વી આર સ્ટ્રોંગર ધેન વી રીયલાઈઝ (Life-Line Series)
પોટેન્શીયલ અને સ્ટ્રેન્થમાં ફરક શું? સમય અને જાણકારીનો. કોઈ કામ પહેલાની ક્ષમતા પોટેન્શીયલ કહેવાય ને કરી લીધા પછી સ્ટ્રેન્થ. અહીં ફરક, કામનો સમય. ને કામ પૂરું થયે ક્ષમતાની ખબર પડે ત્યાં ફરક, જાણકારીનો. સમયનો ફરક બહેતર. શારીરિક હોય કે માનસિક, ક્ષમતાની જાણકારી ન હોવી એ દયનીય છતાં સ્વાભાવિક છે. મુશ્કેલીઓમાં ડરી જવાય, શું કરવું એની સમજ જતી રહે છતાં આપણે એ પાર પાડવા પૂરી તાકાત લગાડી દેતા હોઈએ છીએ. ક્યારેક તાકાત પૂરી હોય ને ક્યારેક ન પણ હોય, ક્યારેક હું કેટલું કરી શકું એ ખબર હોય ને ક્યારેક ન પણ હોય, ક્યારેક મુશ્કેલી નાની હોય ને ક્ષમતા એક્સપ્લોર ન પણ થાય. પણ એક વાત કાયમી છે, આપણે ધારીએ તેના કરતા આપણે વધુ શક્તિશાળી હોઈએ છીએ!
વી આર સ્ટ્રોંગર ધેન વી રીયલાઈઝ (We are stronger than we realize)! આ ક્વોટ છે માર્વેલના લેટેસ્ટ વેબ શો ‘લોકી’નું. લોકી એક અસીમિત ધુમાડા જેવા કદાવર રાક્ષસ અલાયથની સામે ઉભો હોય છે ત્યારે પોતાની શક્તિઓ બાબતે મૂંઝાય છે. ત્યારે એક પાત્ર તેને કહે છે કે ‘વી કેન ડુ ઈટ, કોઝ વી આર સ્ટ્રોંગર ધેન વી રીયલાઈઝ.’ સુપરપાવર ને કોસ્મિક દુનિયાની આ ફિક્શનલ વાર્તામાંથી બે વાત સમજવા જેવી છે. 1) આપણે આપણી શક્તિઓને પૂરેપૂરી જાણતા નથી હોતા. 2) સામે પહાડી રાક્ષસ જેવી મુશ્કેલી આવી પડે ત્યારે જ પોતાની શક્તિઓને જાણી શકીએ છીએ.
વાત ફક્ત પ્રચંડ પ્રશ્નો સામે લડવાની જ નથી પણ એ ખ્યાલ આવવાની છે કે સવારે સૂર્યનમસ્કાર 3 રાઉન્ડ્સ (1 રાઉન્ડમાં 11 હોય)થી પણ વધુ કરી શકાય, દિવસના 3000 શબ્દોથી પણ વધુ લખી શકાય, સાતથી પણ વધુ રોટલી ખાઈ શકાય, પોતાનાથી પણ વધુ વજન ઊંચકી શકાય ને કોઈની ભૂલોને અગિયારથી પણ વધુ વખત માફ કરી શકાય. વહેલા ઉઠવાની કોશિશમાં રોજ સવારે દસ-દસ મિનિટ વહેલાનું એલાર્મ મૂકીને ટાર્ગેટની નજીક પહોંચવા મથીએ ને એમાં ક્યારેક ક્યાંક વહેલા જવાનું થાય તો સીધું બે કલાક વહેલા ઉઠી જઈએ ત્યારે ખબર પડે દસ મિનિટથી ઉપરવટ બે કલાકની ક્ષમતાની. આટલી અમથી વાત છે પોતાના વિશે જાણવાની. આ અંતર રીયલાઈઝ થાય એટલે અંતર સશક્ત બને ને વિશાળકાય વિઘ્નને માત કરી શકાય!
મર્યાદાઓને ધક્કો માર્યા કરવો પડે, ખુદને જ પડકાર આપતો રહેવો પડે. નેવર સેટલ ફોર લેસ. ઓછું જ પર્યાપ્ત લાગવા માંડે તો જીવનમાં ક્ષમતાને સાર્થક કરવાની ક્ષણ આવે જ નહીં. કોઈ કહે હું તો સેટલ થઈ ગયો ત્યારે મુખ્યત્વે તેની પાસે સારી કમાણીવાળી નોકરી કે ધંધો હોય, પોતાનું ઘર હોય, પત્ની હોય ને સંતાન હોય. આ જીવનની પાયાની ખુશી છે, સૌને મળવી જ જોઈએ. પણ જે પાયાનું છે તેને જ આપણે સંપૂર્ણ માની બેસીએ ત્યારે ખોટું. પછી જીંદગીના બાકીના વર્ષ બસ સેટલ થયાની એ જ ઘરેડમાં વીતી જાય. પરમાત્માએ વિશ્વમાનવ બનવા મોકલ્યા હોય એ ખબર જ ન પડે કેમ કે હું આનાથી વધુ કંઈ છું કે હોઈ શકું એ સમજણ જ સેટલની ગોઠવાયેલી મર્યાદામાં પ્રવેશી ન શકે.
વૈજ્ઞાનિક તારણો કહે છે કે મનુષ્ય દિમાગની અમુક ટકા ક્ષમતાનો જ ઉપયોગ કરી શક્યો છે. આપણને ખબર છે વધુ દિમાગી ક્ષમતાની, વાર છે ફક્ત તેના છેડા સુધી પહોંચવાની. છેડા સુધી પણ શું કામ, જ્યાં છીએ ત્યાંથી બે ડગલાં આગળ વધાય તો પણ શું ખોટું. પોતાની શક્તિની સીમા સમજાય એટલે કેપેબીલીટી પર વિશ્વાસ ને મુસીબતને પછાડી દેવાનું મનોબળ પેદા થાય!
દુઃખ, મુશ્કેલી, સંઘર્ષ આપણને મજબૂત બનાવે. રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે જેના જીવનમાં દુઃખ નથી તેને ઈશ્વર તરફથી પૂરો હિસ્સો મળ્યો ન ગણાય. એટલે દુઃખ કે સંઘર્ષ ન હોય કે હોય ને આપણે તેને અવગણીને જો હાર માની લીધી તો એ પણ હિસ્સો ન મળ્યા બરાબર જ છે કેમ કે ખરી સ્ટ્રેન્થ સુધી આપણે પોતાને પહોંચવા જ ન દીધા. એટલે જેટલી મુશ્કેલી વધુ એટલી ક્ષમતા વધુ, સ્ટ્રેન્થ વધુ!
ક્વોટમેનિયા:
જીવન સમસ્યાની સાથે-સાથે આપે, તેની સામે લડવાની તાકાત વધારવાની તક પણ!


Comments
Post a Comment