બિહાઈન્ડ સ્ટ્રોંગ પર્સન્સ, ધેર ઈઝ અ સ્ટોરી ધેટ ગેવ ધેમ નો ચોઈસ (Life-Line Series)

‘કરવું હોય છે’ અને ‘કરવું પડતું હોય છે’ આ બંનેમાં એટલો જ ફરક છે જેટલો ઓલિમ્પિકમાં વેઈટ લિફ્ટિંગ સ્પર્ધામાં ખેલાડી દ્વારા વજન ઊંચકવામાં અને અનાજ યાર્ડમાં મજુર દ્વારા ઘઉંની બોરીઓ ઊંચકવામાં છે. વજન ઊંચકવું તો ફક્ત એક ઉદાહરણ છે, મજબૂતીનું. એ ઊંચકતા પહેલા મનને અનેક ગણું વજન ઊંચકવું પડતું હોય છે. જીવનના અમુક તબક્કે પીઠ અને મન ઢાલ જેવા મજબૂત બની જતા હોય છે. દુનિયામાં દરેક વ્યક્તિ અને તેના વિચારો અલગ હોય છે એ સર્વોપરી શક્તિની સંરચના છે. અને તેથી જ ઢાલની સખ્તાઈમાં પણ ફરક હોવાનો જ ને. હવે ઢાલ નથી હોતી એટલે એમાં કંપની અને કિંમત પ્રમાણે મજબૂતાઈ નથી મપાતી. પણ આપણે તો છીએ જ અને આપણી તાકાત જિંદગી માપી લેતી હોય છે. 

આપણે કહીએ કે ‘ઘરના મોભી તો મનના મજબૂત, સ્વભાવે સહનશીલ અને વ્યવહારમાં વજનદાર.’ પણ ઘર તો અનેક છે અને એટલે મોભી પણ. તો શું દરેક મોભી આટલા હોશિયાર અને તાકાતવાન હોય છે? મોભી પહેલા અને આખરે તો એક વ્યક્તિ જ છે ને. જેમ એક પુરુષ દીકરો, બાપ, પતિ, ભાઈ વગેરે હોય અને સ્ત્રી દીકરી, માતા, પત્ની, બહેન વગેરે તેમ મોભી પણ. પણ એ તાકાત પાછળ છુપાયેલા હોય છે દુઃખ અને દર્દ, અને સાથે સુખ અને સન્માન પણ. દરેક વ્યક્તિત્વ અને તેની શક્તિ પાછળ છુપાયેલી હોય છે કોઈ એવી કહાણી જેણે તેમને બીજો કોઈ વિકલ્પ આપ્યો નથી હોતો. લેખક Paulo Coehloનું આ વિચાર પ્રગટ કરતું મસ્ત ક્વોટ છે- બિહાઈન્ડ સ્ટ્રોંગ પર્સન્સ, ધેર ઈઝ અ સ્ટોરી ધેટ ગેવ ધેમ નો ચોઈસ (Behind strong persons, there is a story that gave them no choice). કોઈનામાં દેખાતી શક્તિઓ પણ આખરે એમની જિંદગીની એવી ઘટનાઓની દેન હોય છે જેમાં તેમને સશક્ત થવા સિવાય કોઈ રસ્તો નથી મળ્યો હોતો!

કારેલાનું શાક ઘરમાં બીજાને ખાવું હોય પણ તમને ન ભાવતું હોય તો પણ બીજા માટે ખાવું પડતું હોય છે. કારેલાનું શાક ઉદાહરણ છે જીવનના અમુક કડવા નિર્ણયો અને પ્રસંગો માટેનું. એ કડવાટ તમને કંટોલા ખાતા, ચૂર્ણ ફાંકતા અને કાઢો પીતા પણ શીખવી દે. ચીભડાંની જેમ જિંદગીની મીઠાશ વચ્ચે ક્યારેક આવી જતી કડવાશ પણ કોઠે પાડી દે. બાર વર્ષની ઉંમરે પગમાં ઠેસ વાગે અને જે ઓહ નીકળે એ બત્રીસ વર્ષની ઉંમરે નથી નીકળતું. કેમ કે એટલા વર્ષોમાં શરીર પર ઘણા ઘસરકા પડી ચૂક્યા હોય છે. દર વખતે હાથ પકડી લેવા કે કપડાં ચીરી લોહી અટકાવવા કોઈ જોડે ન પણ હોય. એટલે આદત પડી જાય વધતા દર્દ સામે ઘટતા ઉંહકારાની. મગજમાં દુનિયાદારીની ચિંતા વધતી જાય એમાં ચેતાતંતુ નબળા પડે અને રિએક્શન હળવા પડે. એ ઠેસમાં લોહી વહી જાય એટલે કદાચ અંદર જામે નહીં અને ગાંઠ ન પડે, પણ જિંદગીએ હ્ર્દયને આપેલી ઠેસ ગાંઠો પાડી પાડીને સર્જરી સુધી પહોંચાડી દે. બહારથી મજબૂત દેખાવાનો પણ એક ભાર હોય છે. એ વેંઢારતા રહીએ એટલે સૌને લાગે કે આ ભાઈ/બેન તો ખૂબ પ્રેરણારૂપ છે. પ્રેરણા સાચી જ પણ સર્જરીની સલાહ આપતા ડોક્ટર એક ધડાકે કહી દે કે ‘એ પ્રેરણા પાછળ બહુ કિંમત ચૂકવાઈ છે જે હવે પેલા ભારની નીચે પોલું કરી રહી છે!’ 

મજબૂતી કંઈ એમ જ નથી આવી જતી. દરેક વિકલ્પ વગરની વાર્તાઓમાં તેના કદાવર પાયા હોય છે, જેને આંસુઓથી પાયા હોય છે. પોતે દોરેલી સીધી લીટીમાં ઈચ્છાની યાદી ન પણ વધી શકે હંમેશ આગળ. જિંદગીમાં ગ્રાફ પણ બનાવવો પડે. ઈચ્છાના એક્સ અક્ષાંશ સાથે મજબૂરીનો વાય અક્ષાંશ કાટખૂણો પાડી ચોકડી બનાવી દે એમ પણ બને. ઈચ્છા અને મજબૂરી અલગ દિશામાં ભાગવા માંડે અને એમાં થતી વધ-ઘટ વાર્તા રચે અને વાર્તાના પાત્રો સાથે ખેંચતાણમાં આપણે હવાતિયાં મારીએ ને એમાંથી જ રચાતી હશે મજબૂત જીવનશૈલી. પછી ઈચ્છા અને મજબૂરીની વચ્ચેનું કશું આસાનીથી ખબર ન પણ પડે કેમ કે એ મજબૂરી પણ મજબૂતી નીચે દબાઈ ગયેલી હોય અને આપણે દબાઈ ગયા હોઈએ આપણી જ વાર્તાની નીચે.

દરેક જણ પાસે વાર્તાઓ હોય છે. પોતાની અને બીજાની. સૌથી વધુ પોતાની હોય છે. એ કહે નહીં. કહે તો મજબૂતીનો કિલ્લો તૂટી જવાની બીક લાગે. ક્યારેક કહે તો પણ એમાં નાયક/નાયિકા બદલીને કહે. મારા પાડોશી કે ભાઈબંધ કે સગાંવહાલાં સાથે આવું થયું એમ કહે. બસ સાંભળનારને સમજાવું જોઈએ કે એમાં ત્રીજો પુરુષ/સ્ત્રી પ્રથમ હોય એવી વેદના કેમ દેખાય છે! કદાચ ચોખ્ખું ન પણ સંભળાય સાંભળનારને, કેમ કે તેની પણ તો પોતાની કહાણીનો ઘોંઘાટ હોવાનો ને. પણ આખરે તો કહેનાર કે સાંભળનાર જો ઘોંઘાટને સંગીત માનીને માણી લે કે બદલાવી દે તો મજબૂરીઓને હરાવીને એમાંથી પણ ખુશી અને ઈચ્છા મુજબના કિસ્સા શોધી લેવાનું મજબૂતીમાંથી મેળવી જ શકે. અને એ ખુશી એટલે કહાણીમાં જાતે જ રચેલા એકથી વધુ પોપકોર્ન ઈન્ટર્વલ્સ!


ક્વોટમેનિયા:

ન રડવું મજબૂતી છે, અને ન રડી શકવું કમજોરી!

Comments

Post a Comment

Popular Posts