આર્ટ ઈઝ અ ફોર્મ ઓફ લાઈંગ (Life-Line Series)
એક પેઈન્ટીંગ, એક ફિલ્મ, એક નાટક, એક શિલ્પ, એક વાર્તા, એક કવિતા, એક ફોટોગ્રાફ, એક નૃત્ય, એક ગીત, એક અભિનય, આ બધામાં સામ્ય શું? આ બધું જ નકલી છે. બધું જ ખોટું છે. હા, કોઈ શિલ્પમાં રહેલી વસ્તુનો આકાર ક્યાં સાચો હોય છે, એ તો ટોચાયેલી કૃતિ હોય છે. કોઈ ફિલ્મમાં વ્યક્તિ ક્યાં સાચી હોય છે, એ તો અભિનીત કિરદાર હોય છે. કોઈ ફોટોમાં પહાડ પર બેઠેલી છોકરી ક્યાં સાચી હોય છે, એ તો પરફેક્ટ ક્લિક હોય છે. એટલે જ તો આપણે એ જોઈને કહીએ છીએ ને કે ‘અદલોઅદલ લાગે છે.’ જો એ સાચું હોય તો ‘લાગે છે’ એવું કહેવાની જરૂર પડે ખરી? આ બધું જ ખોટું છે. પણ આ બધું જ કલાત્મક છે ને હકીકતના આધાર પર હકીકતને બતાવવા ઉભું છે! ને એમાં પણ પાછા સ્તર ખરા. કોઈ ફેન્ટસી ફિલ્મ/શોમાં સસલું બોલે કે ચાદર ઉડે એટલે ખોટામાં વધુ ખોટું, વધુ કાલ્પનિક. કળા કલ્પના પર આધારિત હોય ને કલ્પના એટલે સચ્ચાઇનું ન હોવું. કળા એ જૂઠ છે. સર્જક ને દર્શકને ગમતું જૂઠ!
કોલમિસ્ટ જય વસાવડાની ‘અનાવૃત’ કોલમમાં (17 ઓક્ટોબર, 2021) એક વૈચારિક ગડમથલવાળું ને મારા મનના મનનને શબ્દોમાં ઢાળતું એક ક્વોટ મળી ગયું- આર્ટ ઈઝ અ ફોર્મ ઓફ લાઈંગ (Art is a form of lying - ઓરીજીનલ કોનું છે એ ખ્યાલ નથી). એમણે લેખમાં ‘ધ બિગ ફિશ’ નામની એક મસ્તમજાની ફિલ્મની વાત કરી છે જેમાં સતત વાર્તા ને કિસ્સાઓ કહેતા એડવર્ડની વાત છે જે એકલવાયા ને અસામાન્ય લોકોની મદદ કરે છે. વાતવાતમાં વાર્તા કહેનાર બાપ એડવર્ડથી શરૂમાં ચીડતા વિલને બાપની મૂડી જેવું આ ‘આર્ટ ઈઝ અ ફોર્મ ઓફ લાઈંગ’ પછીથી સમજાય છે. એને સમજાય છે કે કળા એક જૂઠાણું છે, હકીકત કહેતું!
હકીકત સંઘરતી કળા સદીઓથી માનવજાતિમાં સંદેશવાહક તરીકેનું, ઈતિહાસ જાળવવાનું, અરીસો બતાવવાનું ને યાદ અપાવવાનું કામ કરે છે. સદીઓ પહેલા બનાવેલું લેન્ડસ્કેપનું કોઈ ચિત્ર લેન્ડસ્કેપ બદલાય તો પણ સચવાયેલું રહી શકે છે. લેન્ડસ્કેપ સત્ય છે, ચિત્ર જૂઠ. પણ એ જૂઠ જ માધ્યમ બને આગલી પેઢીને નાશ પામેલા પેલા ‘સત્ય’ લેન્ડસ્કેપના દર્શન કરાવવા! પુસ્તકો, ફિલ્મ્સ, નાટકો, ફોટોઝ એમ સંગ્રહાયેલું આ બધું જ માહિતીસભર વિસ્મય માટે સમય જતા કામ લાગી શકે. ગાંધી કે આઈન્સ્ટાઈનને આપણામાંના મોટાભાગના લોકોએ જોયા નથી પણ આઈન્સ્ટાઈને ગાંધી વિશે ને ગાંધીએ આઈન્સ્ટાઈન વિશે શું કહ્યું એ આપણને ખબર છે. તેઓ ‘સત્ય’ હતા જયારે આપણે વાંચ્યા એ પુસ્તકો એ સત્યની છાપણી. ઈરફાન ખાન મરે કે જગજીત સિંઘ, આપણે કહીએ કે તેઓ અમર બની રહેશે. કેમ? કેમ કે આત્મા ને શરીર નજર સામેથી હટ્યા પછી પણ તેમાંથી નીકળેલી અદાકારી ને સુર આપણી સમક્ષ જીવે છે. કળા ખરાપણું કોખમાં વિકસાવે છે, અસલિયતને જીવાડે છે ને આખરે સત્યને સમયને સોંપે છે. એ જે સાચું છે તેની પ્રતિકૃતિને સંવતો સુધી સાચવે છે!
સચવાયેલું ભલે પીળું કે બોદું પડે પણ ઈતિહાસની ઓળખ તો કરાવે જ છે ને. ને કોણે કહ્યું કે ઈતિહાસની જવાબદારી ફક્ત પુસ્તકની જ છે. બાકી કળાનું શું? વર્ષો જૂના મંદિરો કે અન્ય પૂજ્યસ્થાનોની જડબેસલાક કોતરણી શું છે? શિવાજીને ઘોડિયામાં સ્વાતંત્ર્યનું જોશ જગાવનાર જીજાબાઈનું હાલરડું શું છે? પ્રથમ વ્યક્તિગત એથ્લેટિક ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પર ‘તું ભી હૈ રાણા કા વંશજ, ફેંક જહાં તક ભાલા જાયે’ કહીને આખો દેશ એક થાય એ કવિતા શું છે? પેઢી દર પેઢી સાસુ વહુને ને વહુ તેની વહુને આપી પ્રણાલી આગળ ધપાવે એ કડલાની જોડ શું છે? 470 બીસીમાં જન્મેલા સોક્રેટિસની મહાનતા સમકાલીનો ન જાણી શક્યાનો અફસોસ જેના આધારે કરી શકીએ એ દસ્તાવેજો શું છે? સાંભળીને આદરથી પગ થંભે ને દિલમાં દેશદાઝ જાગે એ ટાગોરની કલમે લખાયેલું ગીત શું છે? બસ્સો વર્ષ જુના ખસ્તાહાલ કિલ્લાઓ બચેલી ઈમારત ઉપર ચિત્ર, સેટ, કેમેરા ને વીએફએક્સના જોરે સ્ક્રીન પર ઝગમગી ઉઠે એ શું છે? ઋષિ પરંપરામાં ચાલતા વિદ્યાલયોની જાણ કરાવતા લીમડાના ઝાડ નીચેના ઓટલાઓમાં કામ લાગતું છાણનું લીંપણ શું છે? જ્યાં જુઓ ત્યાં કળાના પુરાવાઓ હાજર છે જ. એ જ ઋષિ પરંપરામાંથી અવતરેલા યોગથી મળતા ઇનર પીસથી લઈને ઈશ્વરે ઘડેલા દેહલાલિત્ય પર માનવે સજાવેલા ઈનર પીસ સુધી; દરેક ચીજ કળાનો નમૂનો છે.
પણ જો દરેક નમૂના જ છે તો અસલ શું છે? શૂન્યમાંથી સર્જન એટલે જે કંઈ સર્જાય છે એ નવું છે, અસલ છે. પણ સર્જન એટલે કળા, તો પછી કળા નકલી ને સર્જન અસલી એવું કેમ? કળા પણ અસલી ન કહેવાય? કહેવાય, પણ કળાનું અસલ રૂપ જ કોઈ ને કોઈ સત્યની નકલ છે. એટલે કદાચ કુદરત એક માત્ર એવું સર્જન છે જેની કળા અસલ છે. કે કદાચ સંગીત પણ. કે કદાચ પ્રથમ સંગીત પણ કુદરતની કોયલથી પ્રેરિત હોય તો એ પણ નહીં. તો પછી કદાચ પ્રલય આવે ને પૃથ્વી આખી એક પાણી ને માટી મિશ્રિત ટપકું બની જાય તો શું એ ટપકું કુદરત સામે પૃથ્વીના સત્યને સાચવી રાખતી કળા કહેવાશે? અસલ કહેવાશે? કુદરતી કહેવાશે કે માનવ નિર્મિત કહેવાશે? છે ને અટપટું? હોવાનું જ ને. વાત કળાની છે. અમસ્તા જ કંઈ લોકો મોનાલીસા કે ખજુરાહો સામે કલાકો સુધી તલ્લીન થઈ જોયા કરે છે!
ક્વોટમેનિયા:
કળા એટલે જૂઠનું સ્વરૂપ જે સત્યને જીવતું રાખે!


Superb..!!
ReplyDelete