યુ શુડ બી કિસ્ડ એન્ડ ઓફન, એન્ડ બાય સમવન હુ નોઝ હાઉ (Life-Line Series)
એક છોકરી હતી. ફિલ્મ્સમાં હિરોઈન હોય ને એવી નહીં, પણ હિરોઈનની બહેનપણી જેવી દેખાવડી. કોલેજમાં ભણતી હતી. વાતોમાં ચંચળ કરતા પ્રેમાળ વધુ. એ. આર. રહેમાનના ગીત જેવી; બીજી-ત્રીજી વખત સાંભળ્યા પછી ગમે એવી એ છોકરી હતી. પણ એને ગમાડતા બધા લોકો એની જરૂરત પૂરી કરી શકતા નહીં. એ દુનિયાને સમજવા કોશિશ કરતી અને ચિંતન કરતી. બહુ સાદા પ્રેમને જટિલ રીતે સમજવાની કોશિશ કરતી એ છોકરીને પોતાના મનમાં વસાવેલો, અવનવા રંગોથી સજાવેલો પ્રેમ સાથે ભણતા એક છોકરા પાસેથી જોઈતો હતો. જોઈતો એટલે હતો કેમ કે તે તેને ખૂબ જ પ્રેમ કરતી હતી. તે છોકરો છોકરી સાથે વાતો કરતો પણ પ્રેમ કરી શકતો નહીં. પ્રેમ કેવો હોવો જોઈએ તેની ગૂંચવણમાં તેઓ આગળના પગથિયાં ચડી શક્યા નહીં. છોકરીના પ્રેમમાં જે કવિતા અને રંગો હતાં એ પોતે સમજાવી ન શકી અને છોકરો સમજી ન શક્યો. જિંદગીના કેનવાસ પર છોકરીને જીવનસાથી તરીકે ઈચ્છીત પ્રેમ કરનાર કોઈ ન મળ્યું. એ વલોપાત દિલમાં જ રાખીને તે રંગોને સાચકલાં કેનવાસ પર ગોઠવતી ગઈ અને મહાન ચિત્રકાર બની ગઈ. પણ તેની સર્જકતા જીવનભર પેલી ઉણપમાંથી જ આવતી રહી ને એ ઉણપ જીવનભર તેને પીડા આપતી રહી.
સાથ કે સંબંધની પૂરી થઈ જતી હશે પણ ચાહીએ એવા ઇશ્કની ઝંખના સૌની પૂરી નથી થતી હોતી. Margaret Mitchellની Gone with the wind નવલકથામાં એક મસ્ત ક્વોટ છે-યુ શુડ બી કિસ્ડ એન્ડ ઓફન, એન્ડ બાય સમવન હુ નોઝ હાઉ (You should be kissed and often, and by someone who knows how.) મતલબ કે જિંદગીમાં કોઈ એવું જોઈએ જે આપણને ચાહે, વારંવાર ચાહે અને એ કોઈ એવું હોવું જોઈએ જેને આપણને ચાહતા આવડતું હોય. ફૂલ જોઈતું હોય ત્યારે વીંટી લઈ દે એ ગમે પણ અંતરમાં એક ઝણઝણાટીની કમી રહી જાય. વ્યક્તિની સાથે-સાથે તેની આપણને ગમતી રીતની ચાહ દિલના કોષોને તૃપ્ત કરી દે. આખા સંસારને એટલે જ તો પ્રેમ જોઈએ છે. અને એમાં પોતાની અદા, પ્રકાર અને ઈચ્છાવાળા પ્રેમનો સમાવેશ થઈ જ જતો હોય છે.
બીમાર પડ્યે પ્રિયતમ માથે મીઠાવાળા પાણીના પોતા મૂકે એ ગમે પણ વચ્ચે એકવાર પોતું હટાવી તે પોતાનો હાથ મૂકે એવી ઈચ્છા જો તે આંખોથી સમજી જાય તો અંદર ધખતા તાવની ગરમીમાં વધુ શાતા મળે. કોઈ એક વાર પણ જીવનમાં તમે ચાહો એવો પ્રેમ કોઈ કરી લે તો જીવનના અસ્તાચળે ઇશ્કનો રંગ વધુ ઘટ્ટ લાગે. જિંદગીમાં સુખ કરતા સાર્થકતા વધુ હોવી જોઈએ. સાર્થકતા એટલે એવી મીઠી પળો જે પ્રેમની પરાકાષ્ઠામાં સ્વને સ્વાહા કરી દે, ઓગાળી દે, સામેવાળી વ્યક્તિમાં પરોવી દે.
ક્વોટમાં કિસનો અર્થ પ્રેમ છે. પ્રેમની મહાન સંસ્કૃતિવાળા આપણા દેશમાં પ્રેમ બોલવામાં પણ હજુ ઘણાને જીભે લોચા વળે છે ત્યારે ચુંબનની તો વાત જ શી કરવી. જેમને પ્રેમ નથી મળતો કે સમજાતો એ જ પ્રેમનો વિરોધ કરે. ઈશ્વરે સર્જેલ શ્રેષ્ઠ પ્રજાતિ ઈશ્વરે સર્જેલ શ્રેષ્ઠ અનુભૂતિને જ ન સમજી શકે ત્યારે ઈશ્વર પણ માથું કૂટતો હશે! પણ અહીં ક્વોટમાં બહુ જ ખૂબસૂરત રીતે ચુંબનને સ્નેહનું સમાનાર્થી કહેવાયું છે. તને કોઈએ ચૂમવું જોઈએ અને એ પણ વારંવાર, કોઈ એવી વ્યક્તિએ જેને ખબર હોય કે ચૂમવું કઈ રીતે. અહીં ચૂમવાને ચાહવાની જગ્યાએ ગણો એટલે અર્થ સમજાઈ જશે. તમને કેવી રીતે ચાહવું છે એ ચાહનારને ખબર હોય ત્યારે વધુ પણ ઓછું લાગવા માંડે અને ઓછું પણ વધુ લાગવા માંડે. ચાહીને દિલ ન દુખે, બસ તરબતર થઈ જવાય. પણ હા, એ પણ બંને તરફ થવું જોઈએ અને એ પણ સમ પ્રમાણ. જેટલું મળે એટલું આપવું પણ તો પડે જ ને. અને એ આપતી વખતે પણ જો એટલું જ તરબતર થઈ જવાય તો કદાચ એ પળોની નોંધણી ઈશ્વરની કલમ દ્વારા પણ થતી હશે!
જયારે ‘હું તને વધુ ચાહું’ની ફરિયાદ સાથે જ ‘યાર! તું કેમ મને વધુ ચાહે’ની ફરિયાદ થાય ત્યારે સમજવું કે પ્રેમનો પ્રવાહ પર્યાયી છે. ત્યારે કોઈ ઊંઘતી આંખના પોપચાં જોઈને પણ સમજી જાય કે હજુ મીઠી નીંદર બાકી છે. બસ પછી તો એ પોપચાંની પેલે પાર નિરાંત ઘૂઘવતી હોય અને જીવન ઝરણું દરિયો લાગે!
ક્વોટમેનિયા:
મનુષ્યમાં ખોરાક અને ખુશી કરતા પ્રેમની ભૂખ વધુ બળવત્તર હોય છે!


Comments
Post a Comment