ઈફ યુ આર રોન્ગ બટ થિન્ક યુ આર રાઈટ, ધેટ મેઈકસ યુ ડેન્જરસ (Life-Line Article)
એક છોકરાને કોઈ છોકરી સાથે પ્રેમ હતો. એ છોકરી સાથે તેને લગ્ન કરવા હતા પણ તેના પરિવારવાળા આ સંબંધના વિરોધમાં હતાં. છોકરી છોકરાના ખાનદાન કરતા ગરીબ હતી પણ છોકરાના પરિવારને તેની ગરીબી સામે નહીં, પણ નિયત સામે વાંધો હતો. છોકરીની નજર પ્રેમ પર નહીં પણ છોકરાના પરિવારની અમીરી પર હતી. સૌએ છોકરાને આ વાત સમજાવી પણ છોકરો હકીકત સમજી જ ન શક્યો. આખરે છોકરાના લગ્ન એ છોકરી જોડે કરવાની મંજૂરી ન જ મળી એટલે છોકરો તેના પરિવાર પર ખૂબ જ ખિજાયો. તેને થયું કે કોઈ તેનો પ્રેમ સાખી શકતું નથી. એ ખોટો હતો પણ તેને એમ લાગવા માંડ્યું હતું કે તે સાચો છે. લગ્ન માટે મંજૂરી ન મળતા છોકરીને પણ કોઈ ફાયદો ન જણાયો એટલે તેણે સ્વભાવગત છોકરા સાથે સંબંધ પૂરો કરી નાખ્યો. આની અસર છોકરા પર ખૂબ જ ભયંકર થઈ. તે પરિવારના દરેક સભ્યને દુશ્મન ગણવા લાગ્યો. તે માનસિક બીમારીનો શિકાર થયો અને પોતાનો પ્રેમ ગુમાવ્યાનો બદલો લેવા માટે તેણે પરિવારના સભ્યો સાથે ઝગડવાનું અને તેમના પર ઘાતક હુમલા કરવાના ચાલુ કર્યું. નસીબજોગે તેના પર સવાર આ તોફાનની પોલીસને સમયસર જાણ કરવામાં આવી અને પરિવાર બચી ગયો.
ફિલ્મ ‘કેપ્ટન અમેરિકા: સિવિલ વોર’માં એક સંવાદ છે- ઈફ યુ આર રોન્ગ બટ થિન્ક યુ આર રાઈટ, ધેટ મેઈકસ યુ ડેન્જરસ (If you're wrong but think you're right. That makes you dangerous.) મતલબ કે તમે ખોટા હોઉં છતાં તમને એમ લાગે કે તમે સાચા છો તો એ તમને વધુ ખતરનાક બનાવે. પેલા છોકરાએ માત્ર તેની દ્રષ્ટિથી જોયું અને તેને એમ લાગ્યું કે સૌએ મળીને તેની સાથે બહુ જ ખોટું કર્યું છે અને માત્ર તે એક જ સાચો છે. અગાઉ એક લેખમાં આપણે એક ક્વોટ જોયું હતું- બીટરનેસ ઈઝ અ પેરાલિટીક, લવ ઈઝ અ મચ મોર વિશિયસ મોટીવેટર. પ્રેમ ખૂબ ખતરનાક બનવા સુધીની પ્રેરણા આપી શકે છે. એ છોકરામાં પણ પોતે જ સાચા હોવાની અને પ્રેમ નહીં મળ્યાની બંને લાગણી ભેગી થઈ એમાં તે ઘાતકી બન્યો!
સામાન્યતઃ આપણે ‘હું’ એટલે અહંકારની સાથે-સાથે ‘હું જ સાચો’ની ભાવનાનો પણ ભોગ બનતા હોઈએ છીએ. કેટલાક એ દૂષણ સમયસર સમજી જઈને તેના વશમાં થતાં અટકી જતા હોય છે અને બાકીના પોતાને અને બીજાને આખી જિંદગી હાનિ પહોંચાડતા ફરે છે. અમુકને એમ લાગતું હોય છે કે ‘હું હાલતનો માર્યો છું, વિક્ટિમ છું.’ જે સતત આવું જ વિચારે તેને બીજાને જવાબદાર માનવાના અને પરેશાન કરવાના કારણો મળતા રહે છે. એ કારણોને યોગ્ય ઠેરવવા પાછળ તેને બહુ મહેનત કરવી પડતી નથી હોતી; કેમ કે પોતાના પર દુઃખ આવી પડ્યું છે એ વિચાર તેને ગમે તે કરવા પૂરતો લાગતો હોય છે.
બીજાનો દ્રષ્ટિકોણ જોવા જેટલું જ જરૂરી છે પોતાના દ્રષ્ટિકોણને પણ બદલાવીને જોવું. બની શકે કે કોઈએ આપણને થપ્પડ મારી હોય ત્યાં સાચે જ મચ્છર બેઠું હોય, કોઈ નોકરીમાંથી કાઢે ત્યારે સાચે પોતાનામાં સુધારની જરૂર હોય, કોઈ સંબંધનો અસ્વીકાર કરે ત્યારે સાચે પોતાનું વ્યક્તિત્વ ધ્યાનાકર્ષક ન હોય, કોઈ મિત્ર અવગણે ત્યારે આપણે જ પરાણે નજીક જવા માંગતા હોઈએ. આમાંનું કશું ન સમજાય ત્યારે આપણે પોતાની દશા માટે અવલોકનની જહેમતમાંથી છૂટીને બીજાને દોષ આપી દઈ ખુદની બરબાદી નોતરીએ છીએ. આ ચીજ બીજા માટે તો અન્યાયી હોય જ પણ ખુદનો વિકાસ રૂંધી દેવા માટે પણ કાફી હોય છે.
ઘણી એવી પણ પરિસ્થિતિ હોય છે જ્યાં ફક્ત કોઈ એક જ સાચું કે યોગ્ય નથી હોતું. સત્ય કે જૂઠ બે વ્યક્તિનું ભેગું મળીને પણ હોઈ શકે છે. પણ સાચું એ સાચું અને ખોટું એ ખોટું માનવાની માનવજાતની મઝલ લાંબી અને પ્રકૃતિગત છે. બસ આપણે તો એ પ્રયાસ કરીએ કે સત્યની વધુ નજીક રહીએ અને જાતને ખતરનાક નહીં, ખૂબસૂરત બનાવીએ!
ક્વોટમેનિયા:
દરેક વિલન પોતાને સારો અને સાચો જ માનતો હોય છે!


Comments
Post a Comment