહારની સમજ ને સત્યની પરખ એટલે બિલીફ જે વ્યક્તિત્વ ઘડે. બિલીફ એટલે ફક્ત સારું હોવું નહીં, બસ હોવું. ને એ બિલીફના જ આધાર પર વ્યક્તિનો વ્યક્તિત્વ સાથે પરિચય થાય.

એક વક્તૃત્વ સ્પર્ધા હતી. તેમાં એવા બે જણને ભાગ લેવા કહેવામાં આવ્યું જેમને ક્યારેય સ્ટેજ પર બોલવાનો અનુભવ નહોતો. પહેલા જણે વિષયની તૈયારી શરૂ કરી પણ એ તેમાં વધુ ધ્યાન ન આપી શક્યો કેમ કે તેને સતત મનમાં એ ડર હતો કે તેણે આવું કામ કદી કર્યું નથી, તેને એ આવડતું પણ નથી એટલે તે આ નહીં કરી શકે. બીજા જણે વિષયની તૈયારી આદરી ને તેને એમાં રસ પડ્યો. તેણે આ સ્પર્ધાને એક નવી ચેલેન્જ તરીકે જોઈ અને પોતાની સ્પીચ તૈયાર કરી. સ્પર્ધાના દિવસે પહેલો જણ લોકોની ભીડ જોઈને સ્ટેજ પર આવતા પહેલા જ એટલો ડરી ગયો કે પોતે બીમાર છે એવું બહાનું કાઢીને છેલ્લી ઘડીએ સ્પર્ધામાંથી ખસી ગયો. બીજા જણને પણ સખત ગભરાટનો અનુભવ થયો પણ તેણે મનમાં વિચાર્યું કે જો આજે આટલા લોકો સામે બોલવાની હિંમત નહીં કરે તો કદાચ ક્યારેય નહીં કરી શકે. તેણે ગભરાટને હથિયાર બનાવીને ભાગ લીધો. તે જીત્યો નહીં પણ તેને મન ભાગ લઈ શકવાની શ્રદ્ધા જીત સમાન હતી.

આપણે જે માની લેતા હોઈએ છીએ તેવા બની જતા હોઈએ છીએ. ક્યારેક જીવન નામની સ્પર્ધામાં આપણે મુશ્કેલી નામના પ્રતિદ્વંદ્વીઓ સામે મનોમન ધારી લીધેલી હારના કારણે વગર લડ્યે જ હારી જઈને દુઃખી થતા હોઈએ છીએ. એવું નથી કે સુખ ને દુઃખની સમજ ખોટી હોય છે. એવું નથી કે ખરાબ સમય ફક્ત મનની પેદાશ છે. પણ એ સમયને પડકારવા માટે સૌ પ્રથમ જે વિચાર આપણા મનમાં રોપાય એ નિર્ણાયક હોય છે. એ જ શ્રદ્ધા હોય છે જે આપણી આસપાસથી આપણી અંદર દાખલ થતી હોય છે. એને આપણી સ્થિતિ બહેતર કરવા માટે પ્રવૃત્ત ને પ્રણાલીગત બનાવવી પડે. આપણે શ્રદ્ધાને જેવો આકાર આપીએ તેવો જ આકાર શ્રદ્ધા આપણા ભવિષ્ય ને વ્યક્તિત્વને આપે. 

સદ્ભાગ્ય આપણું કે યુદ્ધમાં અર્જુનની શ્રદ્ધા ડગી ને આપણને જીવનગ્રંથ મળ્યો. અર્જુનની અસમંજસ પર શ્રીકૃષ્ણે તેને આપેલું જ્ઞાનઅમૃત એ તેની શ્રદ્ધાને અપાયેલો ઘાટ જ તો છે. અર્જુન માટે પોતે રાજ્યની લાલચમાં પરિવાર સામે લડવા તૈયાર થયેલો બાણધારી કજિયાખોર છે કે ધર્મની રક્ષા માટે ગાંડીવ હાથમાં લઈ રણાંગણમાં ઉભેલો વીર વિશ્વમાનવ છે એ શ્રદ્ધાનો વિષય છે. श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव स (Man is made by his belief. As he believes, so he is) કહીને કૃષ્ણે તેની અંદર સાચી શ્રદ્ધા/બિલીફ જગાવી છે. એવું નથી કે અર્જુનને ખબર નહોતી, પણ શ્રદ્ધા ક્યારેક આખડતી પણ હોય છે. તેને ફરી-ફરી સધિયારો આપવો પડતો હોય છે. અર્જુનમાં એ શ્રદ્ધાનો પુન:સંચાર થયો ને તેણે ધર્મની રક્ષા તેનો માર્ગ છે તેમ માન્યું. તેની એ માન્યતાથી એ લડ્યો, જીત્યો ને મહાન બન્યો. જેવી માન્યતા એવું વ્યક્તિત્વ!

દર છ વાક્યે 'અમે તો નાના માણસ' આવું બોલતા લોકોની ધારણા પણ એ જ હોય છે.  ફરી-ફરી વખત એ જ શબ્દો મનમાં ઘૂંટાય એટલે એ શબ્દો શ્રદ્ધા બને ને પછી તે નાનો માણસ છે એ હકીકત બની જાય. શ્રદ્ધા ઘડતર કરે કેમ કે શ્રદ્ધા એ પાયો છે ને જેવો પાયો તેવી ઈમારત. જેમ ઇમારતની મજબૂતી પાયાથી નક્કી થાય એમ જ વ્યક્તિત્વની શ્રદ્ધાથી. શ્રદ્ધા કદાચ આપણામાંથી ન ઉદ્દભવે તો પણ તેને બદલી શકાય, કાબૂમાં રાખી શકાય. પણ એ પણ તો શ્રદ્ધાનો જ સવાલ છે. ‘હું ન બદલી શકું’ એ ખોટી પણ શ્રદ્ધા હોય ને ‘હું ન બદલી શક્યો’ એ ન ગમતું પણ સત્ય હોય. વિચાર કે કાર્યમાં રહેલી શ્રદ્ધા માણસના સત્યને ઉજેરે!

કૃષ્ણે શિશુપાલને તેની ગાળ આપવાની ગુસ્તાખી બદલ માફ કર્યો એટલે શિશુપાલે તેમને વધુ ગાળો આપી. વધુ ગાળ આપવાની તેની હિંમત એ કૃષ્ણે તેનામાં રોપેલી શ્રદ્ધાનું જ પરિણામ. શિશુપાલને તેમ કરવા દેવા માટે કૃષ્ણે જ તેને માફ કરીને ભરોસો અપાવ્યો. સો વખત તેની આ ભૂલને માફ કર્યા પછી શ્રીકૃષ્ણે પોતે જ ઘડેલી તેની શ્રદ્ધા તોડી નાખી અને વધ કર્યો. શ્રદ્ધા હાનિકારક નીવડે જો આપણે તેને જાણી ન શકીએ. પહેલા કોઈ પણ બાબતમાં રહેલી શ્રદ્ધાને ઓળખવી પડે ને પછી યોગ્ય-અયોગ્યના નિર્ણય સુધી પહોંચી શકાય. ગમે તેવી માન્યતાઓને સ્વીકારી લેવી એ આદર્શ આદત નથી. શ્રદ્ધાને પડકારવી પડે કેમ કે વ્યક્તિત્વને મઠારવું પડે. શ્રદ્ધાની સમજ જરૂરી છે! 


ક્વોટમેનિયા:

ક્રોધિત દેવને હરાવી પર્વતમાં શ્રદ્ધા જન્માવે એ પથદર્શક શ્રીકૃષ્ણ!

Comments

Popular Posts