સફરીંગ એન્ડ અચિવમેન્ટ ઈઝ ધ પર્પઝ ઓફ લાઈફ (Life-Line Series)
‘કર્યા વગર કંઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી’ આ શ્રીમદ્દ ભગવદ્દગીતાનો સાર છે. ન્યુટનના ત્રીજા નિયમ ‘એક્શન-રિએક્શન’ જેવા શૈક્ષણિક જ્ઞાનથી લઈને ‘પાને કે લિયે ખોના’ જેવા કંઈ કેટલાય મોટિવેશનલ લેક્ચર્સનો આ સાર છે કે કંઈક કરશો તો કંઈક મળશે. એનાથી ઉપર ‘ડુ ઓર ડાઈ’ પણ ખરું. પણ વાત સાવ જ સાદી છે અને વર્ષોથી આપણા સૌની સમક્ષ છે. પાક લણીએ તો વળતર મળે, ઈન્જેક્શન લઈએ તો તાવ મટે, પેડલ મારીએ તો સાયકલ ચાલે, કૂવો ખોદીએ તો પાણી મળે, વગેરે. ‘પ્રયાસથી પરિણામ’નો સિદ્ધાંત સૌના જીવનનો ભાગ છે, સૌને ખબર છે. આળસુ, નકામા ને કામચોર લોકોને પણ.
કંઈક મેળવવા, કંઈક વધુ મેળવવા, કંઈક સિદ્ધ કરવા કે પછી કંઈક સિદ્ધિ મેળવવા પ્રયાસ સાથે પસાર થવું પડતું હોય છે પીડામાંથી પણ. ઉમદા ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ ઈન્ટરવ્યુમાં કહેલી આ વાત છે- સફરીંગ એન્ડ અચિવમેન્ટ ઈઝ ધ પર્પઝ ઓફ લાઈફ (Suffering and achievement is the purpose of life.) મતલબ કે પીડા અને પામવું એ પ્રયોજન છે જીવનનું. એ પર્પઝ, પ્રયોજન, હેતુ કે ઉદ્દેશ્ય જે કહો તે માનવજાતિ માટે છે, પણ ગોઠવણ તો કરેલી છે પેલી સર્વોપરી શક્તિની જ. અને સાચું જ તો છે. સફરીંગ વગર અચિવમેન્ટ હોઈ જ કેમ શકે? જો એ વગર અચિવમેન્ટ મળ્યું એમ લાગે તો માનવાનું કે એ ખરા અર્થ અને સ્વરૂપમાં નથી અથવા તો એ અચિવમેન્ટની મજા નથી. સફરીંગની સફરમાં અચિવમેન્ટની સાથે સાથે એ મળ્યા પછી તેને માણવાની મજા પણ આપણા સ્વપ્નોમાં એટલા જ હકથી જમાવટ કરી લેતી હોય છે.
થાકેલા શરીરે ઊંઘવાની મજા આવે એવી જ મજા સફળતા મળ્યા પછી પાર પાડેલા પડકારો અને હાથમાં લીધેલા હથિયારો યાદ કરતા આપણે અનુભવતા હોઈએ છીએ. એ અનુભૂતિ એટલે જ જિંદગીની જદ્દોજહતનો હેતુ. એવું નથી કે સફળતા માટે સંઘર્ષ હોવો જ જોઈએ. પણ સફળતા માટે સંઘર્ષ હોય છે જ એ એટલું જ સાચું છે. સૌ ઈચ્છતા હોય છે કે ઓછામાં ઓછા સંઘર્ષથી સફળતા તેમને હાથ લાગી જાય. પણ દૈવી સંરચના જ એવી જણાય છે કે જે મળવાનું હોય એ ઉત્તમ હોય તો એની પ્રક્રિયા સહેલી કેવી રીતે હોઈ શકે. એટલે જ જે વ્યક્તિ સહેલાઈની આશાને ખૂણામાં રાખીને સંઘર્ષની તૈયારીને સામે ધરીને વળગી પડે એને સફળતાની મીઠી ઉજવણી માણવા મળે.
એક સરકારી ઓફિસમાં કામ કરતી એક ક્લાર્ક છોકરીના એક વાહન અકસ્માતમાં બંને પગ સાથળેથી કપાઈ ગયાં. એ છોકરી હોસ્પિટલના કેટલાય હતાશાભર્યા દિવસો પસાર કરીને ઘરે આવી. તેનો પરિવાર દરેક પ્રકારે તેની સંગાથે હતો. પણ ઘટનાઓની પ્રતિક્રિયા દરેક વખતે જેમ સમાજને આવડતી નથી એમ જ એ છોકરી બાબતે પણ બન્યું. જેટલા પણ તેના દુઃખમાં સહભાગી બનવા ઘરે આવતા એમાંના મોટાભાગના એમ કહેતા કે 'હવે તો તારી જિંદગી સાવ લાચારીવાળી અને અર્થવિહીન થઈ ગઈ.' પોતે ભલે 30 વત્તા 13 કરવા માટે કેલ્ક્યુલેટર વાપરે પણ કોઈ બીજાની માંદગીના બિસ્તર પાસે બેસીને એ કકળાટ કરી જ લે. છોકરીએ આવા લોકોના શબ્દોથી હિંમત ન હારી. એ હજુ નોકરી કરી શકે એમ જ હતી પણ આ બનાવે તેના વિચારોમાં વળાંક આણ્યો. સુઈ રહેવાના બદલે તેણે રમતના મેદાનમાં જઈને પગ ઢસડીને ફરી પાપા પગલીની શરૂઆત કરી. શારીરિક પીડા પર માનસિક પીડા અને તેના ઉપર પાછી શારીરિક પીડા! હોસ્પિટલમાં ડોકટરે રોકેલી લોહીની ટશરો પાછી પગે ફૂટી એટલા ઘસરકા પડ્યા પણ એ ફિનિશીંગ લાઈન સામે જોતી એ ટશરોથી પણ હિંમત વધારતી રહી. મશીન ગાડી મળવાથી આસાની થઈ અને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીને એ રમત સ્પર્ધાઓમાં ભાગ લેતી થઈ. આખરે ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં એ છોકરીએ ખાડાવાળા દેશથી પગ ગુમાવ્યા છતાં એ જ દેશને ગૌરવ અપાવ્યું. તેની એક જ કામના હતી કે પડ્યા પડ્યા ખાવા કરતા દોડીને ક્ષિતિજે રંગો પુરવા એ જ મારી જિંદગીનો હેતુ અને અર્થ હોઈ શકે!
અમુક લોકો માટે ફાલતુ અને ધરતી પરના બોજ જેવી વ્યાખ્યા બનતી હોય છે. કેમ? કેમ કે એમના જીવનમાં કાં જહેમત નથી હોતી કાં જીત નથી હોતી. જહેમત હોય તો એ પણ જીત નહીં બરબાદી તરફની હોય. દુઃખી હોય એ હંમેશા દયાને લાયક ન પણ હોય. દુ:ખીપણામાં દ્રઢતા કાચી હોય તો એવા દિશાવિહીનને ક્યાંથી વિજય પ્રાપ્ત થવાનો. સફરીંગ અને અચિવમેન્ટની આ સમજમાં એટલે જ વચ્ચે ‘અને’ છે, ‘અથવા’ નહીં. કોઈ એક હોવાથી જિંદગીને હેતુ મળી જાય એ સવાલ જ પેદા નથી થતો. બંનેની હાજરી જ હેતુ નિર્માણ કરે. અને પેલી કંઈક કર્યા પછી કંઈક મળ્યાની થાકભરી પણ ચાહભરી નીંદર આપે!
ક્વોટમેનિયા:
પીડા ખુશી કરતા વધુ ચેપી હોય છે!


Comments
Post a Comment